________________
અધ્યાત્મ પંથની યાત્રા
૩૦
બીજું પદઃ “આત્મા નિત્ય છે. ઘટપટાદિ પદાર્થો અમુક કાળવર્તી છે. આત્મા ત્રિકાળવર્તી છે. ઘટપટાદિ સંયોગે કરી પદાર્થ છે. આત્મા સ્વભાવે કરીને પદાર્થ છે; સમ્યકરૂપે પરિણમી ‘આત્મા છે” એવા પ્રથમ પદનો અત્યંત દૃઢ અને અબાધિત નિર્ણય કરે છે.
બીજું પદ : “આત્મા નિત્ય છે : વસ્ત્ર, ઘડો વગેરે પદાર્થો અમુક સમયે, અમુક વ્યક્તિ દ્વારા, અમુક અન્ય પદાર્થોના સંયોજન આદિથી બને છે. આત્માને કોઈ વ્યક્તિ કોઈ અન્ય પદાર્થોના સંયોજન દ્વારા બનાવતી હોય એમ જણાતું નથી, એટલે કે આત્મા સંયોગી પદાર્થ નથી પણ સ્વાભાવિક પદાર્થ છે. કોઈ અન્ય વસ્તુના મિશ્રણ વગેરેથી ન બનેલો એવો આ આત્મા, તેથી, કેવી રીતે નાશ પામે ? અને નાશ પામે તો કઈ વસ્તુમાં ભળી જાય ? આમ, કોઈ વસ્તુ કે વ્યક્તિથી નહિ ઉપજેલો એવો આ “આત્મા’ નામનો પદાર્થ સ્વભાવસિદ્ધ, અનાદિ-અનંત અને સાહજિક છે એમ ઠરે છે.
આ ઉપરાંત બીજી પણ કેટલીક હકીકતોનો સૂક્ષ્મ વિચાર કરવાથી આત્માના નિત્યપણાનું અનુમાન થઈ શકે છે. (૧) એક જ કુટુંબમાં જન્મેલા, એક જ કેળવણીને પામેલા, બે બાળકોના વ્યક્તિત્વમાં ખૂબ જ જુદાપણું દેખાય છે, જે પૂર્વકર્મની સત્તા સાબિત કરે છે. પૂર્વજન્મ સાબિત થતાં આત્માનું નિત્યત્વ સ્વયં પુરવાર થઈ જાય છે. (૨) ઉંદર-બિલાડી, મોર-સાપ વગેરે જન્મજાત વૈર પૂર્વસંસ્કાર સૂચવે છે. (૩) સર્પ વગેરે પ્રાણીઓમાં ક્રોધાદિ વિશેષ પ્રમાણમાં દેખાય છે. યથા
ક્રોધાદિ તરતમ્યતા સર્પાદિકની માંય
પૂર્વજન્મ સંસ્કાર તે, જીવનિત્યતા ત્યાંય." (૪) કેટલાક સંત-મહાત્માઓને કે અન્ય વ્યક્તિઓને પોતાના પૂર્વભવોનું સ્પષ્ટ જ્ઞાન થાય છે, જેને જાતિસ્મરણજ્ઞાન કહેવામાં આવે છે. ૧. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર ગાથા-૯૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org