________________
ક્ષમાપના
આ ક્ષમાપના દિવસમાં ઓછામાં ઓછી બે વખત કરવાનું, જે કોઈ માર્ગદર્શન માગે તેને શ્રી કૃપાળુદેવ કરવા સૂચવતા હતા. તેમને અનુસરીને, તેનું મહાભ્ય જાણ્યા અને માણ્યા પછી પ્રભુશ્રી (શ્રી લઘુરાજસ્વામી) તથા અન્ય મુમુક્ષુઓએ પણ આ ક્ષમાપના વારંવાર કરવા સતત ભલામણ કરી છે. જે જીવો સમજીને, ભાવથી આ સુંદર ક્ષમાપના કરે છે તેઓ તેનાં મહતું ફળને મેળવે છે.
ક્ષમાપનામાં આત્માનાં છ પદનો સમાવેશ જીવને સમકિત અને તે પછીની અવસ્થાઓની પ્રાપ્તિ થવા માટે આત્માનાં છ પદનું યથાર્થ શ્રદ્ધાન થવું જોઈએ એમ શ્રી તીર્થકર ભગવાને બોધ્યું છે. એક વખત આ છયે પદનું સમ્યક શ્રદ્ધાન થાય ત્યારે જીવ સમકિત ગ્રહણ કરીને ચોથા ગુણસ્થાને આવે છે; અને જેમ જેમ તે શ્રદ્ધાન ઊંડું અને શુદ્ધ થતું જાય છે તેમ તેમ તે પછીની ઉચ્ચ અવસ્થાઓ તેને પ્રાપ્ત થતી જાય છે. શ્રી પ્રભુએ દર્શાવેલા આત્માનાં છ પદ આ પ્રમાણે છે
(૧) આત્મા છે. (૨) આત્મા નિત્ય છે. (૩) આત્મા કર્તા છે. (૪) આત્મા ભોક્તા છે. (૫) મોક્ષ છે. (૬) મોક્ષનો ઉપાય છે.
શ્રી કુપાળુદેવ રચિત આ ક્ષમાપનાનો જ્યારે અભ્યાસ કરીએ છીએ ત્યારે સમજાય છે કે આ છયે પદના શ્રદ્ધાનનો સમાવેશ તેમાં થઈ ગયો છે. એ પરથી નક્કી કરી શકાય કે જે જીવ શ્રદ્ધાનપૂર્વક અને ભાવપૂર્વક આ ક્ષમાપના નિયમિત રીતે કરે તે જીવ સમકિત પ્રાપ્ત કરવાની યોગ્યતા તથા સમકિતને પ્રાપ્ત કરી શકે.
૮૫