Book Title: Matrie Ghadya Manvi
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 57
________________ એક તરફ એમ થતું હતું કે મિત્રોનો અતિ આગ્રહ છે કે ડેનિયેલાએ તેનિકો શહેરની આ સ્પર્ધા માટે આવવું જોઈએ. આનું કારણ એ કે ડેનિયેલાની ટીમને એની ફૂટબૉલના ખેલની કાબેલિયતની જરૂર હતી. મિત્રોને માટે અને સ્કૂલને ખાતર એણે જવું જોઈએ. વળી ડેનિયેલા એ પણ જાણતી હતી કે રમતગમતથી એ પોતાના અભ્યાસના દબાણને હળવું કરી શકશે અને મેદાનમાં ખેલવાને કારણે એનું મન ભણતરના ભાર વિના મોકળાશ અનુભવશે. મનની સઘળી દ્વિધાઓ છોડીને અંતે એણે મિત્રોના આગ્રહને વશ થઈને મુસાફરી ખેડવાનું નક્કી કર્યું. બુધવારની એ રાત્રીએ જ્યારે સાત્તિઓગોના સેન્ટ્રલ ટ્રેન સ્ટેશન પર આવી, ત્યારે મનમાં વળી મુસાફરી મોકૂફ રાખીને પાછા ફરવાનો વિચાર જાગ્યો. હજારો વિદ્યાર્થીઓની ભીડને કારણે તેનિકોને માટે ચિલીની રાષ્ટ્રીય રેલવેએ સ્પેશ્યલ ટ્રેનો દોડાવવાનું નક્કી કર્યું હતું, પરંતુ આ સ્પેશ્યલ ટ્રેન જૂના ભંગાર ડબ્બાઓને જોડીને બનાવી હતી. આ ડબ્બાની બારીઓ ગંદી અને મેલવાળી હતી. ટ્રેનના ડબ્બાની બહારનો અને અંદરનો રંગ ઊખડેલો હતો. એના જૂના પુરાણા કોચમાં ક્યાંક લાઇટના વાયરો લબડી પડ્યા હતા, તો ક્યાંક ગ્લોબ હોવા છતાં લાઇટ થતી નહોતી, ક્યાંક સાવ અંધારું હતું. આ જોઈને ડેનિયલાને ભારે અકળામણ થઈ. અંતે મનમાં વિચાર્યું કે જે છે તે આ છે. વળી એની પાસે બીજો કોઈ વિકલ્પ નથી. ટ્રેનની મુસાફરી સલામત તો ખરી. ટ્રેન ચાલુ થઈ. કેટલાક વિદ્યાર્થીઓએ ગિટાર કાઢી અને ટ્રેનના ડબ્બામાં ગાવા-બજાવવા લાગ્યા. ડેનિયલાને એના મિત્રોએ ડાન્સમાં જોડાઈ જવાનું કહ્યું. સામાન્ય સંજોગોમાં ડેનિયેલા જરૂર તૈયાર થઈ ગઈ હોત. એને ડાન્સ કરવો ખુબ પસંદ હતો, પરંતુ કોણ જાણે કેમ, આજે એના મન પર ઉદાસીનતા છવાયેલી હતી. એ ઉદાસીનતાને કારણે એનામાં કોઈ ઉત્સાહ જોવા મળતો નહોતો. આથી દોસ્તોની માફી માગીને ડબ્બાની બારી પાસે બેઠી. અંધારી રાતમાં બહાર નજરે પડતાં પ્રકાશમય ગામડાંઓ જોતી રહી. રાત વધુ ઘેરી બનતી ગઈ. આ પ્રવાસને એક કલાક વીત્યો હશે. ડબ્બામાં દોસ્તોની ધીંગામસ્તી ચાલતી હતી. સહુ આનંદી અને તોફાની મૂડમાં હતા. રાતના દસ વાગ્યાનો 102 • માટીએ ઘડ્યાં માનવી સમય થયો. ડેનિયલાના મિત્રોએ વિચાર્યું કે ચાલોને, બાજુના ડબ્બામાં જઈએ. એ ડબ્બામાં પણ આપણા મેડિકલ સ્કૂલના સાથી-દોસ્તો હોય તો, એ બધાને મળીએ અને આનંદ-મોજ કરીએ. બે ડબ્બાને જોડતો રસ્તો (વાંક-વે) પાર કરીને સામે જવાનું હતું. ટ્રેઇન ૨કાગોવા નામના ચિલીના ઔદ્યોગિક શહેર પાસેથી પસાર થઈ રહી હતી. ડેનિયેલાની આગળ એના સહાધ્યાયી હતા. બે ડબ્બાને જોડતા રસ્તા વચ્ચેની લાઇટ સાવ ઝાંખી હતી અને ભાગ્યે જ કશું દેખાતું હતું. વળી બે ડબ્બાને જોડતાં કપલિંગ્સના અંકોડા બરાબર ફિટ નહોતા. આથી બાજુના કોચમાં જવા માટેના આ વૉક-વેના આરંભે મોટો ‘ગેપ' હતો. આગળ રહેલો ખાસ્સી ઊંચાઈ ધરાવતો એનો મિત્ર ડિગો લાંબા પગ ધરાવતો હતો અને તેથી એ સહેજ કૂદીને સામે પહોંચી ગયો. અંધારામાં કોમળ ડેનિયેલા એની પાછળ આવતી હતી. એ સમયે ટ્રેન એક વળાંક પરથી પસાર થતી હતી. એને કારણે ડબ્બાની શરૂઆતનો ‘ગંપ” જરા વધુ મોટો થઈ ગયો. ઊંચા ડિગોની માફક કોમળ ડેનિયેલા ક્યાંથી લાંબો કૂદકો લગાવી શકે ? અંધારામાં એણે કૂદકો લગાવવા પ્રયાસ કર્યો. બે બોગી વચ્ચે યોગ્ય જોડાણ નહીં થવાથી ડેનિયેલાએ જેવો વોકવે પર પગ મુક્યો કે તરત જ એ નીચે સરકી ગઈ. એક ક્ષણ પહેલાં ડેનિયેલા હતી, તો બીજી ક્ષણે જાણે અદૃશ્ય થઈ ગઈ. ડબ્બાના છેડે ઊભો રહીને ધૂમ્રપાન કરતો એક મુસાફર બોલી ઊઠ્યો, ઓહ, પેલી છોકરી પડી ગઈ.' અંધારી રાત, ધસમસતી ટ્રેન, વળાંક લેતો ટૂંક ! પડી ગયેલી ડેનિયેલાને એમ લાગ્યું કે એ ક્યાંક આમતેમ ફંગોળાઈ રહી છે ! જાણે ચિત્રવિચિત્ર ડરામણાં સ્વપ્નાંઓ વચ્ચેથી સફાળી જાગે, એ રીતે એણે ઘનઘોર અંધારી રાત્રે બે પાટા વચ્ચે પોતાને પડેલી જોઈ. આશ્ચર્યની વાત એ હતી કે એને કોઈ પીડા થતી નહોતી. પરંતુ એના વાળ અને એના ચહેરા પર કોઈએ ચીકણું પ્રવાહી ચોપડ્યું હોય તેવું લાગ્યું. એની ડાબી આંખ પાસેથી લોહી વહેતું હતું. એની આંખોની આગળ વાળના ગૂંચળા વીંટળાઈને પડ્યાં હતાં. એને દૂર કરવા માટે ડેનિયેલાએ પ્રયાસ કર્યો, પડખામાં મોત અને જીવન માટેનો જંગ + 103

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82