________________
૧૪ | સાહિત્ય અને પત્રકારત્વ છે ત્યારે તે જાણે કે શબ્દને કહેતો હોય છે કે, “મારી પાસે સમય નથી.” ટૂંકાં વાક્યોમાં, ટૂંકા ફકરામાં પત્રકાર માહિતી અને ટિપ્પણ રજૂ કરવા માગે છે. પત્રકાર માટે ભાષા કેવળ સાધન છે. પત્રકાર ભાષાનો ઉપયોગ કરે પણ ભાષામાં ડૂબી ન જાય. એને તો ભાષાની પવનપાવડીએ ચડી સમાચારો દેશના એક છેડેથી બીજા છેડા સુધી ફેલાવી દેવા છે. સારી ભાષા પત્રકાર લખે, પણ એ એક આડપેદાશ છે. એનું મુખ્ય કામ તો અત્યંત લાઘવપૂર્વક સમાચારો આપવાનું અને સમજાવવાનું છે. પત્રકાર ભાષાભક્તિ કરવા જાય તો બાવાનાં બેય બગડે. અલંકારિત ભાષા પત્રકાર લખે તો એનું વર્તમાનપત્ર કથળી જાય. પત્રકારમાં ભાષા પ્રત્યે સભાનતા છે પણ એ સભાનતા બનાવની અસરકારક રજૂઆત માટે વપરાય છે.
સાહિત્યકાર માટે ભાષા સાધન અને સાધ્ય બને છે. સાહિત્યકાર ભાષાનો ઉપયોગ કોઈ ઘટનાની વાત કરવા માટે નહીં પણ જીવનની ઝાંય સમજાવવા માટે કરતો હોય છે. આથી સારા સાહિત્યકારનું ચિત્ત તાજા શબ્દોની ટંકશાળ જેવું હોય છે. ઘણી વાર શબ્દ તો એનો એ હોય પણ એ શબ્દને કોઈ સારો સર્જક જે રીતે વાપરે તેથી એની અર્થછાયા બદલાઈ જાય છે. સાહિત્યકાર ભાષાનો અર્થથી ભિન્ન એવો પણ ઉપયોગ કરે છે. શબ્દનું લાવણ્ય, શબ્દનો ધ્વનિ અને શબ્દનો લય સાહિત્યકાર સતત વિકસાવે છે. સાહિત્યકાર માટે ભાષાના સૌંદર્યનું નિર્માણ એ પોતે એક હેતુ બની જાય છે. પત્રકારત્વ માટે આ કળાપ્રવૃત્તિ અડચણકર્તા છે પણ સાહિત્યકાર માટે એ ઉપકારક છે.
સાહિત્ય અને પત્રકારત્વ વચ્ચે જેટલી ભિન્નતા છે તેટલી સમાનતા પણ છે. બંનેનો પાયો ભાષા છે એટલે ભાષા પ્રત્યે સભાનતા પત્રકારમાં પણ હોય છે. સૌથી આકર્ષક સમાનતા એ છે કે બંને શબ્દની શોધ કરે છે. હેતુ જુદા છે પણ યોગ્ય શબ્દ માટે બંને મથે છે. શબ્દની શોધ જ્યારે પત્રકાર કરે છે ત્યારે પણ ભાષાની ક્ષમતા વધે છે. * આધુનિક સમયમાં આ શબ્દની શોધની પ્રવૃત્તિમાં સાહિત્યકાર અને પત્રકાર નજીક આવ્યા છે. આનું કારણ કદાચ એ છે કે બંને બોલચાલના શબ્દો શોધતા હોય છે. બોલચાલની ભાષા સાહિત્યિક ભાષા કરતાં વધારે અકૃત્રિમ છે એટલા માટે કદાચ સાહિત્યકાર એમના ભણી નજર કરતો હશે. સાહિત્યકારને અર્થની જ નહીં પણ વાણીની પ્રમાણિકતા પણ જોઈએ છે. વળી બોલચ ની ભાષા વહેતા પાણી જેવી છે.