________________
૧૧૦
આપ્તવાણી-૪
છે; પોતાનો સ્વાભાવિક ધર્મ છે, એમાં તો નિરંતર પરમાનંદ જ છે. સાચો ધર્મ તો ‘જ્ઞાની પુરુષ' આત્મા આપી દે ત્યારથી જ એની મેળે ચાલ્યા કરે અને વ્યવહાર ધર્મ તો આપણે કરવો પડે, શીખવો પડે.
સર્વ સમાધાને - સુખ જ !
(૧૩) વ્યવહારધર્મ : સ્વાભાવિકધર્મ
સુખ પામવા - ધર્મ ક્યો ?
પ્રશ્નકર્તા : ધર્મ શું છે ? ધર્મ કોણે કરવાનો ? ધર્મ પાળવાનો અર્થ
શો ?
દાદાશ્રી : આ બધા ધર્મો ચાલે છે એ વ્યવહારિક ધર્મો છે, વ્યવહારિક એટલે વ્યવહાર ચલાવવા માટે. વૈષ્ણવ ધર્મ, જૈન ધર્મ, શૈવ ધર્મ વગેરે બધા વ્યવહાર ધર્મ છે.
હવે આ રોડ ઉપર વાહનોનો વ્યવહાર હોય છે કે નથી હોતો ? એમનો શું ધર્મ છે કે અથડાશો તો તમે મરી જશો. અથડાવામાં જોખમ છે માટે કોઇની જોડે અથડાશો નહીં, કોઇને દુ:ખ કે ત્રાસ ના આપશો, એવું વાહન ધર્મેય કહે છે. એવું આ વ્યવહાર ધર્મેય કહે છે કે કોઇને ત્રાસ ના આપવો. તમારે સુખ જોઇતું હોય તો બીજાને સુખ આપજો. એ જ માણસ તમને સુખ ના આપે તો બીજાં માણસોય સુખ આપશે તમને. અને જો દુઃખ આપશો તો ગમે તે માણસ તમને દુઃખ આપશે જ, આનું નામ વ્યવહારિક ધર્મ કહેવાય.
જયારે સાચો ધર્મ તો પોતાની વસ્તુનો સ્વભાવ છે. એ આત્મધર્મ
પ્રશ્નકર્તા : ધર્મમાં ને વ્યવહારમાં બધે જ લાગુ પડે ને સુખ રહે એવી ચીજ કઈ ?
દાદાશ્રી : અમારી પાસે સ્વરૂપનું જ્ઞાન લઇ જાય તો તેને બધું સુખવાળું જ થાય. અને જેના અંતરાય હોય ને જ્ઞાન ના લેવું હોય તો એ અમને બધું પૂછી લે ને સમજી લે કે “આ સંસાર કેવી રીતે ચાલે છે, આ બધું શું છે.’ તોય એને સુખ રહે.
સમાધાન રહે એ જ ધર્મ છે. કંઇક અંશે સમાધાન ને કંઇક અંશે અસમાધાન રહે એ “રીલેટિવ’ ધર્મ છે, એ પહેલું પગથિયું છે. પછી ‘રીયલ' ધર્મમાં આવે, જેમાં દરેક સંજોગોમાં સમાધાન રહેવું જોઇએ. સમાધાન હોય તો જ શાંતિ રહેને ?
જીવ માત્ર શું ખોળે છે ? આનંદ ખોળે છે, પણ ઘડીવાર આનંદ મળતો નથી. લગ્નમાં જાય કે નાટકમાં જાય, પણ વળી પાછું દુ:ખ આવે છે. જે સુખ પછી દુઃખ આવે એને સુખ કહેવાય જ કેમ ? એ તો મૂછનો આનંદ કહેવાય. સુખ તો “પરમેનન્ટ’ હોય. આ તો “ ‘ટેમ્પરરી’ સુખ છે ને પાછું કલ્પિત છે, માનેલું છે. દરેક આત્મા શું ખોળે છે ? કાયમનું સુખ, શાશ્વત સુખ ખોળે છે. તે ‘આમાંથી આવશે, આમાંથી આવશે. આ લઉં. આમ કરું, બંગલો બંધાવું તો સુખ આવશે, ગાડી લઉં તો સુખ આવશે.' એમ કર્યા કરે છે. પણ કશું આવતું નથી. ઊલટો વધારે ને વધારે જંજાળોમાં ગૂંચાય છે. સુખ પોતાની મહીં જ છે. આત્મામાં જ છે. એટલે આત્મા પ્રાપ્ત કરે તો સુખ પ્રાપ્ત થાય.
રાત્રે સાડા દસ વાગે ઊંઘી ગયા ને કોઈને બસો રૂપિયા ધીર્યા હોય ને વિચાર આવે કે “આજે એની મુદત ગઇ, એનું શું થશે ?” પછી ઊંઘ