Book Title: Agam 09 Ang 09 Anuttaropapatik Sutra Sthanakvasi
Author(s): Sanmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| ધન્યકુમાર,
[ ૪૧ ]
एवं सव्वत्थ णवरं उयर-भायण-कण्ण-जीहा-उट्ठा एएसिं अट्ठी ण भण्णइ, चम्म-छिरत्ताए पण्णायइ त्ति भण्णइ ।
ભાવાર્થ : ધન્ય અણગારના નાકનું તપોજન્ય રૂ૫, લાવણ્ય આ પ્રકારનું થઈ ગયું હતું જેમ કેરીની સુકાયેલી ચીર, આમ્રાતક –આમળાંની સુકાયેલી ચીર, માતુલિંગ–બીજોરાની સુકાયેલી ચીર હોય, આ કોમળ ચીરને તડકામાં સુકવવાથી જે પ્રકારે તે સૂકાઈ જાય છે, સંકોચાઈ જાય છે તેમ યાવતુ ધન્ય અણગારનું નાક પણ માંસ અને રક્તથી રહિત થઈ સુકાઈ ગયું હતું.
ધન્ય અણગારની આંખોનું તપોજન્ય રૂપ, લાવણ્ય આ પ્રકારે થઈ ગયું હતું જેમ વીણાનું છિદ્ર, બંસરીનું છિદ્ર તથા પ્રભાતિક તારકા અર્થાત્ પ્રભાતકાલના તેજ રહિત તારા હોય. તેમ યાવત્ ધન્ય અણગારની આંખો પણ માંસ અને રક્તથી રહિત થઈ ઊંડી ઉતરી ગઈ હતી. (તે પ્રકાશન, તેજહીન થઈ ગઈ હતી અર્થાત્ આંખોમાં કીકી માત્ર ટમટમતી દેખાતી હતી.).
ધન્ય અણગારના કાનનું તપોજન્ય રૂપ, લાવણ્ય આ પ્રકારનું થઈ ગયું હતું- જેમ મૂળાની, કાકડી (ચીભડા)ની કારેલાની ઉતારેલી લાંબી-પાતળી છાલ હોય, તેમ યાવતુ ધન્ય અણગારના કાન પણ માંસ અને લોહીથી રહિત થઈ ગયા હતા.
ધન્ય અણગારના મસ્તકનું તપોજન્ય રૂ૫, લાવણ્ય આ પ્રકારનું થઈ ગયું હતું જેમ સુકાયેલાં ટૂંબડા, સુકાયેલાં બટાટા, સુકાયેલા તરબૂચ, આ કોમળ ફળોને કાપીને તડકામાં સૂકવવાથી જેમ સુકાઈ જાય છે, કરમાઈ જાય છે. તેવી જ રીતે ધન્ય અણગારનું મસ્તક પણ સુકાઈ ગયું હતું, રૂક્ષ થઈ ગયું હતું, નિર્માસ થઈ ગયું હતું. તેમાં હાડકાં, ચામડી અને નસો જ શેષ દેખાતા પરંતુ માંસ અને લોહી તેમાં દેખાતાં ન હતા.
ધન્ય અણગારના તપઃપૂત શરીરનું સમસ્ત અંગોનું આ સામાન્ય વર્ણન છે. વિશેષતા એ છે કે પેટ, કાન, જીભ અને હોઠ; આ અવયવોમાં હાડકાંઓનું કથન ન કરવું જોઈએ. કેવળ ચામડી અને શિરાઓ જ જોવાતી હતી એમ કથન કરવું જોઈએ.
વિવેચન :
આ સૂત્રમાં ધન્ય અણગારનાં પૂર્વોક્ત અંગોની સમાન જ ઉપમા અલંકારથી નાક, કાન, આંખ અને મસ્તકનું વર્ણન કરવામાં આવ્યું છે, અર્થ મૂળ પાઠથી જ સ્પષ્ટ છે. આ સૂત્રોમાં અનેક પ્રકારનાં કંદ, મૂળ, ફળ, અને સીંગ સાથે ધન્ય અણગારનાં અવયવોની તુલના કરી છે.
આ પ્રકારે સૂત્રકારે ધન્ય અણગારના પગથી લઈ મસ્તક સુધીના સર્વ અંગોનું વર્ણન કર્યું છે તેમાં ઘણો પાઠ એક સરખો છે, વિશેષતા ફક્ત એટલી જ છે કે પેટ, જીભ, કાન અને હોઠોની સાથે હાડકાં શબ્દનો અન્વય કરવો ન જોઈએ, કારણ કે તેમાં હાડકાં હોતાં નથી.