________________
મંત્રસ્મરણ
વેદાતી હળવાશની પળોમાં જીવને સમજાય છે, સમજાતું જાય છે કે ક્યા દોષથી કેવી મુશ્કેલી વેઠવી પડે છે, કઈ ભૂલો કરવા યોગ્ય નથી, કેવી રીતે રહેવું યોગ્ય છે, ક્યા ગુણો ખીલવવા યોગ્ય છે, ક્યા દોષથી નિવૃત્ત થવા યોગ્ય છે, વગેરે વગેરે. જીવને પોતાને જે કલ્યાણરૂપ હોય, આત્માની વિશુદ્ધિ વધારનાર હોય તેવાં તત્ત્વની, તેવાં વર્તનની જાણકારી વધારતાં જવી, અને તે પ્રકારે વર્તતાં શીખતાં જવું એ સમ્યક્ત્તાનનું આરાધન કહી શકાય. જ્ઞાન એટલે સમજણ અથવા તો જાણકારી. સમ્યક્દાન એટલે આત્માને વિશુદ્ધિ કરવા માટે ઉપકારી થાય એ માટેની સમજણ અગર જાણકારી. જીવ જ્યારે પૂર્વે સ્વીકારેલા કર્મોની નિર્જરા કરવા પશ્ચાત્તાપ કરે છે ત્યારે આ કર્મનાં બંધનો કેવી મુશ્કેલી કરનારાં છે તેની સમજણ તેને હોય છે. આથી જેમ જેમ તેનો પશ્ચાત્તાપ વિશાળ તથા ઊંડો થતો જાય છે તેમ તેમ વિશેષ કર્મનિર્જરા થતી હોવાથી તેને, આત્મા સર્વથી જુદો છે, તે સુખસ્વરૂપ છે એવી સાનુભવ સમજણ પણ વિશદ થતી જાય છે. સાચી સમજણ હોય ત્યારે જ જીવ ઇચ્છાનુસાર કર્મ ખેરવી શકે છે. તે પરથી આપણે કહી શકીએ કે પશ્ચાત્તાપપૂર્વકની ક્ષમાપના કરવી એ સમ્યજ્ઞાનની આરાધના કરવા બરાબર છે. અને આ આરાધન જીવે પૂર્ણ શુધ્ધ થવા સુધી કરતા રહેવાનું છે, કારણકે જ્યાં સુધી ઘાતી કર્મ છે, ત્યાં સુધી જીવને અજ્ઞાન છે, અને અજ્ઞાન છે ત્યાં સંસાર છે.
પ્રાર્થના તથા ક્ષમાપના કરી હળવો થયા પછી, જીવ જ્યારે મંત્રસ્મરણ કરતાં કરતાં પરપદાર્થોથી વિરક્ત થઈ સ્વાનુભવમાં સરકે છે ત્યારે તે સમ્યક્ચારિત્રનું આરાધન કરે છે એમ કહી શકાય. પ્રાર્થના તથા ક્ષમાપના કરતી વખતે જીવ વ્યવસ્થાપૂર્વક વિચાર કરે છે, અને વિપરીત રીતે વર્તતા ભાવની સુધારણા કરે છે, ત્યારે મંત્રસ્મરણ કરતી વખતે જીવ અન્ય સર્વ વિચારોથી છૂટી, માત્ર મંત્રમાં ફ્રૂટ થતા એક આત્મગુણમાં તેનું ધ્યાન કેંદ્રિત કરે છે, અને છેવટે તેનાથી પણ છૂટી જઈ સ્વરૂપમાં લીન થવાનો પુરુષાર્થ તે જીવ કરે છે. મંત્રસ્મરણ કરવામાં શરૂઆતમાં એક આત્મગુણનો વિચાર હોય છે, અને સ્મરણનું બળવાનપણું જેમ જેમ થતું જાય છે તેમ તેમ તે જીવ જલદીથી સ્વરૂપનું અનુસંધાન કરી શકે છે, અને તેનું ધ્યાન લાંબા ગાળાનું તથા વિશેષ ઊંડું થતું જાય છે.
૧૯૩