________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩): જ્ઞાનગોષ્ઠી
(૪૧૫) પ્રશ્ન- દ્રવ્યથી પર્યાય ભિન્ન છે તો પર્યાય ક્યાંથી આવે છે?
ઉત્તર - પર્યાય આવે છે તો દ્રવ્યમાંથી, અદ્ધરથી નથી આવતી પણ જ્યારે પર્યાયને સરૂપે સ્વતંત્ર સિદ્ધ કરવી હોય ત્યારે પર્યાય પર્યાયથી જ છે. દ્રવ્યથી પર્યાય હોય તો દ્રવ્ય એકરૂપ રહે છે અને પર્યાય અનેકરૂપ થાય છે. દ્રવ્યની જેવી એકરૂપ જ થવી જોઈએ પણ તેમ થતી નથી. દ્રવ્ય સત છે તેમ પર્યાય પણ સત છે સ્વતંત્ર છે તે અપેક્ષાથી દ્રવ્યથી પર્યાયને ભિન્ન કહેવાય છે.
-આત્મધર્મ અંક ૩૯૧, મે ૧૯૭૬, પૃષ્ઠ ૨૮
(૪૧૬) પ્રશ્ન- દ્રવ્ય અને પર્યાય બે ધર્મને જુદા બતાવવાનું શું પ્રયોજન છે?
ઉત્તર:- બે ધર્મ ભિન્ન છે તેની પ્રસિદ્ધિ કરવાનું પ્રયોજન છે. પર્યાય એક સમયની છે અને તેની પાછળ ધ્રુવદળ તો ત્રિકાળ એવું ને એવું રહ્યું છે, એને શેય બનાવવું જોઈએ.
–આત્મધર્મ અંક ૩૯૧, મે ૧૯૭૬, પૃષ્ઠ ૨૮-૨૯
(૪૧૭). પ્રશ્ન- આત્માના પર્યાયધર્મનો સ્વીકાર ન કરવાથી શું નુકશાન થાય?
ઉત્તર- જો આત્માના પર્યાયધર્મને જાણે તો પરના આશ્રયે પોતાની પર્યાય થવાનું માને નહિ. પણ દ્રવ્યના આશ્રયે જ પર્યાય થવાનું માને, એટલે તેને પરથી લાભ-નુકશાન થાય એવી મિથ્યાબુદ્ધિ રહે જ નહિ. જો પરથી પોતાની પર્યાયમાં લાભ-નુકશાન માને તો તેણે આત્માના પર્યાયધર્મને ખરેખર જાણ્યો નથી. પર્યાય ધર્મ પોતાનો છે, કોઈ બીજી ચીજને લીધે તેનો પર્યાય ધર્મ થતો નથી. જો બીજો પદાર્થ આત્માની પર્યાય કરે તો આત્માના પર્યાય ધર્મે શું કર્યું? જો નિમિત્તથી પર્યાય થઈ એમ હોય તો આત્માનો પર્યાય ધર્મ જ ન રહ્યો ! પોતાની અનાદિ અનંત પર્યાયો પોતાથી જ થાય છે–એમ જો પોતાના પર્યાયધર્મને ન જાણે તો જ્ઞાન પ્રમાણ થાય નહિ.
-આત્મધર્મ અંક ૯૪, શ્રાવણ ૨૪૭૭, ટાઈટલ ૪
(૪૧૮). પ્રશ્ન- કોઈ અપેક્ષાએ દ્રવ્ય પરિણામી છે ને?
ઉત્તર- દ્રવ્ય તો અપરિણામી છે, બંધ મોક્ષના પરિણામને દ્રવ્ય કરતું નથી, પણ પર્યાયદષ્ટિથી કહેવું હોય તો પર્યાય ધ્રુવમાંથી આવે છે ને ધ્રુવમાં જાય છે તેથી પર્યાય અપેક્ષાએ દ્રવ્ય પરિણમન કરે છે. દ્રવ્યદૃષ્ટિએ નિષ્ક્રિય છે, પર્યાયદષ્ટિ અપેક્ષાએ સક્રિય છે.
–આત્મધર્મ અંક ૪૦૪, જૂન ૧૯૭૭, પૃષ્ઠ ૨૧
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com