________________
પર
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
નિશ્ચય આત્મા. નિશ્ચય આત્માને આવરણ નથી ચડેલું અને વ્યવહાર આત્મા આ જે દેખાય છે અરીસામાં તે. અને તે પાઠ ભજવી રહ્યો છે અને તેમાં તને હુંપણું છે, હું કરું છું તે અને તેથી આ ઊભું થયું છે. એટલે આવી રીતે જુદા છે. જેમ તને પેલો દેખાય છેને? છો એકના એક જ. વ્યવહાર આત્મા એટલે આ વ્યવહારમાં વૃત્તિઓ પરોવેલી એવો આત્મા. એટલે અહંકાર ઊભો થયો. “કરું છું અને આ મારું છે' એ ભાન ઊભું થયું. તે “હું ચંદુભાઈ છું ને આ મારું શરીર” ને “આ જ આત્મા અને આ જ મારું શરીર ને દેહને જ આત્મા માને છે. આ દેહમાં આત્મબુદ્ધિ છે કે “આ હું છું. દેહમાં આત્મબુદ્ધિ એનું નામ બ્રાંતિ. એટલે આ ભ્રાંતિનો આત્મા છે, માનેલો આત્મા છે, અહંકાર છે ખાલી. અહંકાર જાય એટલે મૂળ આત્મા પાછો થઈ જાય. આ ભ્રાંતિનો આત્મા તે લેપાયમાનવાળો છે. આ આત્મા લેપાય એવો છે, પણ મૂળ જે અસલ આત્મા, તેને લેપ ચડે એવો નથી. એટલે બે આત્મા હોતા નથી, એક જ આત્માના બે ભાગ પડી ગયા છે. કારણ કે પેલા આત્મામાં પોતાનું પોતાને રિયલાઈઝ (ભાન) થયું નથી, એટલે પોતે અહંકાર ઊભો થઈ ગયો ને અહંકારને આ “હું છું, ને મારું છે' થયું ને તેનાથી આ આત્મા નવો ઊભો થઈ ગયો, વ્યવહાર આત્મા.
પ્રશ્નકર્તા: આ પેલો અરીસામાં દેખાય છે એ નિશ્ચય આત્મા અને આ બહાર છે એ વ્યવહાર આત્મા કે બહાર છે એ નિશ્ચય આત્મા અને અંદર અરીસામાં દેખાય છે તે વ્યવહાર આત્મા ?
દાદાશ્રી : પેલો અરીસામાં દેખાય એ વ્યવહાર આત્મા અને આ બહાર એ નિશ્ચય આત્મા. ખરો આ અને પેલો વ્યવહાર. બહારવાળો જો નીચે બેસી જાય તો એ પેલી બાજુ અરીસામાં દેખાય ? તો હવે નથી દેખાતો. હવે જો નિશ્ચય આત્મા છે એ સહજ છે, તો વ્યવહાર આત્માને સહજ કરો એટલે આપણે બે એક થઈ ગયા. પછી કાયમના પરમાત્મા થયા.
પ્રશ્નકર્તા: વ્યવહાર આત્મા જે છે તેની ઉત્પત્તિ કેવી રીતે થઈ ? દાદાશ્રી : એની ઉત્પત્તિ જ ના હોય ને, છે જ એ તો પહેલેથી.