________________
ચણતર રૂપે એ પોતાના પુત્રોને અવારનવાર રાજ્યમાં ખેલાતી રહેતી ખૂનરેજી અને છળકપટની બાજીની વાતો સંભળાવ્યા કરતી, આ વાતની પુષ્ટિ માટે વનરાજ ચાવડાથી અત્યાર સુધીનો ઇતિહાસ તો ખૂબ ખૂબ વિસ્તારથી કહી સંભળાવીને, શ્રેષ્ઠી નીનાથી અત્યાર સુધીના પોતાના પૂર્વજોના મંત્રી-જીવનની રોમાંચક ઘટનાઓ એ ખૂબ જ રસભેર રજૂ કરતી.
આમ, વીરમતિ પોતાના પતિદેવની ભાવિ વાણીને સાચી પાડવા નેઢ અને વિમળને બરાબર કેળવી રહી હતી, ત્યારે દામોદર મહેતા આ બે ભાઈઓની વધતી કીર્તિથી ચિંતિત બનીને, એવી કોઈ યોજના વિચારી રહ્યા હતા કે, જેથી મંત્રીપુત્ર નેઢ અને વિમલને પોતાની મેળે જ પાટણનો પરિત્યાગ કરી જવા વિવશ બનવું પડે ! શું ઈર્ષાનું આ ગ્રહણ મા-દીકરાને નડશે ખરું? શું ઈર્ષાના એ ઈંધણને ભક્ષ્યની પ્રાપ્તિ થશે ખરી ?
૬૨ ૬
આબુ તીર્થોદ્ધારક