________________
વિરાટ કાર્યો પૂર્ણ કરવાનાં હતાં, દંડનાયક વિમલની ઉંમર જોકે ઘણી મોટી નહોતી, પણ આબુનાં ગિરિશિખરો પર વિરાટ મંદિરોની સૃષ્ટિ ઊભી કરવી, એ નેવાનાં પાણી મોભે ચડાવવા કરતાંય વધુ કષ્ટસાધ્ય અને વધુ કાળ-સાધ્ય કાર્ય હતું. એથી આ નિર્માણકાર્યની ફલશ્રુતિ અત્યારથી ભાખવી અશક્ય હતી. એથી દંડનાયક વિમલે એકી સાથે અનેકવિધ કાર્યની ધુરા હાથમાં લઈને ચંદ્રાવતીને ધમધમતું કરી મૂક્યું : એક તરફ સુવર્ણથી ભરેલી પોઠોની પોઠો આબુ તરફ રવાના થવા માંડી, બીજી તરફ આબુના તીર્થોદ્ધારમાં જોડાઈને પોતપોતાની કલા-કારીગરીના કસબને મુક્ત હાથે વેરવા કાજેના મહામૂલા અવસરને વધાવી લેવાની વિનંતી વ્યક્ત કરતાં, દંડનાયક વિમલનાં આમંત્રણો ગામોગામના શિલ્પી-સ્થપતિઓના ઘરે પહોંચવા માંડ્યાં, અને થોડા વખતમાં તો આબુ ઉપર વસેલા દેલવાડા ગામની નજીકનો એ વિરાટ પર્વતીય પ્રદેશ પ્રવૃત્તિઓ અને પુરુષોથી ધમધમી ઊઠ્યો.
શિલ્પીઓના સંઘોને જેમ જેમ એ આમંત્રણ મળતું ગયું, એમ એમ એમનો અવિરત પ્રવાહ આબુ ભણી આવતો રહ્યો અને એથી ઠેર ઠેર આબુનો તીર્થોદ્ધાર વિના જાહેરાત પ્રસિદ્ધિ પામવા માંડ્યો.
આબુના એ ગિરિશિખર પર ચોરસ સોનામહોરો પાડવાનું પ્રારંભાયેલું ધમધોકાર કાર્ય પૂર્ણ થવા આવ્યું અને એક દિ' દંડનાયક વિમલે મંદિરો બાંધવા માટે જરૂરી ભૂમિ પર એ સોનામહોરો પાથરવાનું શરૂ કર્યું. એ સોનામહોરો તો પથરાતી જ ગઈ! બ્રાહ્મણોના આશ્ચર્યનો પાર નહોતો, એમને થતું હતું કે, દંડનાયક વિમલ એવું કેવું જિનાલય કરવા ધારે છે કે, આટલી જમીન એમને ઓછી જણાય છે અને હજી વધારે ને વધારે જમીન એઓ સુવર્ણથી આચ્છાદિત કરતા જ જાય છે ! શું આપણને જેમાં સુવર્ણનું દર્શન થાય છે, એમાં આ દંડનાયકને લોઢું જ દેખાતું હશે ? જેથી કાંકરાની જેમ એઓ સુવર્ણમુદ્રાઓને છૂટા હાથે ફેંકી રહ્યા છે.
૨૪૮ આબુ તીર્થોદ્ધારક