________________
મંત્રસ્મરણ
ગુણો સુપ્રસિદ્ધ ગણાયા છે. ચાર ઘાતકર્મોનો ક્ષય, ચાર અઘાતી કર્મોનો શુભ પ્રકારે ભોગવટો, તેમાં ૩૪ પ્રકારનાં અતિશય, ૩૫ પ્રકારનાં સત્યવચન વાણી તથા બાર ગુણોનો સમાવેશ થાય છે. શ્રી તીર્થકર ભગવાનના બાર ગુણો આ પ્રમાણે ગણાય છે: આઠ પ્રતિહાર્ય અને ચાર અતિશય. સુર પુષ્પવૃષ્ટિ (૧), દેવ દુંદુભિ (૨), અશોકવૃક્ષ (૩), સિંહાસન (૪), ભામંડળ (પ), ત્રણ છત્ર (૬), ચામર (૭) તથા દિવ્યધ્વનિ (૮). એ આઠ પ્રતિહાર્ય ગણાય છે અને અપાયાપગમાતિશય (૧), જ્ઞાનાતિશય (૨), પૂજાતિશય (૩) તથા વચનાતિશય (૪) એ ચાર અતિશય છે. અપાયાપગમાતિશય એટલે રોગ ઉપદ્રવ તથા અઢાર દૂષણોનો નાશ. જ્ઞાનાતિશય તેમનું સર્વજ્ઞપણું સૂચવે છે. પૂજાતિશયને કારણે સહુ તેમને પૂજે છે. તથા વચનાતિશયને લીધે સહુ જીવો પોતપોતાની ભાષામાં પ્રભુનો ઉપદેશ માણે છે.
શ્રી તીર્થંકર પ્રભુના અનંત ગુણોમાંથી આ બાર ગુણોને શા માટે પ્રાધાન્ય આપ્યું છે તેનો વિચાર કરતાં સમજાય છે કે તેમની નિષ્કારણ કરુણાબુદ્ધિનો આવિષ્કાર થતાં, દેવો તથા સમર્થ આત્માઓ પર તેમનો જે પ્રભાવ પડ્યો છે તેનું વિસ્ફોટન કરનારા જે તત્ત્વો છે તેનો સમાવેશ શ્રી અરિહંત પ્રભુના બાર ગુણોમાં કરવામાં આવ્યો દેખાય છે. સર્વજ્ઞપણું પ્રગટાવ્યા પછી જીવ સમસ્તના કલ્યાણ અર્થે જે ઉત્તમબોધ પૂર્ણ વીતરાગભાવથી શ્રી અરિહંત પ્રભુ પ્રકાશિત કરે છે, તે દેશના સમયનું અદ્ભુત ચિત્ર હૃદયમાં કોતરાઈ જાય તેવું છે. પોતે મેળવેલા ઉત્તમ તત્ત્વને સાધ્ય કરવાનો મહામાર્ગ પ્રકાશિત કરવાના શુભ ભાવ શ્રી પ્રભુએ કર્યા જ ન હોત તો? કેટકેટલા જીવોનું કલ્યાણ અટકી પડત? પૂર્ણ વીતરાગ અવસ્થામાં, પૂર્વ ભાવોની પૂર્ણતા અર્થે શ્રી પ્રભુ જે ઉત્તમ બોધદાનનું કાર્ય કરે છે તે જગત જીવોને માટે કેટલું ઉપકારક છે? પ્રભુના એ ઉપકારનો વિચાર કરતાં સહુ પાત્ર જીવોનાં મસ્તક તેમનાં ચરણારવિંદમાં નમી પડે છે. શ્રી પ્રભુના આ અદ્વિતિય ઉપકારને લક્ષમાં લઇ વૈમાનિક દેવો તેમનું બહુમાન કરે છે. જે તત્ત્વ દ્વારા એ દેવો બહુમાન કરે છે તે તત્ત્વો પ્રભુનાં આઠ પ્રતિહાર્ય - ચોકીદાર તરીકે ઓળખાય છે.
૧૭૧