________________
કેવળી પ્રભુનો સાથ
આ શુભ નિર્ણયમાં ટકી રહેવા માટે મને સાથ આપો તથા આપનાં જ શરણમાં રહી આત્મશાંતિ મેળવવા માટે આરાધના કરી શકું એવી સુવિધા આપો.”
“હે દીનાનાથ! જે જે જીવોને મેં અત્યંત પીડા પહોંચાડી છે તે સહુને મારી વિનંતિથી એટલાં શાંતિ તથા સુખ આપો કે તે જીવો તેના ફળરૂપે મારા પાપદોષોની ક્ષમા આપવા ઉત્સાહીત બને અને મારી સાથેની વેરબદલાની વૃત્તિથી નિવૃત્ત થઈ જાય. હે વિભુ! મારાં અશુભ કૃત્યોને શુભમાં પરિણમાવવા માટે મને યોગ આપો. મારા પર એવી કરુણા વરસાવો કે મારા હૃદયમાં દયાનો ઝરો વહેવા માંડે, તે સતત વહેતો રહે, જેથી ભાવિમાં અન્ય કોઈ પણ જીવને સકારણ કે અકારણ ત્રાસ આપવારૂપ દુષ્કૃત્ય મારાથી થાય નહિ. હું સહુને શાંતિ તથા શાતાનું નિમિત્ત બની શકું. જેથી આપનું બાળક થવું મને શોભારૂપ થાય. દુ:ખી જનના બેલી! આપની કરુણાની અમૃતપ્રસાદી પામવા માટે અંતરની આસ્થા સાથે આપને ખૂબ ખૂબ ભાવથી ભક્તિસહિત વંદન કરું છું. સન્માર્ગમાં મને ઉત્સાહિત રાખશો એ જ વિનંતિ.” ૐ શાંતિ.
અશુભ કર્મના બળવાન ઉદયો ચાલતા હોય ત્યારે આ પ્રકારે સહૃદયતાથી શ્રી પ્રભુને પ્રાર્થના કરવામાં આવે તો જીવને ઘણા ફાયદા થાય છે. અશુભ કર્મના ઉદય વખતે થતા આર્ત તથા રૌદ્ર પરિણામોથી પ્રાર્થનાને કારણે જીવ બચી જાય છે. પ્રાર્થનામાં વેગ પકડાતાં, પશ્ચાત્તાપને કારણે ઉદયગત કર્મોની સાથે સત્તાગત રહેલાં અનેક કર્મો પણ ઓગળીને ખરી જાય છે, તેથી દુ:ખનો ગાળો સંકોચાઈને નાનો થઈ જાય છે. સાથે સાથે જે જીવોને પીડા પહોંચાડી હોય તેમના માટે શુભ કલ્યાણના ભાવો થતા હોવાથી, તેમની સાથે શુભ બંધ બંધાય છે. અને તે બંધ ઉદયમાં આવે ત્યારે સુખ તથા શાતાનું વેદન પશ્ચાત્તાપી જીવને અનુભવવા મળે છે. વળી, સ્થપાયેલા શુભ સંબંધને કારણે વિસ્તૃત થતું વેર નિર્મૂળ થાય છે. પ્રાર્થક આત્મા કર્મ નિવૃત્તિ થતાં આત્મશુદ્ધિના માર્ગે આગળ વધે છે, અને તેના શુભ ઋણાનુબંધીઓ તેનાથી
૪૨