________________
સાહિત્ય અને પત્રકારત્વ [ ૧૩ હવે સવાલ એ થાય છે કે સાહિત્યના મૂળ સમી કલ્પના શું છે ? કલ્પનામાં લાગણી અને તર્ક બંનેનું મિશ્રણ છે કે કોનું ઓછું પ્રમાણ કે કોનું વધુ પ્રમાણ એ કહી ન શકાય. લાગણી અને તર્કની સપ્રમાણતા સાહિત્યવિવેક છે. જ્યારે તર્કનો અતિરેક થાય ત્યારે સાહિત્ય મટી શાસ્ત્ર થાય અને લાગણીનો અતિરેક થાય ત્યારે સાહિત્ય મટીને અતિરંજન થાય.
સાહિત્યકાર અને જરૂરી વસ્તુ - અનિવાર્ય ચીજ કલ્પના, સાહિત્યવિવેક અને આગવો દૃષ્ટિકોણ છે. સાહિત્યકાર માટે મહત્ત્વ કથાનું નહીં પણ દૃષ્ટિકોણનું છે. શેક્સપિયરે ઐતિહાસિક અને કાલિદાસે પૌરાણિક કથાઓ લઈને એ કથાઓને પોતાના દૃષ્ટિકોણથી એવી રીતે બદલી કે માનવજાતને અમર નાટકો મળ્યાં. સાહિત્યમાં પ્રાણપ્રશ્ન લેખકનો દૃષ્ટિકોણ છે. એવો સવાલ ઊભો થાય કે લેખકનો દૃષ્ટિકોણ શું પદાર્થ છે ? મને લાગે છે કે લેખકનો દૃષ્ટિકોણ એટલે લેખકની જીવનસમજણ. લેખક કઈ રીતે જીવનનું અર્થઘટન કરે છે અને કઈ રીતે જીવનના અંધારા ખૂણામાં પ્રકાશ ફેંકે છે એ પરથી એનો દૃષ્ટિકોણ નક્કી થાય છે.
જીવનના અર્થઘટનની વાત કરું છું ત્યારે મનમાં એવો સવાલ ઊભો થાય છે કે કોણ જીવનનું અર્થઘટન મૌલિક રીતે કરી શકે ? મને એમ લાગે છે કે જીવનનું અર્થઘટન એ આખરે તો લેખક માટે પોતાની જાતનું અર્થઘટન છે. અંગત અનુભવની સચ્ચાઈ સારા સાહિત્યનો માપદંડ છે, આથી જે સૂક્ષ્મતાથી પોતાની જાતને જાણે અને સર્જકતાથી છતી કરે એ લેખક સાહિત્યપદાર્થ પામે. મોંતેઇનના નિબંધો, ગાંધીજીની આત્મકથા, કબીરની કવિતા અને દોસ્તોવસ્કીનું “ક્રાઇમ ઍન્ડ પનિશમેન્ટ” આ દૃષ્ટિએ જોવાથી આ મુદ્દો વધુ સ્પષ્ટ થશે.
પત્રકારત્વ પણ જીવનનું અર્થઘટન કરે છે, પણ એ અર્થઘટન સીમિત છે. પત્રકારત્વનું અર્થઘટન ચોક્કસ સ્થળ અને ચોક્કસ કાળ પૂરતું મર્યાદિત હોય છે. એણે તો શું બન્યું, કેવી રીતે બન્યું અને એ બનાવની પાછળ કયાં બળો કામ કરતાં હતાં એટલાથી જ સંતોષ માનવો પડે છે. પત્રકારત્વ પ્રત્યાઘાત આપે છે એ મોટા ભાગે સમાજના પ્રતિનિધિઓના અને તંત્રીના. સાહિત્યના પ્રત્યાઘાત અંગત હોય છે. સામાન્ય રીતે, પત્રકારત્વના પ્રત્યાઘાત સામાજિક હોય છે.
સાહિત્ય અને પત્રકારત્વ વચ્ચેના ભેદની વાત કરીએ છીએ ત્યારે એ બંને ભાષાનો ઉપયોગ કરે છે તેમાં શો ફેર છે એ જોઈએ. પત્રકાર ભાષાનો ઉપયોગ કરે