________________
કેવળી પ્રભુનો સાથ
રહેલો ઉગ શમી જાય છે. આમ પ્રભુના શરણમાં આવતાં જીવ શોકરહિત – અશોક બની પ્રસન્નતા વેદે છે એવી ભાવના અશોકવૃક્ષ જીવોને પ્રદાન કરે છે.
અશોકવૃક્ષની રચના કરવા સાથે દેવો, પ્રભુ જે જગ્યાએ વિહાર કરીને જવાના હોય તે જગ્યાએ તથા જે જગ્યાએ પ્રભુ દેશના આપવાના હોય તે જગ્યાની ખાડાટેકરાવાળી અસપાટ જમીનને સપાટ – સમથલ કરે છે, અને તે જગ્યા પર રંગબેરંગી અચેત પુષ્પોની વૃષ્ટિ કરી તે સ્થળને સુશોભિત કરે છે. આવી સુર પુષ્પવૃષ્ટિ એ પ્રભુનાં આગમનને સૂચવનાર બીજો પ્રતિહાર – છડીદાર છે. સુર પુષ્પવૃષ્ટિ થતાં લોકોને પ્રભુના આવવાની તથા દેશના પ્રકાશવાની જાણકારી અગાઉથી આવી જાય છે, અને ભવ્ય જીવો પ્રભુની કૃપાનો લહાવો લેવાની સુંદર તક મેળવી લે છે. વળી અચેત ફૂલો વ્યવસ્થિત રીતે પાથરીને દેવો તે જગ્યાને પવિત્ર બનાવે છે, તેના પર ચાલનાર અચેત પદાર્થ પર ચાલતા હોવાથી નવી હિંસા કરતાં બચી જાય છે. સાથે સાથે રંગબેરંગી અચેત ફૂલો સુર દ્વારા – દેવો મારફત વરસતાં જોઈ લોકોને તેનું આકર્ષણ થાય છે અને તેમના પુણ્યોદયથી આ આકર્ષણને વશ થઈ ખેંચાઈને સમવસરણમાં પહોંચે છે. આ પ્રકારે આ અતિશય દ્વારા દેવો પ્રભુ પ્રતિનો અહોભાવ વ્યકત કરવાની સાથે સાથે લોકો પર નિર્ચાજ ઉપકાર પણ કરે છે.
દેશના આપવાના સ્થળને સમથલ કરી, અચેત પુષ્પોની વૃષ્ટિ કરી સમવસરણની જગ્યાને દેવો શોભાયમાન કરે છે. સાથે સાથે અશોકવૃક્ષ વિકર્વી પ્રભુની કક્ષાને અનુરૂપ અદ્વિતીય સિંહાસનની રચના કરે છે. વૃક્ષના નીચેના ભાગમાં ફરતી વ્યાસપીઠની રચના હોય છે, અને તેના પર પ્રભુને બેસવા માટે સિંહાસન રચાય છે. આ સિંહાસન સુવર્ણનું બનેલું હોય છે, અને તેમાં અનેક મૂલ્યવાન રત્નો જડેલાં હોય છે, જે સિંહાસનને ખૂબ તેજસ્વી તથા શોભાયમાન બનાવે છે. સિંહાસન પર આરૂઢ થતી વખતે પ્રભુ પૂર્વાભિમુખ બેસે છે. તેમ છતાં બાકીની ત્રણે દિશાઓમાં બેઠેલા જીવોને પ્રભુ પોતાની સન્મુખ જ છે એવી લાગણી આપવા તે તે દિશઓમાં શ્રી પ્રભુના મુખને વિદુર્વે છે. આમ થવાથી સહુ જીવોને પ્રભુ પોતાની સન્મુખ છે એવું વિદુર્વેલા પ્રભુના બિંબના સહારાથી જણાય છે.
૩૨૮