Book Title: Baap re Baap
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 80
________________ આ બાજુ તમારા બાણના પ્રહારથી ઘાયલ થયેલ પંખીએ પળવારમાં પ્રાણ છોડી દીધા છે અને મરીને એ ભિલ્લ થયું છે. એક વખત એક ગામથી બીજે ગામ વિહાર કરીને જઈ રહેલા તમારા પર એ ભિલ્લની નજર પડી છે અને પૂર્વભવના વૈરના લીધે એણે તમારા પર લાકડીનો પ્રહાર કરી દીધો છે. તમે તમારા મુનિપણાને ભૂલી જઈને એના પર તેજલેશ્યા મૂકીને એને ભસ્મીભૂત કરી નાખ્યો છે. એ ભિલ્લ મરીને સિંહ બન્યો છે. એક વખત જંગલ રસ્તે તમે વિહાર કરી રહ્યા છો અને તમારા પર એની નજર પડતાંની સાથે જ એ પૂંછડું ઉલાળતો તમારા પર ઘસ્યો છે. એ વખતે પણ ઉપશમભાવ ગુમાવી દઈને એના પર તમે તેજલેશ્યા મૂકી દીધી છે અને એને પરલોક ભેગો રવાના કરી દીધો છે. એ સિંહ મરીને હાથી તો બન્યો છે પણ હાથીના અવતારમાં ય તમારાં દર્શને પૂર્વભવના વૈરના એના સંસ્કાર જાગ્રત થયા છે અને તમને પગ તળે કચડી નાખવા એ તમારા તરફ દોડ્યો છે. પણ તમારી નજીક એ આવી ચડે એ પહેલા તમે એને ય તેજલેશ્યા દ્વારા ખતમ કરી નાખ્યો છે. એ હાથી મરીને જંગલી સાંઢ બન્યો છે. અહીં પણ એના મનમાં તમારા પ્રત્યેના વૈરના સંસ્કાર એવા જ જીવંત છે. તમે એની નજરમાં આવ્યા છો અને શિંગડા મારવા એ તમારી તરફ ઘસી પડ્યો છે. શિંગડા મારવામાં એ સફળ બને એ પહેલાં એના પર તેજલેશ્યા મૂકી દેવામાં તમે સફળ બની ગયા છો અને એના જીવન પર તમે પૂર્ણવિરામ મૂકી દીધું છે. એ સાંઢ મરીને સર્પ થયો છે. વિહાર કરી રહેલા તમે એના દૃષ્ટિપથ પર આવી ગયા છો અને તમને ડંખ મારીને યમસદન પહોંચાડી દેવા એ અધીરો બની ગયો છે. તમે એની એ ચેષ્ટા જોઈને જ સચેત થઈ ગયા છો અને એના પર તેજોવેશ્યા મૂકીને તમે એને બાળી નાખ્યો છે. એ સર્પ મરીને બ્રાહ્મણ તો થયો છે પણ એક વખત એણે તમને ક્યાંક જોઈ લીધા છે અને જે પણ મળે એની સમક્ષ એણે તમારી નિંદા કરવાનું ચાલુ કરી દીધું છે. તમારા કાને એની આ હરકતો આવી છે અને એક દિવસ તક મળતાં તમે એના પર પણ તેજોવેશ્યા મૂકી દઈને એનું જીવન સમાપ્ત કરી દીધું છે. કોઈ પણ કારણસર શુભધ્યાનમાં એ બ્રાહ્મણ મરીને વારાણસી નગરીમાં મહાબાહુ નામે રાજા થયો છે અને કોક મુનિનાં દર્શને એને થઈ ગયેલ જાતિ સ્મરણ જ્ઞાનમાં એણે પોતાના સાત ભવો જોઈ લીધા છે. તમારી ભાળ મેળવવા એણે ‘પક્ષી, ભિલ્લ, સિંહ, હાથી, સાંઢ, સર્પ અને બ્રાહ્મણ’ આ અર્ધા શ્લોક લોકો વચ્ચે રમતો મૂક્યો છે. તમારા કાને આ શ્લોકાર્થ આવતા તમને જાતિસ્મરણ જ્ઞાન આ શ્લોકાર્ધના રચયિતાને થઈ ગયું હોવું જોઈએ એ ખ્યાલ આવી જતા ‘ક્રોધથી જેમણે આ હણ્યા, તેમનું અરેરે શું થશે?' એ શ્લોકાર્ધ બનાવીને શ્લોક પૂર્ણ કરી આપ્યો છે. તમારું અને રાજાનું મિલન થઈ જતા વૈરભાવને અરસપરસ ખમાવી દઈને તમે બંને સિદ્ધિ ગતિમાં પહોંચી ગયા છો. પ્રભુ, ક્રોધમાં તું મને સર્પનાં, અગ્નિનાં, વિષનાં અને સિંહનાં દર્શન હું કરી શકું એવી દૃષ્ટિ આપી દે. તારો એ ઉપકાર મારું દુર્ગતિગમન સ્થગિત કરીને જ રહેશે. ૭૯

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100