Book Title: Matrie Ghadya Manvi
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 10
________________ ‘એક જ દે ચિનગારી'નો ઝબકારો મળી જાય, ત્યારે માનવીનું જીવન એક ક્ષણમાં પરિવર્તન પામતું હોય છે. હૃદયમાં અણધાર્યું એક એવું અજવાળું ફેલાય કે પછી એને જીવનપ્રકાશની પગદંડી મળી જાય છે અને સઘળું છોડીને કોઈ ફકીરની માફક ‘એકલો જાને રે’ની જેમ ચાલવા લાગે છે. નારાયણન્ ક્રિષ્નને આવા ઉપેક્ષિતો માટે કામ કરવાનો નિર્ધાર કર્યો અને પોતાના ઘેરથી સંભાર, ભાત કે ઈડલી બનાવીને બેસહારા, ઘરબારવિહોણા, રસ્તે રખડતા લોકોને ભાવપૂર્વક ભોજન ખવડાવવાનું શરૂ કર્યું. એને માટે ભૂખ્યાને ભોજન આપવું એટલામાં જ કાર્યસિદ્ધિ નહોતી, પરંતુ એ ભૂખ્યા લોકોને હૃદયના ભાવથી પોતાના હાથે ભોજન કરાવવું એ એની જીવનસિદ્ધિ હતી. નારાયણન્ ક્રિષ્નના આવા અણધાર્યા નિર્ણયે એના ઘરને ઉપરતળે કરી દીધું. એનાં માતાપિતાને લાગ્યું કે આખી જિંદગી દીકરા પાછળ ઘસી નાખી અને હવે બુઢાપામાં એને આધારે જીવવાનું આવ્યું, ત્યારે પુત્રે પાગલ જેવું પગલું ભર્યું. પેટે પાટા બાંધીને દીકરાને ભણાવ્યો અને અંતે એણે ઊંચામાં ઊંચી નોકરી મેળવી. એ નોકરી છોડી શા માટે નવરા માણસોનું કામ એણે પોતાને માથે લીધું ? માતાપિતાએ એનો પ્રબળ વિરોધ કર્યો. એની માતા તો વારંવાર નારાયણને ગુસ્સામાં કહેતી પણ ખરી કે ‘ગરીબોને મદદ કરવી સારી બાબત છે, પણ બધું છોડીને એની પાછળ ખુવાર થવું એ જિંદગીની સૌથી મોટી ભૂલ છે. જો જુવાનીને ભૂખ્યાજનોની પાછળ ઘસી નાખીશ, તો બુઢાપામાં તારે અમારી માફક ભૂખમરો વેઠવાનો વારો આવશે.’ નારાયણન્ માતાપિતાની હૃદયની પીડાને અને એમની વ્યાકુળ મનઃસ્થિતિને સમજતો હતો. માતાપિતાએ પેટે પાટા બાંધી નારાયણને ભણાવ્યો હતો. એને માટે તેઓ ઘણી કરકસરથી જીવ્યાં હતાં અને હવે જ્યારે ઊંચી કમાણીનાં સ્વપ્નો સાકાર થઈ ગયાં હતાં, ત્યારે એણે એ તમામ સ્વપ્નોનો છેદ ઉડાડી દીધો ! એક દિવસ નારાયણને અતિ વ્યથિત મમ્મીને કહ્યું, ‘તમારું દુ:ખ અને આઘાત હું સમજું છું, પણ સાથોસાથ તમે મારા દિલની વાત પણ સમજો. તમે મારી સાથે આવો. મારું કામ જુઓ અને પછી તમે જો ના કહેશો, તો સદાને 8 • માટીએ ઘડ્યાં માનવી માટે આ કામને હું તિલાંજલિ આપી દઈશ.’ પહેલાં તો એની મમ્મી તૈયાર થઈ નહીં, પરંતુ અંતે પુત્રના અતિ આગ્રહને શરણે ગઈ. નારાયણન્ એમને આસપાસના વિસ્તારમાં લઈ ગયો. એમાં વસતા ગરીબ-ભૂખ્યાજનોની હાલત બતાવી. મૂરઝાઈ ગયેલા નિરાધારોના ચહેરાઓ એના ભોજનથી કેવા હસી ઊઠે છે તે બતાવ્યું. દુઃખી, તરછોડાયેલા લોકોના મુખ પરના અનુપમ સંતોષને એની માતાએ નજરે જોયો. આમ છ કલાક સુધી ફરીને નારાયણન્ ઘેર પાછો આવ્યો અને પછી એ મમ્મીને અભિપ્રાય પૂછે, તે પહેલાં જ એનાં મમ્મીએ કહ્યું, ‘બેટા, તું જીવનભર આ લોકોને ખવડાવવાનું કામ કરજે. હું તને ખવડાવીશ.' થોડા દિવસો પસાર થયા. નારાયણને જોયું કે મેલા-ઘેલા, દાઢી-મૂછ વધી ગઈ હોય તેવા રઝળતા લોકોને માત્ર ભોજન ખવડાવવું એ જ પૂરતું નથી. એમની પૂરતી સારસંભાળ પણ લેવી જોઈએ. આથી એણે એક વાળ કાપનારા નાઈને ત્યાં પાર્ટટાઇમ કામ કરવાનું શરૂ કર્યું. આ જોઈને ઘણાને આંચકો લાગ્યો, એમને સમજાયું નહીં કે આટલું બધું ભણેલો-ગણેલો બ્રાહ્મણ કુળનો છોકરો દાઢી-વાળ કાપવાનું કામ કેમ શીખે છે ? કઈ રીતે અસ્ત્રો ચલાવવો, દાઢી કરવી અને હજામત કરવી એ શીખી લીધું. અરે ! એ વાળ કાપવાની આઠ પ્રકારની સ્ટાઇલમાં માહેર બની ગયો ! આ સઘળું જોઈને કેટલાકે તો એમ માન્યું કે આને હજામના ધંધામાં લોટરી લાગી લાગે છે, માટે આ ધંધો શીખે છે ! કોઈએ વિચાર કર્યો કે આને કોઈ ફાઇવ સ્ટાર હેરકટિંગ સલૂન ખોલવી છે પણ થોડા સમય બાદ તો સહુએ નારાયણને એની કિટમાં કાંસકો, કાતર અને અસ્ત્રો લઈને ફરતો જોયો. અચાનક એક નિરાધારની દાઢી કરતો જોયો અને સહુને ભેદ મળી ગયો. પહેલાં એણે એક વાર એક હજામને વિનંતી કરી હતી, કે જરા આના વાળ કાપી આપ. પૈસા હું તને આપીશ. પરંતુ એ નિરાધાર પાગલનું મોં જોઈને જ વાળંદ ભડકી ગયો હતો. વાળ કાપવાની વાત તો બાજુએ રહી. આજે એ ભૂખ્યાઓને ભોજન આપવા નીકળે, ત્યારે ચોખાના મોટા તપેલાની સાથોસાથ શેવિંગ કિટ પણ લેતો જાય. અને પછી રસ્તા પર પડેલા, મેલા-ઘેલા, ગંદા ગોબરા લોકોને સાફસૂથરા રાખવાનું કામ શરૂ કરી દીધું. કરુણાની અક્ષયધારા * 9

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82