________________
રૌદ્રધ્યાનને ધર્મધ્યાનમાં ફેરવવું તે પુરુષાર્થ.
‘અક્રમજ્ઞાની’ એ પ્રારબ્ધ-પુરુષાર્થની ભંગજાળમાંથી કાઢી ‘કોણકર્તા’ની યથાર્થ સમજણ ‘વ્યવસ્થિત શક્તિ’ના નવા જ અભિગમ દ્વારા આપી ખુલ્લું કર્યું છે, જે સ્વરૂપલક્ષીઓને કેવળજ્ઞાન સુધી પહોંચાડે તેમ છે ! ‘પોતાને કર્તાપણાનું ભાન વર્તે છે’, ત્યાં સુધી ‘વ્યવસ્થિત’ની સમજણ સોનાની કટારી સમ છે ! જયાં અહંકાર ત્યાં ‘પોતાનું’ કર્તાપણું, નિર્અહંકાર ત્યાં ‘વ્યવસ્થિત’નું કર્તાપણું.
શુદ્ધ ઉપયોગ એ ‘રિયલ’ પુરુષાર્થ. કષાયના સંયમને પુરુષાર્થ કહ્યો ને સમતાને જ્ઞાનથી ઉત્પન્ન થનારો સ્વભાવ કહ્યો. યમ, નિયમ, સંયમને પુરુષાર્થ કહ્યો. સંયમ ને તપમાં શું ફેર ? સંયમમાં તપવાનું નથી, ને તપમાં તપવાનું, મનને તપવવાનું હોય ! જ્ઞાનીની આજ્ઞામાં વર્તાય તે પુરુષાર્થ છે, એ જ ધર્મ છે.
નથી પ્રારબ્ધ મોટું કે નથી પુરુષાર્થ મોટો, આ બન્ને જે યથાર્થ પણે સમજે તે મોટો એમ જ્ઞાની પુરુષ કહી જાય છે.
આચર-કૂચર ખાય છે તે પ્રારબ્ધકર્મ અને મરડો થાય છે તે પ્રારબ્ધકર્મનું ફળ, અને આચર-કૂચર ખવાય છે તે ગતભવના સંચિતકર્મથી ! બોલો, હવે આ પ્રારબ્ધકર્મના ફળને ફેરવાય શી રીતે ? ફેરફાર સંચિતકર્મ થતી વખતે જ થઇ શકે.
દ્રવ્ય બધું પ્રારબ્ધ ને ભાવ એ પુરુષાર્થ. ભ્રાંતદશામાં જીવમાત્રને ભાવ-પુરુષાર્થ ચાલુ જ હોય તેના હિસાબે આવતા ભવનાં કર્મ બંધાય, જેનું પોતાનેય ભાન નથી હોતું !
૪. શ્રદ્ધા
અંધશ્રદ્ધાને ઠુકરાવનારાઓ જાણતા નથી કે પોતે કેટલી બધી અંધશ્રદ્ધામાં છે !!! કઇ શ્રદ્ઘાએ કરીને પાણી પિવાય છે ? એમાં વિષ નથી એની ખાતરી શું ? ખાવામાં ગીલોડી કે જીવડું નથી પડયું તેની શી ખાતરી ? કોઇ આની તપાસ કરે છે ? તો આ અંધશ્રદ્ધા પર જ ચલાય છે ને ? આમ અંધશ્રદ્ધા વિના એક ડગ નથી ભરાતું તે બીજાની અંધશ્રદ્ધાને કેમ કરીને વગોવી શકે?
12
૫. અભિપ્રાય
અભિપ્રાયોને આધારે દૃષ્ટિ બંધાય ને તેવું જ પછી દેખાયા કરે. કોઇ વ્યક્તિ ખૂચ્યાં કરે તેમાં તેવી દૃષ્ટિનો દોષ નથી. એ દૃષ્ટિ બંધાવનારા અભિપ્રાયથી આ ભૂલ થયા કરે છે.
‘પ્રિજયુડીસ’વાળી દૃષ્ટિ સંસાર સર્જે છે. ચોરી થતી નજરોનજર દેખતા હોવા છતાં ચોર પ્રત્યે જેને કિંચિત્માત્ર ‘પ્રિજયુડીસ' દૃષ્ટિ નથી એ જ્ઞાની! કાલે જે ચોર છે તે શાહુકાર નહીં બને તેની શી ખાતરી ?
સ્વાદિષ્ટ કેરીને ઇન્દ્રિય સ્વીકારે તેનો વાંધો નથી, પણ તે પછી સાંભરે તેનું જોખમ છે, કારણ કે તેની પાછળ ‘આ કેરી સારી છે’ એવો અભિપ્રાય પડયો હતો, જે રાગદ્વેષમાં પરિણમે.
એક વસ્તુ પર કેન્દ્રિત થયેલો જબરદસ્ત અભિપ્રાય અટકણમાં પરિણમે, જેનો પ્રભાવ વિખરાયેલા અનેક અભિપ્રાયો કરતાં વધુ ભયંકર રીતે પ્રવર્તતો હોય છે.
“વિષયો રાગદ્વેષવાળા નથી, અભિપ્રાયની માન્યતા એ જ રાગદ્વેષ છે.'' - દાદાશ્રી.
‘જ્ઞાની’નું આ કથન વિષયોને ઉડાડવા માટે થતા અથાગ પરિશ્રમને ગજસ્નાનવત્ કહી ઉડાડી મૂકે છે, ને તેના ‘રૂટકોઝ' સમાન, વિષયોમાં સુખના અભિપ્રાયની ખોટી માન્યતાને ઉડાડવા તરફ જાગ્રત કરનારું છે.
જ્યારથી નક્કી કર્યું કે અભિપ્રાય ભાંગવા છે ત્યારથી તે ભાંગવા માંડે ! અવગાઢ અભિપ્રાયને દરરોજ બબ્બે કલાક ખોદ ખોદ કરે, પ્રતિક્રમણ થકી તો તે ખલાસ થાય ! જેને આત્મા પ્રાપ્ત થયો, જે ‘પુરુષ’ થયો તે ગમ્મે તેવા પુરુષાર્થ અને પરાક્રમે પહોંચી શકે !
જેવો અભિપ્રાય તેવુ પુદ્ગલ પરિણમીને ભેગું થવાનું.
અભિપ્રાયનોય અભિપ્રાય સૂક્ષ્મતાએ રહેલો હોય તે ઊખેડવો જરૂરી
છે.
અભિપ્રાય કરાવે કોણ ? લોકસંજ્ઞા જ, કારણ કે લોકસંજ્ઞાએ પોતે માન્યતા બાંધે છે, તે મુજબ બુદ્ધિ નક્કી કરીને વર્તાવે છે. જ્ઞાનીસંજ્ઞાએ ચલાય
13