________________
દેખાય, ત્યાં ખોદાવજે, એથી જે પ્રત્યક્ષ પુરાવાઓ તને અપેક્ષિત છે, એ પ્રાપ્ત થઈ જશે. વત્સ ! તીર્થોદ્ધારના આ એક મહાન કાર્યનું નિર્માણ તારા લલાટે લખાયેલું છે. માટે જ્યારે પણ જરૂર પડે, ત્યારે મને અવશ્ય યાદ કરજે.'
વિમલે ઊભા થઈને અંબિકાદેવીના ચરણમાં મસ્તક નમાવ્યું, એના અંતરનો એકતારો જાણે ગાજી રહ્યો હતો : મા ! તારા જેવી સમર્થ શક્તિની છાયામાં કિલ્લોલવાનું ભાગ્ય જે પુત્રને મળ્યું હોય, એના મનોરથો, ગમે તેવા મોટા હોય, તોય એને સફળતા મળ્યા વિના રહે ખરી ?
દંડનાયક વિમલના આનંદનો પાર ન રહ્યો. તીર્ણોદ્ધારના પહેલા જ પગલે ઊભી થયેલી અઘરી અગ્નિપરીક્ષામાં ઉત્તીર્ણ થયાનો સંતોષ અનુભવતા એઓ મુદત મુજબ બરાબર ચોથે દિવસે આબુની એ ગિરિટોચ પર પહોંચ્યા, જ્યાં બ્રાહ્મણ પૂજારીઓ વિમલની રાહ જોઈ રહ્યા હતા. આ વચગાળામાં બ્રાહ્મણ પૂજારીઓએ સમય આવે તો પોતાનું સંખ્યા-બળ બતાવીને પણ વિમલને ડારી શકાય, એ માટે આસપાસના બ્રાહ્મણો-હિન્દુઓને હાજર રહેવા કહેણ મોકલ્યાં હતાં અને એને માન આપીને લગભગ ૧૧ હજાર જેટલા બ્રાહ્મણો એકઠા થયા હતા.
દંડનાયક વિમલ તો સાહસની મૂર્તિ હતા. જેઓ હજારો લડવૈયાઓની સામે ઊભા રહેવામાં થડકારો પણ નહોતા અનુભવતા, હજારો બ્રાહ્મણોનું ટોળું એમને શી રીતે સ્તબ્ધ કરી શકે ? સૌ મંત્રણા કરવા બેઠા. બ્રાહ્મણોની પાસે તો પેલો એક જ પ્રબળ મુદ્દો હતો. એ એમણે જો૨શોર સાથે રજૂ કર્યો. જવાબમાં દંડનાયક વિમલે કહ્યું : મેં જણાવ્યું હતું કે, આબુનો અમારાં શાસ્ત્રોમાં જૈન તીર્થ તરીકે ઉલ્લેખ મળી જ આવે છે, એથી પ્રત્યક્ષ પ્રતીતિ મળવી અશક્ય ન ગણાય. ચાલો, આ આબુના જૈન તીર્થ તરીકેના યશસ્વી ઇતિહાસની પ્રતીતિ કરાવી જતા પુરાવાઓનું પ્રત્યક્ષ દર્શન કરાવું !
મંત્રીશ્વર વિમલ
૨૩૯