________________
૩૫૮
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
દાવાનળ અડધા બળેલા લાકડાની સાથે બીજા લાકડાની સાથે જોડાઈને બંનેને ભસ્મ કરી નાંખે છે, તેમ ક્ષેપક પણ તીવ્ર શુભ પરિણામથી નહિ ખપાવેલ અન્ય અંશ અન્યમાં નાંખીને તેને પણ ખપાવે છે. તે પછી સમ્ય-મિથ્યાત્વ (મિશ્ર) ખપાવીને સમ્યકત્વ મોહનીયનો ક્ષય કરે છે. અહીં જો કોઈ પૂર્વબદ્ધ આયુ હોય તો તે શ્રેણિના અંગીકાર પછી અનંતાનુબંધીનો ક્ષય કરીને અટકે છે. ત્યારબાદ ક્યારેક મિથ્યાત્વના ઉદયથી ફરી અનંતાનુબંધી ચતુષ્ક બાંધે છે. પણ જેને મિથ્યાત્વનો ક્ષય કર્યો હોય તેને અનંતાનુબંધીનો બંધ ન થાય. કારણ કે, તેના બંધ માટેનો હેતુ મિથ્યાત્વ છે. એ અનંતાનુબંધી કષાયનો ક્ષય કરી પડ્યા વગર શુભપરિણામથી જો મૃત્યુ પામે તો તે દેવલોકમાં જ ઉત્પન્ન થાય. દર્શન સપ્તકનો ક્ષય કરીને મૃત્યુ પામે તો પણ એ જ રીતે સમજવું. પણ જો પતિત પરિણામી થઈને મરે તો ગમે તે ગતિમાં જાય. એના માટે કોઈ જ નિયમ નથી. જો બદ્ધાયુ આ શ્રેણિ પામે તો સમસ્ત દર્શન સપ્તક ક્ષય કરીને અવશ્ય અટકે. અને જે ગતિનું આયુષ્ય બાંધ્યું હોય ત્યાં ઉત્પન્ન થાય. પરંતુ આયુષ્યનો બંધ કર્યા વિના જો શ્રેણિ આરંભે તો અવશ્ય પૂરી કરે. તેનો ક્રમ આ રીતે જણાવેલો છે. સમ્યકત્વ મોહનીય ખપાવતા તેના બચેલા અંશની સાથે સાથે જ અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણરૂપ આઠ કષાયને સાથે જ ખપાવવા માંડે, એ પ્રકૃતિઓ અડધી ક્ષય થાય ત્યાં નરકાનુપૂર્વી-તિર્યંચાનુપૂર્વી-નરકગતિ-તિર્યંચગતિ-એકેન્દ્રિય-બેઈન્દ્રિય-તેઈન્દ્રિયચૌરિન્દ્રિય જાતિ - આતપનામ - ઉદ્યોત નામ – સ્થાવર નામ – સાધારણ નામ – સૂક્ષ્મનામનિદ્રા-નિદ્રા – પ્રચલાપ્રચલા-થીણદ્ધિ આ સોળે પ્રકૃતિઓનો ક્ષય થાય. ત્યારબાદ એ આઠે કષાયના બાકી રહેલા અંશ ક્ષય થાય. ત્યાર પછી અનુક્રમે નપુંસક વેદ-સ્ત્રીવેદ અને પુરૂષવેદનો ક્ષય કરે, તેમાં પુરૂષવેદના ત્રણ ભાગ કરી બે ભાગ એક સાથે ખપાવે અને ત્રીજો ભાગ સંજવલન ક્રોધમાં નાંખે પુરૂષવેદવાળા શ્રેણિ આરંભકનો આ ક્રમ છે. પરંતુ નપુંસક કે સ્ત્રીવેદવાળા આરંભક હોય, તો તેમને જે વેદનો ઉદય હોય તેનો ક્ષય પછીથી થાય અને બાકીના બે અનુદીતમાંથી જે હીન વેદ હોય તેને પહેલાં અને બીજાનો પછીથી ક્ષય કરે. ઉપશમ શ્રેણિની જેમ અહીં પણ સમજવું. પછી સંજવલન ક્રોધાદિ ચાર દરેકને અંતર્મુહૂર્તમાં ખપાવે. આ ચારેનો ક્ષય કરતાં પુરૂષવેદની જેમ દરેકના ત્રણ ભાગ કરી બે ભાગ ખપાવી ત્રીજો ભાગ આગળની પ્રકૃતિમાં નાંખીને ખપાવે. એટલે કે ક્રોધનો ત્રીજો ભાગ માનમાં નાંખીને, માનનો માયામાં, અને માયાનો લોભમાં નાંખીને ખપાવે. આ દરેકનો ક્ષયનો કાળ અંતર્મુહૂર્ત જાણવું. તે પછી લોભના ત્રીજા અંશના સંખ્યાતા અંશો કરીને દરેકને જુદા જુદા કાળે ખપાવે, એમાંનાં છેલ્લા અંશના અસંખ્યાત ભાગ કરે, તે પણ જુદા-જુદા સમયે ખપાવે, અહીં તે ક્ષીણદર્શન સપ્તકવાળો નિવૃત્તિ બાદર કહેવાય. લોભનો અસંખ્યાતા અંશો ખપાવતાં
૧. હરિભદ્રસૂરિની ટીકામાં સોળના બદલે સત્તર પ્રકૃતિનો ક્ષય કહ્યો છે. અપર્યાપ્ત વધારે કહી છે.