Book Title: Matrie Ghadya Manvi
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 59
________________ દાડિયો ખેતમજૂર ટહેલવા નીકળ્યો હતો. આમેય રોજ પાટા પર ટહેલવું એ એની આદત હતી, કારણ કે એની પત્નીએ એને ઘરમાં સિગારેટ પીવાની મનાઈ ફરમાવી હતી. સિગારેટ પીવાની લત જાગે એટલે એ લટાર મારવા નીકળી પડે. વિદ્યાર્થીઓથી ભરેલી સ્પેશિયલ ટ્રેન પસાર થઈ, ત્યારે એ આ પાટાની બાજુએ ટહેલતો જ હતો. ટ્રેનના ડબ્બામાંથી કૂદકાભેર ગીતો ગાતા-નાચતા વિદ્યાર્થીઓનો અવાજ એણે સાંભળ્યો. હજી એ ગીતોનો અવાજ એના કાનમાં પૂરો ગુંજે, ત્યાં તો થોડી જ મિનિટમાં એણે ‘બચાવો બચાવો'નો અવાજ સાંભળ્યો અને એ તરફ દોડી ગયો. એણે લોહી નીંગળતી હાલતમાં રેલવેના બે ટ્રેક વચ્ચે બંને હાથ અને બંને પગ વિનાની ઝઝૂમતી ડેનિયેલાને જોઈ. એના શરીરમાંથી કંપારી પસાર થઈ ગઈ. એને જોતાં જ રિકાર્ડો મોરાલિસે કહ્યું, ‘હું મદદ મંગાવું છું. તું સહેજે આઘીપાછી થતી નહીં.’ આ અવાજે ડેનિયેલાના મનમાં આશાનું ઝાંખું કિરણ જગાવ્યું. રિકાર્ડો મોરાલિસ અંધારી રાત્રે પેટ્રોલ પંપ તરફ ફોન કરવા માટે દોડ્યો. એને આવી રીતે મદદ માગવા માટે દોડતો જોઈને ભયાનક શારીરિક હાલત ધરાવતી ડેનિયેલાએ પોતાની જાતને કહ્યું, ‘મારે આશા ગુમાવવી જોઈએ નહીં.' રિકાર્ડો મોરાલિસે ફોન કરતાં ચાર માણસોથી સુસજ્જ એવી ઍમ્બુલન્સ કાર રવાના થઈ, જોકે ઍમ્બુલન્સ કારમાં રહેલા પેરામેડિક વિક્ટર સોલિસને આ વિગત સાંભળતાં લાગ્યું કે આવી કપાયેલાં અંગોવાળી વ્યક્તિ બચે તેવો કોઈ સંભવ નથી ! ચાર મિનિટમાં તો ઍમ્બુલન્સ એ જગાની નજીક આવી પહોંચી અને એમણે રિકાર્ડો મોરાલિસને હાઈવેના પેટ્રોલ પંપ અને રેલવેના પાટા વચ્ચે ઊભા રહીને હાથ હલાવતો જોયો. સારવારનાં જરૂરી સાધનો લઈને સોલિસ તરત જ એ પાટા તરફ દોડવા લાગ્યો અને એનો સાથી પેટ્રિસીઓ હેનેરા ઍમ્બુલન્સમાંથી થોડી વધુ સામગ્રી લઈને એની પાછળ ઝડપભેર દોડ્યો. રિકાર્ડો મોરાલિસ એમ્બુલન્સ માટે ફોન કરવા ગયો, ત્યારે ડેનિયેલા 106 + માટીએ ઘડવાં માનવી સામે એક નવી આફત ખડી થઈ. એની આજુબાજુ જંગલી કૂતરાઓ એને ફાડી ખાવા માટે ધસી રહ્યા. સોલિસે જોરથી બૂમો પાડીને કૂતરાઓને દૂર હટાવવા પ્રયત્ન કર્યો. ડેનિયેલા વેદનાભરી ચીસો પાડતી હતી. એના શરીરમાંથી પુષ્કળ લોહી વહી ગયું હતું, તેમ છતાં એ પ્રમાણમાં સ્વસ્થ અને જાગ્રત લાગતી હતી. એની મદદે આવેલા માણસોને જોતાં જ એ તરત જ પોતાનું નામ, માતાપિતાનું નામ, ફોન નંબર અને એના બીજા તબીબ કાકાઓનાં નામ બોલવા લાગી. ઍમ્બ્યુલન્સના સહાયકોને પણ થયું કે આટલી ગંભીર ઈજા થયા પછી અને શરીરમાંથી આટલું બધું લોહી વહી ગયા બાદ ભાગ્યે જ કોઈ આટલી સ્વસ્થતા રાખી શકે અને આટલી સ્પષ્ટતાથી બોલી શકે. ઍમ્બ્યુલન્સના સહાયકો આ દશ્ય જોઈને ચોંકી ગયા હતા. સ્પિનલ બોર્ડ અને બીજાં સાધનો લઈને એ દોડી આવ્યા. ઍમ્બ્યુલન્સના હેરેરાએ એના સાથીને પ્રશ્ન કર્યો, ‘આ મરી ગઈ લાગે છે ?’ ડેનિયેલાએ આ પ્રશ્ન સાંભળીને આશ્ચર્ય વ્યક્ત કર્યું ને ક્ષણભર વિચાર્યું કે શું હું મૃત્યુ પામી છું ? ‘ના, હું મૃત્યુ પામી નથી'. એવા ડેનિયેલાના અવાજનો રણકો ગાજી ઊઠ્યો. ઍમ્બુલન્સના સહુ સાથી સહાયકોને એ સ્પર્શી ગયો. ડેનિયેલાને તાત્કાલિક સહાય આપવામાં આવી, પરંતુ એવામાં એકાએક નજીકના પાટાઓ ધ્રૂજવા લાગ્યા. ધીરે ધીરે એન્જિનની હેડલાઇટનો પ્રકાશ પથરાયો અને બાજુમાં જ બીજા પાટા હોવાથી આ બધા લોકોને માટે ડેનિયેલાની પાસે ઊભા રહેવું ખતરનાક હતું. એમને બાજુએ ખસી જવું પડે તેમ હતું. સોલિસે ડેનિયેલાને કહ્યું, ‘પુરઝડપે ટ્રેન આવી રહી છે. અમારે બધાએ ખસી જવું પડશે. ટ્રેન પસાર થયા પછી અમે તરત જ પાછા આવીશું.' ‘મને છોડીને જશો નહીં.’ ડેનિયેલા ચીસ પાડી ઊઠી, પરંતુ ધસમસતી ટ્રેન નજીક આવતી હતી. તરત જ ઍમ્બુલન્સ ટીમ ડેનિયેલાની બાજુએથી ખસી ગઈ. કોઈ પવનનો ભયાનક સપાટો ભીષણ અવાજ સાથે પસાર થતો હોય એવું ટ્રેન પસાર થતી હતી, ત્યારે ડેનિયેલાએ અનુભવ્યું. બાજુમાં ઊભેલો સોલિસ આ અંધારી રાત્રે ડેનિયેલાને જોઈ શકતો નહોતો. એને પસાર થતી પડખામાં મોત અને જીવન માટેનો જંગ • 107

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82