Book Title: Pap Punya Author(s): Dada Bhagwan Publisher: Dada Bhagwan Foundation View full book textPage 4
________________ સંપાદકીય આપણા ભારતમાં તો પુણ્ય-પાપની સમજ તો પા-પા પગલી માંડતો થાય ત્યાંથી જ આપવામાં આવે છે. નાનું બાળક જીવડાં મારતું હોય તો માતા ફટાક કરીને તેના હાથ ઉપર થપ્પડ મારી દે છે ને ક્રોધ કરીને કહે છે ‘ના મરાય, પાપ લાગે !' નાનપણથી બાળકને સાંભળવા મળે છે ખોટું કરીશ તો પાપ લાગશે, આમ ન કરાય. ઘણી વખત માણસને દુઃખ પડે છે ત્યારે રડી ઊઠે છે, કહેશે મારા ક્યા ભવના પાપની સજા ભોગવું છું. સારું બની જાય તો ‘પુણ્યશાળી છે’ કહેશે. આમ પાપ, પુણ્ય શબ્દ આપણા વ્યવહારમાં બોલવામાં સહેજે વપરાયા કરતા હોય છે. ભારતમાં તો શું વિશ્વના તમામ લોકો પુણ્ય-પાપને સ્વીકારે છે અને તેમાંથી કઈ રીતે છૂટવું તેના ઉપાયો બતાડવામાં પણ આવ્યાં છે. પણ પાપ-પુણ્યની યથાર્થ વ્યાખ્યા શી ? યથાર્થ સમજ શી ? પૂર્વભવઆ ભવ ને આવતા ભવ સાથે પાપ-પુણ્યને શો સંબંધ છે, જીવનવ્યવહારમાં પાપ-પુણ્યનાં ફળ કેવી રીતે ભોગવવાં પડતાં હોય છે, પુણ્ય અને પાપના પ્રકારો કેવા છે ? ત્યાંથી માંડીને ઠેઠ મોક્ષ માર્ગમાં પાપ-પુણ્ય કંઈ ઉપયોગી નીવડે છે ? મોક્ષે જવામાં પાપ-પુણ્ય બન્નેની જરુર છે કે બન્નેથી મુક્ત થવું પડશે ? પુણ્ય-પાપની એટલી બધી વાતો સાંભળવા મળે છે કે આમાં સાચું શું ? એ સમાધાન કયાંથી મળે ? પાપ-પુણ્યની યથાર્થ સમજના અભાવે ખૂબ ગૂંચવાડા ઊભા થાય છે. પુણ્ય ને પાપની વ્યાખ્યા ક્યાંય કલીયરકટ ને શોર્ટકટમાં જોવા મળતી નથી. તેથી પુણ્ય પાપ માટે જાતજાતની વ્યાખ્યાઓ સામાન્ય મનુષ્યને મુંઝવે છે, અને અંતે પુણ્ય બાંધવાનું ને પાપથી અટકવાનું તો બનતું જ નથી. પરમ પૂજ્ય દાદાશ્રીએ એ વ્યાખ્યા ખુબ જ સરળ, સીધી અને સુંદર રીતે આપી દીધી છે કે ‘“બીજાને સુખ આપવાથી પુણ્ય બંધાય અને બીજાને દુઃખ આપવાથી પાપ બંધાય.’’ હવે આટલી જ જાગૃતિ આખો દિવસ રાખ્યા કરે તો આખો ય ધર્મ આવી ગયો ને અધર્મ છૂટી ગયો! અને ભૂલેચૂકે કોઈને દુઃખ દેવાઈ જાય તો તેનું તુર્ત જ પ્રતિક્રમણ કરી લો. પ્રતિક્રમણ એટલે જેને દુઃખ પહોંચ્યું વાણીથી, વર્તનથી કે મનથી પણ, તો તુર્ત જ તેની અંદર બિરાજેલા આત્મા, શુદ્ધાત્મા પાસે માફી માંગવી, હૃદયપૂર્વક પસ્તાવો થવો જોઈએ ને ફરી આવું નહીં કરું એવું દ્રઢ નિશ્ચય થવો જોઈએ. આટલું જ બસ. અને તે ય મનમાં, પણ દિલથી કરી લો, તો ય તેનું એક્ઝેક્ટ ફળ મળે છે. પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે, જીવન પુણ્ય અને પાપના ઉદય પ્રમાણે ચાલે છે, બીજો કોઈ ચલાવનારો નથી. પછી ક્યાં કોઈને દોષ કે શિરપાવ દેવાનો રહ્યો ? માટે પાપનો ઉદય હોય તો વધારે ફાંફાં માર્યા વિના શાંત બેસી રહે ને આત્માનું કર. પુણ્ય જો ફળ આપવાને સન્મુખ થવું હોય તો પછી સેંકડો પ્રયત્નો શાને ? અને પુણ્ય જ્યારે ફળ આપવાને સન્મુખ ના થયું હોય તો પછી સેંકડો પ્રયત્નો શાને ? માટે તું ધર્મ કર. પુણ્ય-પાપ અંગેના સામાન્ય પ્રશ્નોથી માંડીને સૂક્ષ્મમાં સૂક્ષ્મ પ્રશ્નોના એટલા જ સરળ ટુંકા ને સચોટ સમાધાનકારી જવાબો અત્રે મળે છે, પરમ પૂજ્ય દાદાશ્રીની આગવી તળપદી શૈલીમાં ! મોક્ષે જવા શું પુણ્યની જરૂર ? જરૂર હોય તો કઈ ને કેવી પુણ્ય જોઈએ ? પુણ્યે તો જોઈએ જ પણ પુણ્યાનુબંધી પુણ્ય જોઈએ. એટલું જ નહીં પણ મોક્ષના આશય સાથે જ પુણ્યે બંધાઈ હોય, જેથી કરીને એ પુણ્યના ફળરૂપે મોક્ષ પ્રાપ્તિના સર્વે સાધનો અને અંતિમ સાધન, આત્મજ્ઞાનીનું મળે ! વળી પુણ્યાનુબંધી પુણ્ય મોક્ષના હેતુ માટે બંધાયેલી હોય તો તેની સાથે (૧) ક્રોધ-માન-માયા-લોભ ઘટેલા હોવા જોઈએ, કષાયો મંદ થવા જોઈએ, (૨) પોતાની પાસે હોય તે બીજાને માટે ભેલાડી દે અને (૩) દરેક ક્રિયામાં બદલાની ઈચ્છા ન રાખે તો જ તે પુણ્યે મોક્ષ માટે કામ લાગે, નહીં તો બીજી પુણ્યે તો ભૌતિક સુખ આપી બરફની જેમ ઓગળી જાય ! આમ પાપ-પુણ્યની યથાર્થ સમજ તો પ્રગટ જ્ઞાની પુરુષ પાસેથી જ સત્સંગ પ્રશ્નોત્તરી દ્વારા થઈ છે, જે પ્રસ્તુત સંકલનમાં રજૂ થાય છે. - ડૉ. નીરુબહેન અમીનPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40