________________
બધા ચારણોના મોંમાંથી એકસામટો સિસકારો નીકળી ગયો : અરે ! અક્કરમીનાં પડિયાં તો કાણાં જ હોય ! આપણે એક જ દિવસ મોડા પડ્યા અને દંડનાયકના દર્શનથી વંચિત રહી ગયા. આ તો તળાવે આવીને તરસ્યા ને તરસ્યા પાછા ફરવા જેવો ઘાટ ઘડાયો. હીરો ઘોઘે જઈ આવ્યો, આમ કહીને આપણો સૌ ઉપહાસ કરશે, શું કરીશું હવે !
ચારણો વિચારમગ્ન બન્યા, ત્યાં તો દ્વારપાળે કહ્યું : અમારા દંડનાયક આબુ ઉપર ગયા છે, પણ ઘર અહીં મૂકીને ગયા છે હોં ! એમનાં ધર્મપત્ની શ્રીદેવી અહીં હાજર છે, પછી આમ વિમાસણમાં પડવાની શી જરૂર છે ? આપ સૌ મહેલમાં પધારો. એમનાં દર્શન કરો, એમના હાથનું પીરસેલું જમો, પ્રવાસનો થાક ઉતારો, આ ચંદ્રાવતીને ફરી-ફરીને જુઓ. એટલામાં દંડનાયક વિમલ આવી જશે. હવે બે ત્રણ દહાડામાં શું મોડું થઈ જવાનું હતું ! પ્રવાસે નીકળ્યા પછી આવા બે ચાર દહાડાનો હિસાબ ગણાય ખરો !
ચારણોને થયું કે, પતિ ઉદાર હોય ને પત્ની કંજૂસ હોય, આવાં કજોડાં ઘણાં જોવા મળે છે શું આ મહેલમાં સરખેસરખી જુગલ-જોડી જામી હશે ? જેથી આ દ્વારપાળ આમ આપણને આમંત્રણ આપતો હશે ? ચારણ વાચસ્પતિએ કહ્યું ઃ દરવાન ! તમારી વાત કાઢી નાખવા જેવી તો નથી ! પણ પારકે ઘરે આમ કંઈ પગ પહોળા કરાય ખરા ! અમે ઓછા નથી, પાંચસોની અમારી પંગત છે. બે-ત્રણ દિ' ચંદ્રાવતીમાં ક્યાંય ખેંચી કાઢીશું. આટલી મોટી નગરી છે, તો અહીં સત્રશાળા-પાંથશાળા તો હશે જ ને ?
દ્વારપાળે કહ્યું : અમારા શ્રીદેવીના રસોડે પાંચસોની તો શી ગણતરી ! અહીં તો હજારોનાં જ લેખાં-જોખાં છે. આ મહેલમાં બધું જ છે. આપ સૌ એક વાર અંદર તો પધારો. પછી આપ બધું ભૂલી જશો. માતાનું વાત્સલ્ય, બહેનનો પ્રેમ, જે જોઈએ એ બધું આપને શ્રીદેવી પાસેથી મળી રહેશે.
૨૬૪
આબુ તીર્થોદ્ધારક