________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ૮: જ્ઞાનગોષ્ઠી દેહાદિ કે રાગાદિ તો જીવના નથી જ પણ અહીં તો ભાવલિંગની નિર્મળ પર્યાય જે મોક્ષની સાધક છે તે પણ જીવની છે તેમ ઉપચારથી કહેવામાં આવે છે. પર્યાયનું લક્ષ છોડાવવા, ભેદજ્ઞાનની પરાકાષ્ટાની આ ગાથા (પરમાત્મપ્રકાશ ૮૮) છે. ધ્રુવ સ્વભાવની સન્મુખ જે ધ્યાનની અકષાય સાધક પર્યાય પ્રગટ થાય છે તે પણ ઉપચારથી જીવનું સ્વરૂપ છે, પરમાર્થથી તો ત્રિકાળી ધ્રુવસ્વભાવ જ જીવનું સ્વરૂપ છે, આવી વાત તો ભાગ્યશાળી હોય તેને કાને પડે છે.
-આત્મધર્મ અંક ૩૯૭, નવેમ્બર ૧૯૭૬, પૃષ્ઠ ૨૭
(૧૮૬) પ્રશ્ન:- એક બાજા કહે છે કે સમ્યગ્દષ્ટિ પરદ્રવ્યને ભોગવે છે છતાં બંધાતો નથી ને બીજી બાજુ કહેવાય છે કે પરદ્રવ્યને ભોગવી શકાતું નથી તો તેમાં સાચું શું સમજવું?
ઉત્તર:- જ્ઞાની કે અજ્ઞાની કોઈ પરદ્રવ્યને ભોગવી શકતું જ નથી પણ અજ્ઞાની માને છે કે હું પરદ્રવ્યને ભોગવું છું, તેથી અહીં અજ્ઞાનીની ભાષાથી એટલે કે વ્યવહારથી વાત કરીને કહ્યું કે જ્ઞાની પરદ્રવ્યને ભોગવવા છતાં બંધાતો નથી, કેમ કે જ્ઞાનીને રાગમાં એકત્વબુદ્ધિ નથી તેથી પરદ્રવ્યની ક્રિયા થવા છતાં બંધ થતો નથી તેમ કહે છે.
જ્ઞાનીને ચેતન દ્રવ્યનો ઘાત થવા છતાં બંધન નથી તેમ કહ્યું તેથી એમ ન માનવું કે સ્વછંદી થઈને પરજીવનો ઘાત કરવામાં વાંધો નથી ! અહીં તો એવો આશય છે કે જેને રાગમાં રુચિ છૂટી ગઈ છે, આત્માના આનંદનું ભાન ને વેદન વર્તે છે છતાં અલ્પ નબળાઈથી રાગ આવી જાય છે ને ચારિત્રદોષના નિમિત્તની ચેતનનો ઘાત થઈ જતા અલ્પ બંધ થાય છે તેને ગૌણ કરીને જ્ઞાનીને બંધ નથી તેમ કહ્યું છે. પરંતુ જેને રાગમાં રુચિ પડી છે ને પરદ્રવ્યને હું મારી શકું છું. પરદ્રવ્યને હું ભોગવી શકું છું એવી રુચિ પૂર્વકનો જ્યાં ભાવ છે ત્યાં રાગમાં એકત્વબુદ્ધિ થવાથી હિંસાકૃત બંધ જરૂર થાય છે.
જે પરિણામ પર સન્મુખ થઈને થાય છે તેને એકત્વબુદ્ધિની અપેક્ષાથી અધ્યવસાન કહીને બંધનું કારણ કહ્યું છે. જે પરિણામ પર સાથે એકત્વ થયા વિના રાગના થાય તે અધ્યવસાન કહેવાય પણ તેને મિથ્યાત્વનો બંધ કહેતા નથી, અલ્પ રાગનો બંધ થાય તેને ગૌણ કરીને બંધ નથી તેમ કહેવાય છે અને જે પરિણામ સ્વભાવ સમ્મુખના થાય તેને સ્વભાવની સાથે એકત્વરૂપ થવાથી અધ્યવસાન કહેવાય અને તે અધ્યવસાનને મોક્ષનું કારણ કહેવાય છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com