________________
૩૩૦
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
દાદાશ્રી : બસ, ‘હું-હમ.' એટલે ગુણ ગાય ત્યાં પોતાનો હમ
જોઈએ એને.
વીતરાગી દીક્ષા વીતરાગ ધર્મ પ્રાપ્ત, સાંપ્રદાયિકે અલોપ
મહાવીર ભગવાન પછી કેવળીધર્મ રહ્યો. કેવળી પછી સાચા શ્રુતકેવળી રહ્યા અને બસો એક વર્ષ ચાલ્યું બધું. પછી વીતરાગ ધર્મ અલોપ થઈ ગયો. આ સાચા શ્રુતકેવળી ગયા, વીતરાગ ધર્મ ખલાસ થયો
કે બધા સંપ્રદાયો ઊભા થઈ ગયા. પણ પહેલા બે સંપ્રદાય ઊભા થયા ને પછી બધા ઘણા સંપ્રદાયો પડ્યા. સાંપ્રદાયિક થયું એટલે વીતરાગી દીક્ષા ચાલી ગઈ. વીતરાગ દીક્ષા નથી, તેને આત્મજ્ઞાન થાય નહીં. આ અક્રમ જ્ઞાની જેવા તેવા ના કહેવાય. અહીં વીતરાગ ધર્મ ચાલુ હોય. એ સ્યાદ્વાદ હોય. હા, એકાંતિક ના હોય. ત્યાર પછી એકાંતિક શરૂ થયું ત્યારથી સાંપ્રદાયિક શરૂ થયું. સાંપ્રદાયિક એટલે આત્મજ્ઞાન ના હોય. પ્રગટ ના થાય કોઈને. બીજી બધી શક્તિઓ વધે પણ આત્મજ્ઞાન પ્રગટ ના થાય. એ સાંપ્રદાયિક દીક્ષા કહેવાય.
જાણે આખું શાસ્ત્ર તે ક્ષયોપશમે આત્મા, તે ખરા શ્રુતકેવળી
પ્રશ્નકર્તા : આ તો પૂર્વના જે જ્ઞાની હતા, એમને શાસ્ત્રનું જે જ્ઞાન હતું એ તો ક્રમે-ક્રમે એક-એકને અપાતું આવ્યું હતું. ચૌદ પૂર્વધારી જે લોકો હતા, ચૌદ પૂર્વધારી જ્યારે ખતમ થયું ત્યારે દસ પૂર્વ રહ્યું, નવ પૂર્વ રહ્યું, આઠ પૂર્વ રહ્યું, શાસ્ત્રો એમ કહે છે અને એ બધા ચૌદ પૂર્વધારી એને તો આપણે શ્રુતકેવળી કહીએને ?
દાદાશ્રી : એ ખરા શ્રુતકેવળી.
પ્રશ્નકર્તા : શ્રુતકેવળી કહીએને ત્યારે એ એની પાસે જે જ્ઞાન હશે, એ સમ્યક્ જ્ઞાન તો ખરું જ ને ?
દાદાશ્રી : એ શ્રુતકેવળી એ સાચા જ્ઞાની. એ શ્રુતકેવળી શાસ્ત્રને જાણે અને આત્માનેય જાણે. આત્માને ક્ષયોપશમ પ્રમાણે જાણે. પોતાનો ક્ષયોપશમ જેવો હોય એટલો જ આત્મા જાણે બસ, વધારે આત્મા ના જાણે. પણ આખું શાસ્ત્ર બધું જ જાણે શ્રુતકેવળીઓ.