________________
ક્ષમાપના
લાંબા ગાળા પછી ઉદયમાં આવવાનું હોય તેવું કર્મ, જીવ પશ્ચાત્તાપ કરીને વર્તમાનમાં ખેરવી શકે છે, એ પ્રકારના વારંવારના પ્રયોગ દ્વારા જીવ પોતાનું સંસાર પરિભ્રમણ ટૂંકાવી શકે છે.
પશ્ચાત્તાપપૂર્વક હૃદયથી ક્ષમાપના કરવાથી કર્મનાં સ્વરૂપને રૂપાંતરિત કરી શકાય છે. લાંબા સમય સુધી ભોગવવું પડે તેવું કર્મ પશ્ચાત્તાપ અને ક્ષમાપના દ્વારા ટૂંકા ગાળામાં ખપાવી શકાય છે. અતિ તીવ્રતાએ ભોગવવું પડે તેવું કર્મ, મંદસ્વરૂપે ભોગવાય તેટલું હળવું કરી શકાય છે. શારીરિક, સામાજિક, આર્થિક, રાજકીય અશાતારૂપે ભોગવવું પડે તેવું કર્મ પશ્ચાત્તાપ રૂપી માનસિક વેદન દ્વારા નિવૃત્ત કરી શકાય છે, અથવા બાહ્યરૂપને લઘુ કરી શકાય છે. એટલે કે મહતુ કર્મને અંદરમાં મુખ્યતાએ વેદી બાહ્યમાં નાના સ્વરૂપનું કરી શકાય છે.
જે કર્મ ભાવિકાળમાં ભોગવવાનું છે તેને ક્ષમાપના દ્વારા વર્તમાનમાં ખેંચીને ભોગવી લેવાથી, તેના પર ચડતા ચક્રવૃદ્ધિ વ્યાજની ચૂકવણીથી બચી જવાય છે. એ રીતે ભાવિમાં થનાર મોટા રૂપને અટકાવી દઈ શકાય છે.
ક્ષમાપના કરવાથી વર્તમાનમાં ઉદિત કર્મો સાથે સત્તાગત કર્મો પણ ખરતાં જતાં હોવાથી આત્મા વધારે ઝડપથી હળવો બને છે. પરિણામે ટૂંકા ગાળામાં વધારે કર્મો નિર્જરી જાય છે.
ક્ષમાપના કરતી વખતે પશ્ચાત્તાપની વેદી પર જીવ તપે છે, એ વખતે જીવને એ કાળ માટે પર પરિણતિનો ત્યાગ રહેતો હોવાથી નવાં કર્મબંધન અતિ અલ્પ પ્રમાણમાં થાય છે. પૂર્વકમ ભોગવતી વખતે જો પશ્ચાત્તાપ જીવને વર્તતો ન હોય તો, તેને અનેક પ્રકારની કર્મબંધક વિચારણા ચાલતી હોય છે અને તેથી જૂનાં કર્મો ખરવાની સાથે કેટલાંય નવાં કર્મો બંધાતા હોય છે. આ નુકસાન ક્ષમાપનાના માર્ગે ચાલી નિવારી શકાય છે.
જીવ જ્યારે ક્ષમાપના કરે છે ત્યારે સહજપણે પોતાની ભૂલનો સ્વીકાર કરે છે; આ સ્વદોષદર્શન કરવાની વૃત્તિ આવતાં તેનો માનકષાય સ્વયં દબાવા લાગે છે, અને પરમાર્થ પ્રવૃત્તિ કરવાની યોગ્યતા તેનામાં વધતી જાય છે.