________________
એ સરદારે જવાબ વાળ્યો : ચૌર્યકળા નહિ, ધર્મકળા બોલો ! નિમકહલાલ-વૃત્તિ જાળવવાનું મહત્ત્વ મારે મન વધુ હતું. તેથી જ અહીંની કમાણી અહીં જ મૂકીને હું ચાલ્યો ગયો.
શ્રીદેવીની જિજ્ઞાસા સંતોષવા એ સરદારે આખી વાત વિસ્તારથી કહી બતાવી. શ્રીદેવીના આનંદનો પાર ન રહ્યો. એણે કહ્યું : મને તમારી બહેન ગણજો.
હવે સરદાર જાતને છુપાવી ન શક્યો. એણે કહ્યું : વનરાજ ચાવડો ગુર્જર રાષ્ટ્રનો રાજા બનવાનો છે, એવા સમાચાર મળે, ત્યારે ઓ મારાં બહેન શ્રીદેવી ! તમે નિઃસંકોચ રાજ્યાભિષેક મહોત્સવમાં ચાલ્યાં આવજો. બહેન તરીકેનું રાજતિલક આ ભાઈ તમારી પાસે જ કરાવશે.
શ્રીદેવીના આશ્ચર્યનો પાર ન રહ્યો. એ બોલી ઊઠી : શું મને ભાઈ તરીકે સંબોધનાર તમે પોતે જ વનરાજ ચાવડા છો ? તમારો આ વનવાસ-ગુપ્તવાસ ક્યારે પૂર્ણ થશે ? વનરાજે બધી વાત વિસ્તારથી કરી. ત્યારે ગુર્જર રાષ્ટ્રનો પાયો પૂરવા બનતી આર્થિક મદદ કરીને એ ભાઈને બહેને આંસુભીની વિદાય આપી.
–૦ – આઠમી સદીનો પ્રારંભ થયો, આંગળીના વેઢે ગણાય, એટલાં એનાં વર્ષો હજી વીત્યાં નહોતાં, ત્યાં તો અણહિલ્લપુર પાટણની સ્થાપનાના અને એના પર વનરાજ ચાવડાના રાજ્યાભિષેક થવાના સમાચાર ફેલાતાં ગુર્જર રાષ્ટ્રની પ્રજામાં જાણે કોઈ નવો જ પ્રાણ પુરાયો, અને મુહૂર્તની એ વેળા આવી પહોંચતાં, વનરાજનો અણહિલ્લપુર પાટણના રાજ્ય-સિંહાસન પર અભિષેક થયો, ત્યારે રાજતિલક કરવા કાકર ગામની એ શ્રીદેવી હાજર હતી અને એ ચાંપો વાણિયો પણ આ મહોત્સવમાં સામેલ હતો. વનરાજ ચાવડાએ ચાંપા વાણિયાને મંત્રી મુદ્રાથી મંડિત કર્યો.
૨૦ ૯ આબુ તીર્થોદ્ધારક