________________
૧૨ D સાહિત્ય અને પત્રકારત્વ
છે. સાહિત્યની અભિવ્યક્તિ અને આકૃતિની કળા જેટલી ઊંચી તેટલી એ સાહિત્યકૃતિની સ્થળ-કાળ સામે વિજયક્ષમતા. કવિ ભવભૂતિએ જ્યારે પગ લાંબા કરીને નિરાંતે કહ્યું : “જાતો હ્યયં નિરવધિઃ વિપુના 7 પૃથ્વી” ત્યારે તેણે પોતાનો સાહિત્યિક આત્મવિશ્વાસ વ્યક્ત કરતાં કરતાં સાહિત્યના એક પ્રધાન લક્ષણનું વર્ણન પણ કર્યું હતું.
પત્રકારત્વ એટલે એવું લખાણ કે જે સમાચાર આપે, સમાચાર સમજાવે અને સમાચારની સમીક્ષા કરે. આ લખાણના વિચારો ઉપરછલ્લા હોય છે. એનો ઝોક લોકપ્રિયતા ભણી હોય છે અને એની રચના ઉતાવળમાં કરી હોય છે. આથી જ આજનું છાપું આવતી કાલે પસ્તી બની જાય છે. જ્યારે સાહિત્યકૃતિ દસકાઓની અવગણના પછી પણ ક્યારેક ફરી માથું ઊંચકે છે અને તાજા ગુલાબ જેવી લાગે છે. પણ અહીં કહેવું જોઈએ કે કેટલુંક પત્રકારત્વ કળાકૃતિની કોટિએ પહોંચે છે.
સાહિત્ય અને પત્રકારત્વની મેં જે વ્યાખ્યાઓ આપી એ શુદ્ધ વ્યાખ્યાઓ છે. હકીકત જરા જુદી પણ હોય. સાહિત્ય અને પત્રકારત્વ વચ્ચે એટલી આવ-જા હોય છે કે બન્ને સીમાડા સતત સ૨કતા સીમાડા છે. આથી સાહિત્ય અને પત્રકારત્વ વિષે આપણે જે ચર્ચા કરી એમાં એક વાત સતત યાદ રાખવી પડશે : આ બંને વ્યવસાયોનું માધ્યમ શબ્દ છે.
૩
સાહિત્ય અને પત્રકારત્વનું માધ્યમ સમાન છે, પણ બંનેનાં ધ્યેય જુદાં છે. પત્રકારત્વ બનાવોની આજુબાજુ ફરે છે. બનાવ પત્રકારત્વનો પ્રાણ છે. નક્કર સમાચાર માટે પત્રકાર મથામણ કરતો હોય છે. એની ટિપ્પણો એટલે કે તંત્રીલેખોનો પાયો પણ નક્કર સમાચાર છે.
સાહિત્યનું લક્ષ્ય સમાચાર નહીં પણ માનવનું ચિત્ત છે. સ્થૂળ બનાવ સાહિત્યનો કાચો માલ છે. પત્રકારત્વના પ્રાણ સમા નક્કર સમાચાર પણ સાહિત્યને માટે તો ફક્ત ખીંટી જ છે. આ ખીંટી ઉપર સાહિત્ય એની પોતાની દુનિયા એવી રીતે ટીંગાડે છે કે ખીંટી અદૃશ્ય થઈ જાય છે અને સાહિત્યસર્જન પ્રગટ થાય છે. સાહિત્યનો આધાર કલ્પના છે, પત્રકારત્વનો આધાર હકીકત છે. નવલકથા કે નવલિકા માટે કથાનક (પ્લૉટ) હોવું સાવ જરૂરી નથી. આ આધુનિક પ્રયોગશીલ વાર્તાકારો પૂરતું મર્યાદિત નથી. શ્રી રામનારાયણ પાઠકની નવલિકા “જક્ષણી” તમે ફરી વાંચશો તો હું શું કહેવા માગું છું એ સ્પષ્ટ થશે. “જક્ષણી’’માં કથાનક નથી છતાં તમને સારી વાર્તા અને સારી સાહિત્યકૃતિ મળે છે.