________________
બીજા દિવસની સવારે જે સૂર્ય ઊગ્યો, એ જાણે આબુની એ ધરતી પર એવા સંદેશ લઈને આવ્યો હતો કે, જેના શ્રવણે સંપૂર્ણ શિલ્પીસંઘ આનંદમાં તરબોળ બનીને નાચી ઊઠ્યો. કલ્યાણની કેડી હવે નિષ્ફટક બની ગઈ હતી, હવે ભયના કોઈ ભણકારા સાંભળવા મળે, એવી શક્યતા જણાતી નહોતી. સેંકડો શિલ્પીઓનાં કંકણાં અનેરો ઉત્સાહ સાથે આરસને અનોખાં ઘાટ-ઘડામણ આપી રહ્યાં. ટાંકણાઓના ધ્વનિમાંથી તાલબદ્ધ જે સંગીત રેલાતું હતું, એને ઝડપવાની જે ઉત્સુકતા આબુનાં શિખરો, ગુફાઓ તેમજ કોતરો દાખવતાં હતાં, એને જોવા દિવસભર લોકોનું ટોળું જામેલું રહેવા માંડ્યું.
દિવસો, પખવાડિયાંઓ ને મહિનાઓ જેમ જેમ વીતવા માંડ્યા, એમ એમ પાષાણમાં જ્યાં પ્રાણ પુરાઈ રહ્યા હતા, એ આરસની નગરી, આબુની એ ગિરિભોમ પર દિવસે ન વિસ્તરે એટલી રાતે અને રાતે ન વિસ્તરે એટલી દિવસે વિસ્તાર પામવા માંડી !
આબુની એ ગિરિભોમ પર ખરેખર પાષાણમાં પ્રાણ પુરાઈ રહ્યા હતા ! એથી એ તીર્થોદ્ધારની વિક્રમ સર્જક વિગતો સાથે દંડનાયક વિમલની ઉદારતા અને ઉત્સાહિતતાની વાતો ગુજરાતભરમાં તો ફેલાય અને ખૂબ જ દિલચસ્પી સાથે ચર્ચાય, એમાં કંઈ નવાઈ પામવા જેવું નહોતું ! પણ આ બધી વાતો ગુજરાતના વિરાટ સીમાડા વીંધીને બીજા બીજા દેશોમાં પણ ચર્ચાય, એને તો જરૂર નવાઈની વાત ગણી શકાય !
આબુ અને જૈન તીર્થ ! આ સમીકરણ જ ઘણાને નવું લાગતું હતું. પણ જ્યારે આ સમીકરણના સર્જક તરીકે દંડનાયક વિમલનું નામ સાંભળવા મળતું, ત્યારે સૌ બોલી ઊઠતા કે, આબુને જૈન તીર્થ તરીકેની કીર્તિ ન મળે તો કોને મળે ? આમ, આબુના તીર્થોદ્ધારની અને એના સર્જક દંડનાયક વિમલની કીર્તિગાથાઓનો ફેલાવો ધીમે ધીમે વિસ્તરતો જ ગયો, વિસ્તરતો જ ગયો !
ગુજરાતના સીમાડાઓ વીંધી-વીંધીને દૂર-સુદૂરના પ્રદેશોમાં પણ આબુના તીર્થોદ્ધાર અને તીર્થોદ્ધારકની કીર્તિનાં ગાન એક દહાડો
૨૪૦ ° આબુ તીર્થોદ્ધારક