________________
એક વખત સોગઠાબાજી રમતા રમતા કુબેરદત્તના કરમાંથી નીકળીને પેલી નામાંકિત મુદ્રિકા કુબેરદત્તાના ખોળામાં પડી છે અને તે લઈને જતાં કુબેરદત્તા વિચારમાં પડી છે. અને બોલી છે, ‘લાગે છે કે આપણે બંને સહોદર યુગલીઆ હોઈશું પરંતુ દૈવયોગે આપણો વિવાહ થઈ ગયો છે. પછી એ બંનેએ જઈને પોતપોતાની માતાને પૂછયું છે અને એમને વસ્તુસ્થિતિ સમજાઈ ગઈ છે.
વ્યથિત થયેલ કુબરેદત્ત વ્યાપાર કરવાના બહાને શૌર્યપુરથી નીકળીને મથુરાપુરી આવી તો ગયો છે પણ કેટલાક દિવસ બાદ એ પોતાની જ માતા કુબેરસેના! તારી સાથે સંબંધ બાંધી બેઠો છે અને એ સંબંધથી તને એક પુત્ર પણ થયો છે.
આ બાજુ કુબેરદત્તાએ વિષયોથી વિરક્ત થઈને દીક્ષા લીધી છે. ઉગ્ર તપસ્યા કરતાં એને અવધિજ્ઞાન તો થયું છે પરંતુ કુબેરદત્તને તારી સાથે વિલાસ કરતાં જોઈને એ સ્તબ્ધ થઈ ગઈ છે. આ અકાર્યને અટકાવવા એ મથુરાપુરીમાં આવી છે અને એક દિવસ ગોચરી વહોરવાના બહાને એ તારે ત્યાં આવી છે. એ વખતે પારણામાં સૂતો સૂતો તારો પુત્ર રડતો હતો. એ સાધ્વી એને ફુલરાવતાં ફુલરાવતાં આ પ્રમાણે બોલી છે,
વત્સ ! તું રડે છે શું કામ? તું તો મારો ભાઈ થાય છે કારણ કે આપણા બંનેની માતા એક જ છે. તું મારો પુત્ર પણ થાય છે કારણ કે તું મારા પતિનો પણ પુત્ર છે. તું મારો દિયર પણ થાય છે કારણ કે તું મારા પતિનો નાનો ભાઈ પણ છે. તું મારો ભત્રીજો પણ થાય છે કારણ કે તું મારા ભાઈનો પુત્ર પણ છે. તું મારો કાકો પણ થાય છે કારણ કે તું મારી માતા પતિનો ભાઈ પણ છે અને તું મારા પુત્રનો પુત્ર પણ છે. કારણ કે મારી પત્ની કુબેરસેનાના પુત્ર કુબેરદત્તનો તું પુત્ર છે.
વળી, તારા પિતા સાથે મારે છે સંબંધ છે. તારો પિતા એ મારો ભાઈ છે કારણ કે અમારા બંનેની માતા એક જ છે. તારો પિતા તે મારો પણ પિતા છે કારણ કે તે મારી માતાનો પતિ છે. તારો પિતા તે મારો પિતામહ છે કારણ કે મારી માતા કુબેરસેનાના પતિ કુબેરદત્તનો તું અનુજબંધુ છે તેથી કાકો અને તેના પિતા કુબેરદત્ત તેથી વૃદ્ધ પિતા થાય છે. તારો પિતા તે મારો સ્વામી છે કારણ કે તેની સાથે મારા વિવાહ થયા છે. તું મારો પુત્ર પણ છે કારણ કે તું મારી શોક્યનો પુત્ર છે. વળી, તારા પિતા તે મારા સસરા પણ થાય છે કારણ કે તે મારા દિયરના પિતા છે.
વળી, તારી માતા સાથે પણ મારે છ સંબંધ છે. તારી માતા તે મારી પણ માતા છે કારણ કે મારો જન્મ એની કુખે થયો છે. તારી માતા તે મારી પિતામહી થાય છે કારણ કે તે મારા કાકાની માતા છે. તારી માતા તે મારી ભોજાઈ થાય છે કારણ કે તે મારા ભાઈની સ્ત્રી છે. તારી માતા તે મારી પુત્રવધૂ પણ છે કારણ કે મારી શોક્યના પુત્ર કુબેરદત્તની તે સ્ત્રી થાય છે. તારી માતા મારી સાસુ પણ છે કારણ કે તે મારા પતિની માતા છે. તારી માતા તે મારી શોક્ય પણ છે કારણ કે તે મારા પતિની જ બીજી સ્ત્રી છે.
કુબરેસેના, આ સાંભળ્યા બાદ તારું અને કુબરેદત્તનું માથું ઠેકાણે શું રહે? સાધ્વીને તમે બંનેએ સઘળો વૃત્તાંત પૂક્યો છે અને રહસ્યોદ્ઘાટન થતાં તમે બંને સન્માર્ગ પર આવી ગયા છો.
પ્રભુ, શું આનું જ નામ સંસાર છે? કોઈ પણ સંબંધ સ્થિર નહીં, કોઈ પણ સબંધ સ્પષ્ટ નહીં અને કોઈ પણ સંબંધ શુદ્ધ નહીં! આ સંસારનું કોઈ પણ સુખ સ્વચ્છ નહીં, સ્વાધીન નહીં અને શાશ્વત નહીં! ક્યારે સંસારની આ જાલિમ કેદમાંથી મારો છુટકારો થશે?
૮૭