________________
આત્માનો અપૂર્વ સ્વભાવ
પૂર્વનાં અશુભ કર્મના ઉદયથી જ્યારે રોગ, જરાવસ્થા, કે અન્ય કષ્ટનો પ્રબળ ઉદય થાય છે ત્યારે કોઈ પણ સંસારી પદાર્થ તેનાથી મુક્ત થવા માટે તેને સહાય કરી શકતા નથી. કષ્ટના ઉદય સાથે સાથે જો અન્ય પ્રકારે પુણ્યનો ઉદય ન હોય તો જીવ કષ્ટથી છૂટવા માટે કોઇની પણ મદદ મેળવી શકતો નથી, તે સર્વ દુ:ખ તેણે પરવશતાથી ભોગવવાં જ પડે છે, એવા કાળે પુણ્યના અભાવમાં, જે જે પદાર્થોને તેણે પોતાનાં માની ખૂબ રાગ કર્યો છે તેવાં માતા, પિતા, પત્ની, પતિ, સંતાન, સ્વજન, પરિગ્રહ, ધન, સત્તા, કીર્તિ આદિ કોઈ પણ લેશ માત્ર સહાય કરી શકતાં નથી. ઉદિત થયેલું દુઃખ તેણે વિવશપણે ભોગવવું જ પડે છે. આવા અશરણપણાથી બચવા સત્કર્મ એ એક જ ઉત્તમ શરણરૂપ છે એવો બોધ આ ભાવના દ્વારા જીવને મળે છે. અને પોતે અત્યાર સુધી કરેલી ભૂલની સુધારણા કરવા જીવ તૈયાર થાય છે, તે તેનાં સુષુપ્ત ચેતનનું જાગવાપણું છે.
સર્વજ્ઞનો ધર્મ સુશર્ણ જાણી, આરાધ આરાધ પ્રભાવ આણી, અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કોઈ ન બાહ્ય સ્વાશે.
(ભાવના બોધ, શ્રીમદ્ રાજચંદ્ર). જગતમાં અનુભવવાં પડતાં દુ:ખના અનેક પ્રસંગોમાં કોઈ તરફથી પુણ્ય વિના સહાય મળતી નથી, એ અનુભવ જીવને પોતાનું અનાથપણું પ્રત્યક્ષ કરાવે છે. ધર્મનું શરણ લઈ પુણ્ય ઉપાર્જન કરવાથી, એ પુણ્યના પ્રભાવથી જીવને અનેક પ્રકારની સહાયતા કષ્ટમાં રક્ષણકર્તા બને છે. માટે સર્વજ્ઞ પ્રભુના ધર્મને સાચા શરણરૂપ ગણીને આરાધવાથી જીવનું અનાથપણું ટળી જાય છે, સનાથપણું પ્રગટ થાય છે. આવતી આ સનાથતાને કારણે જીવ દુઃખના અનુભવમાંથી નીકળી સુખનાં વેદનમાં સ્થાપિત થાય છે. આમ જગતમાં અનુભવવી પડતી અશરણતા શ્રી સત્પષના બોધથી જીવને યથાર્થપણે સમજાય છે, અને જીવ અત્યાર સુધી જગતના પદાર્થો પાસેથી સુખની યાચના કરતો હતો તે છોડી પ્રભુનાં તથા સત્પરુષનાં શરણની અગત્ય સમજવા જેટલો વિકાસ કરી, તેમની પાસે સુખની યાચના કરતો થાય છે.
૨૧૫