________________
*
*
*
૧૩ છે,
કામવિજેતા સ્થૂલભદ્રસ્વામી !
તમારું નામ કાને પડે છે અને નિર્મળ જળ જેવું તમારું પવિત્ર અંતઃકરણ આંખો સામે આવી જાય છે. તમારો કાલ્પનિક ચહેરો આંખો સામે આવી જાય છે અને સર્વથા નિષ્કલંક એવો પૂનમનો ચાંદ સ્મૃતિપથ પર આવી જાય છે. વિશુદ્ધ અધ્યવસાયોની તમારી ઊંચાઈને કલ્પનાનો વિષય બનાવીએ છીએ અને એ ઊંચાઈ સામે મેરુ પર્વતની ઊંચાઈ વામણી લાગવા માંડે છે. વાસનાના મેદાનમાં જઈને ‘કામ' ને ધૂળ ચાટતો કરી દેવાનું તમારું પરાક્રમ કલ્પનાની આંખે નિહાળીએ છીએ અને કુરુક્ષેત્રના મેદાન પર બાણોની વર્ષા કરીને કૌરવ સેનામાં હાહાકાર મચાવનાર અર્જુનનું પરાક્રમ એની સામે ધૂળના રજકણ જેટલું વામણું અને તુચ્છ લાગે છે. સ્વભાવદશાની તમારી મસ્તીને કલ્પનાનો વિષય બનાવીએ છીએ અને સ્વયંભૂરમણ સમુદ્રની ગહરાઈ એની સામે છીછરી ભાસવા લાગે છે.
શું કહીએ ?
જેમના પુણ્યના પ્રકર્ષ સામે અને ગુણના સામ્રાજ્ય સામે આ જગતનો કોઈ પણ જીવ ઊભો રહી શકતો નથી એ તીર્થકર ભગવંત વધુમાં વધુ ત્રણ ચોવીસી સુધી જ સ્મૃતિપથ પર રહી શકે છે પરંતુ તમે પવિત્રતાના ક્ષેત્રે એ ઊંચાઈ સ્પર્શી ચૂક્યા છો કે ચોર્યાશી-ચોર્યાશી ચોવીસી સુધી તમારું નામ સ્મૃતિપથ પર રહેવાનું છે !
વાસનાનાં સાપોલિયાં જે પણ આત્માને ડરાવતા રહે છે એ આત્મા તમારું નામ લે છે અને એની આંખોમાં રમી રહેલા વાસનાનાં સાપોલિયાં કોણ જાણે ક્યાં, રવાના થઈ જાય છે. જેના પણ અંતઃકરણમાં વારંવાર વાસનાના ભડકા ઊઠતા રહે છે એ આત્માની જીભ પર તમારું નામ રમવા લાગે છે અને એનું અંતઃકરણ ઠંડુગાર બની જાય છે.
પવિત્રતાની આ તાકાત લઈને બેઠેલા તમારી પાસે આજે તમારા સાત-સાત બહેન સાધ્વીજીઓ વંદન કરવા આવ્યા છે. ઉપાશ્રયમાં તેઓ નજર દોડાવી રહ્યા છે પણ તમે એમની નજરે ક્યાંય ચડતા નથી.
કામવિજેતા સ્થૂલભદ્રસ્વામી! તમને વંદન કરવા આવેલ સાત બહેન સાધ્વીજીઓ સમક્ષ તમે સિંહનું રૂપ ધારણ કરી બેઠા અને તમારા સિંહના એ રૂપે સહુ સાધ્વીજી ભગવંતો ભયભીત થઈ ગયા!
૨૪