________________
કેવળી પ્રભુનો સાથ
જેવા છે. તેઓ કડકાઈ અને કઠિનાઈ સહન કરી શકે તેવા નથી, માટે તું તારા દેહસંબંધને ભૂલી જા, તું દેહનો સ્વામી છે એ ભાવને ગૌણ કરી જીવોને છોડાવવા માટે આત્માને વિશે તે જાગૃત થા, જાગૃત થા. તું સમય માત્રનો પણ પ્રમાદ કરીશ નહિ. તું આ પંચમકાળમાં લઘુતાધારી કલ્યાણમૂર્તિ થા. તારા ભાગ્યમાં જેટલા જીવોનું કલ્યાણ કરવાનું સૂજિત હોય તેટલાનું કલ્યાણ કરવા જલદીથી તૈયારી કર. ઋણથી મુક્ત થવા કટિબધ્ધ બન.” “તે માટે હે આત્મનુ! તારી સંસારમાં ગમે તે સ્થિતિ હો, છતાં સર્વ પુગલોને ત્વરાથી છોડી દેવાની તૈયારી કર, અન્ય જીવોનો અલ્પ પણ ઉપકાર ગ્રહણ કરવો નથી એવો પ્રબળ નિશ્ચય કર, અને આજના પવિત્ર દિવસથી આત્મવિકાસ કરવા ત્વરા કર, ત્વરા કર. ઉદયગત મોહનીય કર્મને રણની રેતી જેવું ગણી, તે મોહરૂપી ગરમ રેતીનો અલ્પકાળમાં ત્યાગ કરી, આ ભવસમુદ્રને તરી, અન્યને તારી જલદીથી ઋણમુક્તિ પામ, અને સહુનાં કલ્યાણમાં સહભાગી બન.” “અહો સમ્યદૃષ્ટિ! વિષમ, દુર્ગમ, બળતા, અંધકારથી આંધળા એવા કાળ સામે પડી, તું પ્રકાશથી ઝળહળતા જ્ઞાન પાછળ દોટ મૂક. અને શૂન્ય મનથી ઉદાસીનવૃત્તિ સેવી આ સંસારના વિષમ ઉદયકાળને સમ ગણી, ત્વરાથી સમભાવ સેવી, આ જીવનમાં જ આત્મકલ્યાણ કરવા અને કરાવવા ત્વરા કર, ત્વરા કર.” અહો શાંતસ્વરૂપી જીવ! સમર્થ ધણીનું શરણું માથું રાખી, સંસારની ભરપૂર પ્રવૃત્તિઓથી અલિપ્ત રહેવાનો પુરુષાર્થ કરવાની સાથે અન્યને પરમ શાંતિ લાગે તેવી વર્તન કરવામાં તારું કલ્યાણ છે. માટે તું જ્ઞાતાદ્રષ્ટા થઈને વર્ત, જ્ઞાતાદૃષ્ટા થા. જે કર્મો ઉદયમાં આવવાના છે તે તો આવવાનાં જ છે, તે માટે તું વિચારણા ન કર, તે સમયને બચાવી લઈ તેનો અપૂર્વ એવો લાભ લઈ પરમ સમાધિદશાને પામ, એ જ તારું કર્તવ્ય છે.
૩૦૨