________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દેવ-શાસ્ત્ર-ગુરુ: ૧૭ અલ્પકાળમાં તે ફરીને કાં તો વીતરાગભાવ થાય ને કાં તો અશુભભાવ થાય. વીતરાગનું જ શરણ હો” એમાં જ્ઞાનીની એમ ભાવના છે કે આ શુભ તુટીને અશુભ ન હો પણ શુભ તૂટીને વીતરાગતા હો. વીતરાગના બહુમાનનો રાગ થયો તે રાગ વખતે વીતરાગ તરફ લક્ષ હોય છે, પણ કાંઈ વીતરાગ ભગવાન મુક્તિ આપતા નથી. હું મારી તાકાતથી જ રાગ તોડીને ભગવાન થવાનો છું. જો આત્મામાં ભગવાન થવાની તાકાત ન હોય તો ભગવાન તેને કાંઈ કરી દેવા સમર્થ નથી. અને જો આત્મામાં જ ભગવાન થવાની તાકાત છે તો તેને ભગવાનની ઓશિયાળ નથી. હું સ્વતંત્ર ભગવાન છું-એવા સ્વભાવના ભાન વગર સ્વતંત્રતા પ્રગટે નહિ ને બંધન ટળે નહિ. વીતરાગ ભગવાનની પ્રાર્થનાના શુભરાગદ્વારા ત્રણકાળ ત્રણલોકમાં ધર્મ થાય નહિ. જેને પોતાના સ્વતઃ શુદ્ધ સ્વભાવની ખબર નથી તે જીવ પોતાને દેવગુરુ-શાસ્ત્ર વગેરેનો ઓશિયાળો માને છે. આચાર્યદવ એવી માન્યતાવાળાને જીવ કહેતા નથી તે તો જડ જેવો છે-મૂઢ છે, તેને પોતાના ચૈતન્યતત્ત્વની ખબર નથી.એવા અજ્ઞાનીને આચાર્યદેવ સમજાવે છે કે હે ભાઈ ! તારો આત્મા અનંતગુણનો પિંડ, પરમપરિણામિકભાવસ્વરૂપ છે, તેને તું ઓળખ. શરીર-મન-વાણીનો કે પુણ્ય-પાપનો આધાર ન રાખ, પર્યાયનો પણ આધાર છોડીને ત્રિકાળ સ્વભાવનો આધાર લે. પુણ્ય-પાપરહિત આત્મસ્વરૂપને માન્યા વગર પુણ્ય-પાપ ટળશે નહિ.
જેમ શરીરમાં ગૂમડું થયું હોય તેને જો રોગ તરીકે સમજે તો તેનું ઓપરેશન કરી નાખે. તેમ જે જીવ શુદ્ધ ચૈતન્યસ્વરૂપને જાણે અને હિંસા કે દયાદિના ભાવો તેનાથી જુદા છે એમ જાણે તે જીવ વિકાર ભાવોને છેદીને મુક્તિ પામે, પણ જે જીવ પોતાના નિરુપાધિ શુદ્ધ સ્વરૂપને ઓળખે નહિ તે જીવ શુભાશુભ પરિણામને છોડે નહિ ને તેની મુક્તિ થાય નહિ.
-આત્મધર્મ અંક ૭૪, માગશર ૨૪૭૬, પૃષ્ઠ 10
(૫૦) પ્રશ્ન:- ભેદભક્તિ અને અભેદભક્તિ અથવા વ્યવહાર ભક્તિ ને નિશ્ચયભક્તિનું સ્વરૂપ શું છે અને તેનું ફળ શું છે?
ઉત્તર:- પહેલાં તો ભેદભક્તિ હોય છે, પરમાત્માના સ્વરૂપનો વિચાર કરવો તે ભેદભક્તિ છે; એવી ભેદભક્તિને જાણીને પછી એવો જ પરમાત્મા હું છું, આત્મામાં જ પરમાત્મા થવાની તાકાત છે એમ પોતાના આત્માને ઓળખીને ઠરે તેનું નામ પરમાર્થભક્તિ અથવા અભેદભક્તિ છે. અભેદ આત્મા તરફ વળવાના લક્ષ પૂર્વક ભેદ ભક્તિ હોય તો તેને વ્યવહાર કહેવાય છે. રાગરહિત જ્ઞાનસ્વરૂપી આત્માનું શ્રદ્ધા-જ્ઞાન કરીને તેના ધ્યાનમાં એકાગ્રરૂપ અભેદભક્તિ તો મોક્ષ ફળદાયક છે, તેનાથી વિપરીત ભેદભક્તિ બંધ ફળદાયક છે.
-આત્મધર્મ અંક ૭૬, મહા ૨૪૭૬, પૃષ્ઠ ૬ર
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com