Book Title: Prernani Pavan Murti Sadhvi Mrugavatishreeji Author(s): Kumarpal Desai, Malti Shah Publisher: B L Institute of Indology View full book textPage 7
________________ પ્રેરણાની પાવનમૂર્તિ સંયમ સાધનાના પથ પર સરોવર અને તેમાં આવેલી એક વાવ આજે સરધારમાં જીર્ણ અવસ્થામાં જોવામાં આવે છે. સરધાર ગામની માટીમાં છેક એ સમયથી નારીની નિર્ભયતાની મહેક પ્રસરેલી છે. મુસ્લિમ સમયે બાકરખાન નામના ૭00 ગામનું રાજ ધરાવતા જુલમી બાદશાહને સરધાર નજીક નેસડામાં રહેતાં ચારણબાઈ આઈ જીવણીએ પડકાર ફેંક્યો હતો. નિર્દોષ પ્રજા પર થતા અમાનુષી અત્યાચારો જોઈને ચારણબાઈ આઈ જીવણીએ સિંહણનું સ્વરૂપ ધારણ કર્યું હતું. એની ગર્જનાએ જુલમી બાદશાહને ધ્રુજાવી મૂક્યો હતો અને એણે એ બાદશાહનો સંહાર કરીને સરધારની પ્રજાને પાશવી ત્રાસમાંથી મુક્તિ અપાવી હતી. એની કથાની સાબિતી આજેય મળે છે. સરધારની દક્ષિણે ગઢની રાંગ પાસે આવેલું હિમોઈ માતાનું મંદિર આની સાક્ષી પૂરે છે અને તેની બાજુમાં જ જુલમી બાદશાહ બાકરખાનની કબર આવેલ છે. એ સમયે સરધારમાં વિશાળ સંખ્યામાં જૈન સમાજની વસ્તી હતી. જૈન ઓસવાળ જ્ઞાતિના અનેક ભાઈઓ અહીં વસતા હતા. દોશી, વોરા, ગાંધી, કોઠારી અને સંઘવી જેવી અટક ધરાવતા જૈનોનાં ૧૫૦ જેટલાં ઘર હતાં. એક સમયે જામનગરથી ઓસવાળ જ્ઞાતિની જાન આવી હતી. એમાં જામનગરના વીસા ઓસવાળ શાહ લીલાધર કલ્યાણજી તથા અજરામર હરજીભાઈ વોરાનો પરિવાર સરધારમાં લગ્નમાં મહાલવા આવ્યો હતો. લગ્નમાં મહાલતા આ પરિવારના મોવડી શાહ લીલાધર કલ્યાણજી અને અજરામર હરજીભાઈ વોરાના મનમાં એક નવી ભાવના જાગી. આ ગામમાં ભલે સાંસારિક પ્રસંગે આવ્યા હોઈએ, પણ કોઈ ધાર્મિક કાર્ય કરવાનો સંકલ્પ લેવો છે. એમણે સરધારમાં એક ભવ્ય દેરાસર બનાવવાનો સંકલ્પ કર્યો. લગ્નપ્રસંગ વાજતેગાજતે પૂર્ણ થયો, પણ એ સંકલ્પ સતત શાહ લીલાધર કલ્યાણજી અને અજરામરભાઈના મનમાં પ્રબળ થતો ગયો. માત્ર એક વરસમાં તો એમણે પાંચ પ્રતિમાજીઓ ધરાવતું ભવ્ય જિનાલય ખડું કરી દીધું. એમાં મૂળનાયક તરીકે ભગવાન શ્રી ઋષભદેવ તથા આજુ બાજુ માં શ્રી પાર્શ્વનાથ ભગવાન, શ્રી કુંથુનાથ ભગવાન, શ્રી શાંતિનાથ ભગવાન તથા શ્રી અજિતનાથ ભગવાનને બિરાજમાન કર્યા. રંગમંડપમાં ગૌમુખા યક્ષદેવજી તથા ચક્રેશ્વરી માતાને બિરાજમાન કર્યાં. વળી ગર્ભગૃહમાં પીઠિકા નીચે શ્રી શાસનદેવી આજે પણ દૃષ્ટિગોચર થાય છે. આ ઉત્કૃષ્ટ જિનાલયની પૂર્વ બાજુએ ધર્મશાળા બંધાવી અને પછી ધર્મભાવનાએ શીખવેલા સમર્પણને પરિણામે એ સઘળું સર્જીને શ્રીસંઘને અર્પણ કરી દીધું. વિ.સં. ૧૯૭૩માં એક ઉપાશ્રય બંધાવીને રાજ કોટના શ્રીમતી સંતોકબાઈ હેમચંદ ધારશીએ શ્રીસંઘને અર્પણ કર્યો. વિ. સં. ૧૯૩૭ના ફાગણ સુદિ સાતમ ને સોમવારે આ જિનાલયની પ્રતિષ્ઠા થઈ અને વિ. સં. ૧૯૮૨ની ચૈત્ર સુદિ સપ્તમીએ (ઈ. સ. ૧૯૨૬, ચોથી એપ્રિલ) સરધારમાં ડુંગરશીભાઈને ત્યાં શિવકુંવરબહેનની કુખે ભાનુમતીનો જન્મ થયો. સરધારની મંદિરોવાળી શેરીમાં આજે પણ આ નિવાસસ્થાન દૃષ્ટિગોચર થાય છે. એ સમયે મહત્તરા મૃગાવતીશ્રીજીનાં દાદા અને દાદી સરધારથી ૭ કિમી. દૂર રાજકોટ જતા માર્ગ ઉપર આવેલા રાજ સમઢીયાળા ગામમાં વસતાં હતાં. એ સમયે આ ગામનું નામ સમઢીયાળા હતું અને ત્યાં ફક્ત એક જ જૈનનું સંઘવી કુટુંબ રહેતું હતું, આથી સમય જતાં પૂજ્યશ્રી મૃગાવતીજીના વડવાઓ સરધારમાં રહેવા આવ્યા. એ સમયે સરધારમાં કેટલાંય જૈન કુટુંબો વસતાં હતાં. વળી આ ગામમાં નિશાળ, ઉપાશ્રય, જિનાલય હોવાથી જ્ઞાનની ઉપાસના થઈ શકે તે હેતુથી ડુંગરશીભાઈ સમઢીયાળાથી સરધાર વસવા આવ્યા. આવા સરધારની ભૂમિ પર વસતા ડુંગરશીભાઈ સંઘવીને ત્યાં કન્યારત્ન ભાનુમતી(મહત્તરા પૂ. મૃગાવતીજીનું સંસારી નામ)નો જન્મ મૂળ નક્ષત્રમાં થયેલો હતો અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર મૂળ નક્ષત્રમાં જન્મેલું બાળક ભવિષ્યમાં પોતાના ગુણો અને પુરુષાર્થથી પ્રગતિ સાધે છે અને પ્રસિદ્ધ બને છે. ચોપાસ ધર્મમય વાતાવરણ હતું. સાધુ-સાધ્વીઓનો ઉમદા લાભ સાંપડતો હતો. વ્રતો અને પર્વોની ઉમંગભેર ઉજવણી થતી હતી. સંતોષી, સુખી અને ધર્મપરાયણ ગ્રામજનોની વચ્ચે આનંદ પ્રવર્તતો હતો.Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 161