________________
કેવળી પ્રભુનો સાથ
પરિમિત થતું જાય છે અને આ જાણકારી કે પરિચય તેને આત્માના અપૂર્વ સ્વભાવની પ્રતીતિ આપે છે.
જીવ અસંજ્ઞીપણામાં પરતંત્ર હોવાથી મુક્ત થવાનો પુરુષાર્થ કે ઉપાય યોજી શકતો નથી, તે જીવ પરવશપણે જે સંજ્ઞી જીવના સંપર્કમાં રહે તેના શુભ કે અશુભભાવ અનુસાર વિભાવ પામી પ્રગતિ કે અધોગતિ કર્યા કરે છે. આમ અસંજ્ઞીપણામાં થતું જીવનું પરિભ્રમણ આત્માર્થે નિરર્થક કે અનુપયોગી બને છે. પરંતુ સંજ્ઞીપંચેન્દ્રિયપણું આવતાં તેની મતિનો વિકાસ થવાથી તેની વિચારશક્તિ ખીલે છે. અને મળેલી મતિનો સદુપયોગ કે દુરુપયોગ કરવા માટે તે જીવ સ્વતંત્ર થાય છે. જો યોગ્ય વિવેક સાથે સપુરુષના આશ્રયે જઈ મતિનો સદુપયોગ કરે તો તે સ્વતંત્રતા કહેવાય છે, અને મતિનો દુરુપયોગ કરી તે જીવ સપુરુષની કૃપાનો ઉત્થાપક બને તો તે સ્વચ્છંદ કહેવાય છે. જીવ જો સન્મતિ રાખી સપુરુષની કૃપાનો ઇચ્છુક બને છે તો તેનામાં ઘણું મોટું પરિવર્તન આવે છે, અને તેને બહુબધો લાભ થાય છે. તે જીવ કૃતજ્ઞ બની સપુરુષની કરુણાનો લાભ લેવા ઇચ્છે છે તો તેના ઘટવા માંડેલા દોષો વિશેષતાએ નિવૃત્ત થતા જાય છે, પરિણામે તેને તેના આત્માનાં સાચા સ્વરૂપનો અને સાચા સ્વભાવનો પરિચય થવાની શરૂઆતનો અમૂલ્ય લાભ મળે છે. પરંતુ તે જીવ જો કૃતઘ્ની બની સપુરુષની નિંદા આદિ પ્રવૃત્તિમાં પડી તેમના ઉપકારનો ઓળવનાર બને છે તો મળેલું સંજ્ઞીપણું થોડા કાળમાં ગુમાવી, ફરીથી એકેંદ્રિયપણા સુધીની અધોગતિ કરે છે.
આ પરથી એકાંત હિતકારી સપુરુષનાં વચનામૃત આદિ કેવી રીતે દર્શન માત્રથી પણ નિર્દોષ છે તે સમજાય છે. સંસારમાં ભમતા આત્માનું રૂપ અને શુદ્ધાત્માના સ્વરૂપમાં ઘણો ભેદ જોવા મળે છે. આ શુધ્ધાત્માના સ્વભાવનો લક્ષ કરાવનાર, તેની સાચી ઓળખ આપનાર એક સપુરુષ જ છે, માટે જ્ઞાની પુરુષોએ સપુરુષ “અપૂર્વ સ્વભાવના પ્રેરક છે – આત્માના અપૂર્વ સ્વભાવની પ્રેરણા કરનાર છે એમ કહ્યું છે.
૨૩૨