________________
ગુંજવા લાગ્યાં. અનેક રાજાઓની કીર્તિની કમાનો જેમની જબાનના ટેકે ટકતી હતી, એ ભાટ-ચારણોના સાંભળવામાં આવ્યું કે,
‘ભાઈ ! દેશોમાં ગરવો દેશ તો એક ગુજરાત છે ! જ્યાં દંડનાયક વિમલ જેવા નરરત્નો પાકે છે. શું ઉદારતા કે શું વીરતા ! શું રૂપ કે શું લાવણ્ય ! શું સંપત્તિ કે શું સદાચાર-નિષ્ઠા ! આ બધામાં વિમલની તોલે આવે, એવો એક પણ માણસ મળવો મુશ્કેલ છે. આ વિમલે જૈનમંદિરોથી મંડિત બનાવીને આબુને તીર્થની સમૃદ્ધિ આપવાનું એક એવું ભીષ્મ-કાર્ય આરંભ્યું છે કે, એની ભીષ્મતા આગળ નેવાનાં પાણી મોભે ચડાવવાં એ તો સાવ સરળ ગણાય !'
ભાટ-ચારણો પણ અંદર અંદર આ વાત ચર્ચવા માંડ્યા : અરે ! આ તો સાવ ટાઢા પહોરનાં ગપ્પાં ! નેવાનાં પાણી મોભે ચડાવવા કરતાંય એ તીર્થોદ્વાર જો સાચેસાચ વધુ ભીષ્મ હોય, તો વિમલને એમાં ફતેહ મળે જ નહિ, અને જો એ ફતેહ મેળવશે, તો એ કાર્ય ભીષ્મ ગણાશે નહિ ! જેને ભાટાઈ કરવાની ટેવ પડી ગઈ હોય, એ ભલે આવી વાતને સાવ સાચી માનીને ગાયા કરે, પણ સાચો સરસ્વતી-પુત્ર તો ચકાસણી કર્યા વિના ગમે તેવા ચમરબંધીની કીર્તિની કમાનને પણ પોતાની જબાનનો ટેકો ન આપે ! માટે ચાલો, આપણે બધા ગુજરાતના પ્રવાસે ઊપડીએ !
કોઈએ કહ્યું : ગુજરાત કંઈ બહુ દૂર ન ગણાય ! મન હોય તો છેક માળવે પહોંચાય અને ચાર ચાર ગાઉ કાપતા તો ગમે તેવો પણ લાંબો પથ કપાય ! માટે હાલો, ભેરુઓ ! હાલો. ગુજરાત જોઈ આવીએ અને વિમલની કીર્તિનું પારખુંય કરી આવીએ !
એ યુગમાં ભાટ-ચારણો સરસ્વતી-પુત્ર તરીકેનું સન્માનનીય પદ ભોગવતા હતા, એઓ જ્યાં જતા, ત્યાં આદરમાન પામતા ને ‘વિદ્વાન્ સર્વત્ર પૂજ્યતે” ની આ ઉક્તિ સાચી પડતી. ખાવા પીવાની તો એમને કોઈ ચિંતા જ ન કરવી પડતી. ગામડે-ગામડે એમને આવકારનારો વર્ગ મળી રહેતો, એ વર્ગમાં શેઠ-શાહુકારોથી માંડીને
મંત્રીશ્વર વિમલ
૨૬૧