Book Title: Agam 09 Ang 09 Anuttaropapatik Sutra Sthanakvasi
Author(s): Sanmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
પૂર્વ પ્રકાશકના બે બોલા
(પહેલી આવૃત્તિ)
અનંત તીર્થકર સહ પ્રભુ મહાવીરના અનંત જ્ઞાનની અમૂલ્ય નિધિ છે આપણા આગમગ્રંથો. જેના માધ્યમથી જ જિનશાસન જયવંતું રહ્યું છે, રહે છે અને રહેશે. તેને જીવંત રાખવા અને જન જનનાં મન સુધી પહોંચાડવા તે પ્રત્યેક જૈન નામ ધરાવતી વ્યક્તિની પવિત્ર ફરજ છે. આ પવિત્ર ફરજને જ ધર્મ સમજીને જે તેનું આચરણ કરે છે અને પોતાનાં તન-મન અને ધનને તે કાર્યમાં સમર્પિત કરે છે, તેનું મનુષ્ય જીવન સફળ થાય છે. એટલું જ નહીં પરંતુ તે સાધક જિનશાસનની પ્રભાવનાનો અમૂલ્ય લાભ પ્રાપ્ત કરે છે.
આવો જ અપૂર્વ લાભ પ્રાપ્ત કરવા આપણા ગુજરાતી સમાજને માટે આગમોના મૂળ પાઠ તથા સરળ ગુજરાતી અનુવાદવિવેચન સહિત પ્રકાશન કરવા માટે પૂ. મુક્ત લીલમ પરિવારને એકચિંતનધારા જૂનાગઢની પુણ્યભૂમિ પર સ્પર્શી અને જેને રાજાણા નગરી રાજકોટમાં રોયલપાર્ક ઉપાશ્રયમાં સાકાર સ્વરૂપ મળ્યું.
આપણા સૌના પરમ ઉપકારી ગોંડલ ગચ્છાધિપતિ, નિદ્રા વિજેતા, એકાવતારી, યુગપુરુષ પૂ. શ્રી ડુંગરસિંહજી મ. સા.ની પાટ પરંપરાએ પૂ. શ્રી જય-માણેકના લાડીલા શિષ્યરત્ન સૌરાષ્ટ્ર કેસરી પૂ. શ્રી પ્રાણલાલજી મ. સા.ની જન્મ શતાબ્દી નિમિત્તે આ વિરાટ આયોજન કર્યું. પૂ. મહાસતીજીઓએ પોતાની ચિંતનધારાને પૂજ્ય ગુરુવર્યોની સમક્ષ પ્રગટ કરી. સહુના હર્ષોલ્લાસ અને આશીર્વાદ સાથે સ્વીકૃતિના સમાચાર પ્રાપ્ત થયા. રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘની નિશ્રામાં અમે તુરંત સમિતિ રચવાની જાહેરાત કરી.
રાજકોટ પ્રાણ પરિવારના સામૂહિક ચાતુર્માસ દરમ્યાન જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે વિ. સં. ૨૦૫૩ સન્ ૧૯૯૭ માં "પૂ. પ્રાણગુરુ શતાબ્દી પ્રકાશન સમિતિ રાજકોટ"ની સ્થાપના થઈ. ત્યાર પછી તપસમ્રાટ શ્રી રતિલાલજી મ. સા., ગુજરાત કેસરી પૂ. શ્રી ગિરીશચંદ્રજી મ. સા. ઠા. પાંચ તથા પ્રાણ પરિવારના ૭૩ સાધ્વીજીઓના પાવન સાંનિધ્યમાં જન્મ શતાબ્દીના પ્રથમ ચરણની તપ-જપ, સાધના સાથે ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી.
શ્રી ગુરુ પ્રાણ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ૩ર આગમો અને પ્રાણગુરુ સ્મૃતિ ગ્રંથનું પ્રકાશન કરવાનું નિશ્ચિત થયું. આગમોનું લેખન કાર્ય પ્રાણ પરિવારના સતીવૃંદે સહર્ષ સ્વીકારી લીધું. આ રીતે સર્વ સમવાયનો સુયોગ થતાં કાર્યનો પ્રારંભ વેગવંત થયો અને બત્રીસ આગમો ક્રમશઃ ગુજરાતી ભાષામાં અનુવાદિત થયા.
18