Book Title: Matrie Ghadya Manvi
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 33
________________ ડેરેક કાયોગોના ચિત્તમાં એકાએક એક વિચાર ઝબક્યો. આવી સાબુની ગોટીઓ એકઠી કરીને એને ફરીથી નવી તૈયાર કરીએ તો કેવું? જેઓ સાબુ ખરીદી શકતાં નથી તેમને આવી તૈયાર કરેલી ગોટીઓ મોકલીએ તો કેવું સારું? કાયોન્ગો પોતાના બાળપણની કારમી ગરીબાઈ અને રઝળપાટ ભૂલ્યો ન હતો. યુગાન્ડાના સરમુખત્યાર ઇદી અમીનના નિર્દયી જુલમથી ઊગરવા માટે એ એનાં માતાપિતા સાથે વતનમાંથી ભાગી છૂટ્યો હતો. જીવ બચાવવા માટે અનેક યાતનાઓ સહન કરી હતી અને પારાવારે અભાવ વચ્ચે નિર્વાસિતની છાવણીમાં આશરો લીધો હતો. એ સમયે છાવણીઓમાં ઊભરાતાં બેબસ માનવીઓ અને ચોપાસ ફેલાયેલી ગંદકી વચ્ચે જીવવું પડ્યું હતું. કેટલાંય કમભાગી બાળકોને આ ગંદા, અસ્વચ્છ વાતાવરણમાં અકાળે અવસાન પામતાં જોયાં હતાં. એ દુ:ખની રાત ઘણી લાંબી હતી અને પોતાના બાળપણની એ હૃદયવિદારક સ્મૃતિઓની વાત કરતાં ડેરેક કાયોન્ગો બોલી ઊઠે છે, ‘જેનો અંત ન આવે તેમ હોય એવા લાંબા સમય સુધી દુ:ખ વેઠ્યા પછી શાળાએથી આવતાં બાળકોના મૃતદેહ જોવા મળે, ત્યારે તેની કરુણતાની વાત કેમ કરી શકાય ? મારા પુષ્કળ મિત્રો અનાથ બન્યા હતા, જ્યારે હું જીવવા માટે નસીબદાર નીવડ્યો.' કાયોન્ગોએ આ છાવણીમાં પાયાની જરૂરિયાતથી વંચિત લોકોને પુષ્કળ સંઘર્ષ કરતા જોયા હતા. એ સમયે સાબુની સાચી મૂલ્યવત્તાનો ડેરેક કાયોન્ગોને અહેસાસ થયો. કાયોન્ગોએ કહ્યું, ‘નિર્વાસિતોના કૅમ્પમાં જીવતા લોકોનું જીવન બદતર હતું. સાબુ મેળવવો તે તો એમને માટે અત્યંત મુશ્કેલીભર્યું કામ હતું. અરે ! એમ કહી શકાય કે એમને માટે સાબુ જેવી ચીજનું પૃથ્વી પર કોઈ અસ્તિત્વ જ નહોતું અને બીજી બાજુ માત્ર હાથ ધોઈને એને સ્વચ્છ કરી શકવાની અશક્તિને કારણે લોકો ગંભીર રીતે બીમાર પડી જતા હતા.' કાયોન્ગ કૉલેજમાં અભ્યાસ કરીને સ્નાતક બન્યો અને સમય જતાં અમેરિકાનો નાગરિક બન્યો. અમેરિકા જેવા સમૃદ્ધ દેશમાં આવ્યા પછી પણ પોતાના ભૂતકાળને એ વીસર્યો નહીં. ચોપાસ દેખાતી ભવ્યતા વચ્ચે એ માદરે-વતનની દરિદ્રતાને ભૂલ્યો નહોતો. સમૃદ્ધ મહાનગરોની ચમક-દમકથી એ અંજાઈ જતો હતો, પરંતુ એના S4 • માટીએ ઘડ્યાં માનવી હોટલોમાંથી વપરાયેલ સાબુને એકઠા કરતો ડેરેક કાયોન્ગો મનમાંથી સ્વદેશનાં રોગિષ્ટ, નિર્બળ, હાડપિંજર જેવાં શિશુઓની કરુણાદ્ર છબી ખસતી નહોતી. ક્યારેક એનું ચિત્ત વિચારે ચડતું કે અહીં અમેરિકામાં ઈશ્વરે કેટલું અઢળક આપ્યું છે અને ત્યાં ઈશ્વરે જરૂ૨ પૂરતું આપવામાં પણ ભારે કંજૂસાઈ દાખવી છે ! અહીં તો વિનામૂલ્ય રોજ નવી નવી સાબુની ગોટીઓ પ્રત્યેક રૂમમાં બદલવામાં આવે છે. આ વાત સાંભળીને ડેરેક કાયોન્ગોએ અમેરિકાની સમૃદ્ધિ પ્રત્યે વાહ વાહ કરી નહીં, પરંતુ એને એ વાતનું સ્મરણ થયું કે મારા દેશનાં એવાં કેટલાંય બાળકો છે કે જેમને સાબુની ગોટી મળતી નથી. સ્નાન કરીને ચોખ્ખાં થઈ શકતાં નથી. ધૂળ, માટી અને ચેપી રોગનાં જંતુઓથી એમના દેહ લીંપેલા હોય છે અને સ્વચ્છતાના અભાવે એ જીવલેણ રોગનો ભોગ બને છે. ક્યાંક માતાના ખોળામાં જેના દેહનાં હાડકાં ગણી શકાય એવું બાળક મરવા માટે અંતિમ શ્વાસનાં તરફડિયાં મારતું હોય છે, તો ક્યાંક નિશાળે ગયેલું બાળક જીવતું ઘેર પાછું ફરતું નથી, એનો મૃતદેહ જ પાછો આવે છે ! એ વિચારતો હતો કે હાથ અસ્વચ્છ હોવાને કારણે વ્યક્તિ બીમાર પડે અને પછી એને હૉસ્પિટલમાં દાખલ થવું પડે તે ઘણું ખર્ચાળ બની જાય છે. આ સઘળી સમસ્યાનો પાયો સ્વચ્છતાનો અભાવ છે અને એને પરિણામે મૃત્યુનો વધતો આંક છે. ભીતરનો અવાજ • 55

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82