Book Title: Agam 09 Ang 09 Anuttaropapatik Sutra Sthanakvasi
Author(s): Sanmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૮૦ |
શ્રી અનુત્તરોવવાઈ સૂત્ર
હતા; ચૌદ પૂર્વધર હતા; મતિ, શ્રુત, અવધિ અને મન:પર્યવ, આ ચાર જ્ઞાનના ધારક હતા. તેઓ સર્વાક્ષર સન્નિપાતિ લબ્ધિના ધારક હતા. તેઓ ભગવાન મહાવીરની પાસે ઉક્કડુ(ઉત્કટ) આસનથી મસ્તક ઝુકાવીને બેસતા હતા, ધ્યાન મુદ્રામાં સ્થિર રહીને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતાં વિચરતા હતા.
ગણધર ગૌતમના જીવનની એક વિશિષ્ટ ઘટનાનો ઉલ્લેખ ઉપાસકદશાંગ સૂત્રમાં આ પ્રમાણે છે- આનંદ શ્રાવકે જ્યારે પોતાને અમુક મર્યાદા સુધીના અવધિજ્ઞાન પ્રાપ્તિની વાત તેઓને કરી, ત્યારે તેમણે કહ્યું– આટલી મર્યાદા સુધીનું અવધિજ્ઞાન શ્રાવકને ન હોઈ શકે. ત્યારે આનંદે કહ્યું– મને આટલું સ્પષ્ટ દેખાય છે, અતઃ મારું કથન સદ્ભૂત છે. આ સાંભળી ગણધર ગૌતમ શંકિત થઈ ગયા અને પોતાની શંકાનું નિવારણ કરવા માટે ભગવાનની પાસે પહોંચ્યા, ભગવાને આનંદ શ્રાવકની વાતને સત્ય કહી અને આનંદ શ્રાવકની ક્ષમાપના કરવા માટે કહ્યું. ગૌતમ સ્વામીએ આનંદ શ્રાવકની પાસે જઈ ક્ષમાયાચના કરી.
વિપાક સૂત્રમાં મૃગાપુત્ર રાજકુમારનું જીવન વર્ણિત છે. તે ભયંકર રોગગ્રસ્ત હતો. તેના શરીરમાંથી અસહ્ય દુર્ગધ આવતી હતી, જેથી એને તલઘરમાં (ભોંયરામાં) રખાતો હતો. એકવાર ગણધર ગૌતમ મૃગાપુત્રને જોવા ગયા. તેની બીભત્સ રુષ્ણ અવસ્થા જોઈને ચાર જ્ઞાનના ધારક, ચતુર્દશપૂર્વી અને દ્વાદશાંગ વાણીના પ્રવાહક ગણધર ગૌતમે કહ્યું– મેં નરક તો જોઈ નથી, પરંતુ આ જ નરક છે અર્થાત્ આ વ્યક્તિનું દુઃખ નરક જેવું જ દેખાય છે.
- વિપાકસૂત્ર ગૌતમના સંબંધમાં એક બીજી ઘટના પ્રચલિત છે– ગણધર ગૌતમ દ્વારા પ્રતિબોધિત શિષ્યોને કેવળજ્ઞાન થઈ જતું હતું. પરંતુ ગૌતમને થતું ન હતું. એકદા ગૌતમ ખિન્ન થઈ ગયા હતા, ત્યારે ભગવાને કહ્યું – ગૌતમ ! મારા શરીર ત્યાગના પશ્ચાતુ હું અને તું સમાન થઈ જઈશું, તું અધીર ન બન. આ રીતે ભગવાનના કહેવા પર ગૌતમ સ્વામી સંતુષ્ટ થયા.
-ભગવતી સૂત્ર | ઈન્દ્રભૂતિ ગૌતમ સત્યના મહાન શોધક હતા. પોતાનું બધું જ ભૂલીને તેઓ ભગવાનના ચરણોમાં જ સર્વતોભાવથી સમર્પિત થઈ ગયા હતા. ૨. ગણધર સુધમસ્વામી - ભગવાન મહાવીરના પાંચમા ગણધર હતા અને જંબુસ્વામીના ગુરુ હતા. તેનો પૂર્વ પરિચય આ પ્રકારે છે–તે કોલ્લાક સન્નિવેશના રહેવાસી અગ્નિ વૈશ્યાયન ગોત્રીય બ્રાહ્મણ હતા. તેના પિતાનું નામ ધમ્મિલ તથા માતાનું નામ ભદિલા હતું. તે વેદોના પ્રખર જ્ઞાતા અને અનેક વિદ્યામાં પારંગત હતા, પાંચસો શિષ્યોના પૂજનીય, વંદનીય અને આદરણીય ગુરુ હતા. જન્માંતર સાદેશ્યવાદમાં તેની