________________
ગુરૂની સ્થાપના કરીને ક્રિયા કરવામાં સતત યાદ રહેવું જોઇએ કે હું ગુરૂને આંખ સામે રાખીને ક્રિયા કરું છું તો જ સામાયિક આદિમાં સાવદ્ય વ્યાપાર કરવાના વિચારો પેદા થશે નહિ. નિરવઘ પ્રવૃત્તિ ચાલુ રહેશે અને એ નિરવદ્ય પ્રવૃત્તિનો આનંદ પેદા થતો જશે.
આત્મિક ગુણોને પેદા કરવાના હેતુથી જીવ ઇન્દ્રિયોનો સંવર કરતો જાય એટલે અવિરતિ-કષાય અને યોગ દ્વારા જે સાવદ્ય પ્રવૃત્તિ કરતો હતો તેનાથી છૂટવા માટે નિવૃત્તિ પ્રાપ્ત કરવા માટે, નિરવદ્ય પ્રવૃત્તિ મન-વચન અને કાયના યોગ દ્વારા એકાગ્રતા પૂર્વક કરવા માટેની શરૂઆત કરતો જાય છે. આ ક્રિયાની શરૂઆત કરતા આત્માના ગુણોનો વિકાસ થતાં થતાં એ ગુણો પેદા થતાં જાય છે આથી સંવરમાં આત્માના બધાય ગુણોનો સમાવેશ થતો જાય છે.
આથી સાવદ્ય પ્રવૃત્તિનો ત્યાગ કરીને નિરવદ્ય પ્રવૃત્તિમાં આગળ વધવાનું છે તો જ સંયમની સ્થિરતા આવે. પંચિદિય સૂત્ર આશ્રવનો ત્યાગ અને સંવરના પાલન માટે છે.
આથી આ પંચિન્દ્રિય સૂત્રને આશ્રવના ત્યાગનો અભ્યાસ અને સંવર એટલે નિરવદ્ય પ્રવૃત્તિના અભ્યાસ માટે કહેલું છે. આથી જે જીવો ગુણાભાસનો ત્યાગ કરીને ગુણ પ્રાપ્તિના હેતુથી નિરવદ્ય પ્રવૃત્તિનું આચરણ કરે છે એમનો નંબર ગુરૂમાં આવે છે એટલે પંચિંદિય સૂત્રમાં નંબર આવે છે કારણ કે ગુણમાં ગુણીનો આરોપ કરેલો છે.
આથી ગુણમાં ગુણીનો આરોપ કરીને ધર્મની જે કોઇ પ્રવૃત્તિઓ કરવાનું વિધાન કહેલું છે તે વીતરાગ પરમાત્મા દેવની સાક્ષીએ અથવા ગુરૂની સાક્ષીએ કરવાનું વિધાન કહેલું છે માટે સામાયિક આદિ ક્રિયા કરતા ગુરૂની સ્થાપના કરવાનું અવશ્ય વિધાન કહેલું છે માટે આ સુત્રને સ્થાપના સુત્ર પણ કહેવાય છે.
આત્મિક ગુણો પેદા કરવાના હેતુથી જે જીવો પાંચે ઇન્દ્રિયોનો સંવર કરે છે એ જીવો જ નવ પ્રકારના બ્રહ્મચર્યના પાલન માટેની વાડનું અખંડપણે પાલન કરી શકે છે. આ રીતે પુરૂષાર્થ કરતાં જીવોને એના પાલનમાં આનંદ વધતો જાય છે એટલે અપ્રશસ્ત ક્રોધ-માન-માયા અને લોભ એ ચારે પ્રકારના કષાયોથી મુક્ત થાય છે અને પ્રશસ્ત ક્રોધ માન-માયા અને લોભ એ ચારે કષાયનો ઉપયોગ એક માત્ર આત્મ કલ્યાણ માટે કરતો જાય છે. આ રીતે પુરૂષાર્થ કરતો કરતો અઢાર ગુણોને પ્રાપ્ત કરીને જીવન જીવતો હોય તો પોતાનું જીવન સંપૂર્ણ પાપ રહિત છે એમ સાક્ષી રૂપે પોતાના આત્માને મનાવવા માટે જેનાથી સંસાર ચાલે છે એ મોટા પાંચ પાપોનો સર્વથા ત્યાગ કરે છે. જે મોટા પાપો પ્રાણાતિપાત-મૃષાવાદ-અદત્તાદાન-મૈથુન અને પરિગ્રહ એ પાંચેનો સર્વથા ત્યાગ એટલે મન, વચન, કાયાથી એ પાપો પોતે કરવા નહિ, બીજા પાસે કરાવવા નહિ અને જે કોઇ કરતા હોય એને સારા માનવા નહિ. આ રીત જીવન જીવવાનું સત્વ પેદા કરી પાંચ મહાવ્રતોનું પાલન કરે છે. એ મહાવ્રતોના પાલનને સારી રીતે કરવા માટે જ્ઞાનાચાર-દર્શનાચાર-ચારિત્રાચાર–તપાચાર-વીર્યાચાર એમ પાંચ આચાર રૂપે પાલન કરે છે. એ પાલનને ટકાવવા, સ્થિર કરવા માટે પાંચ સમિતિનું પાલન અને ત્રણ ગુપ્તિનું પાલન જીવ કરતા જાય છે અને આવા છત્રીશ ગુણોનું પાલન કરવામાં સત્વ પેદા કરતા જાય ત્યારે નિરતિચાર સંયમનું પાલન થાય છે. આવા જીવો જે પાલન કરી જીવતા હોય છે તે મારા ગુરૂ ગણાય છે અને એ ગુરૂની સાક્ષીએ હું મારા આત્માના કલ્યાણ માટે ધર્મની આરાધનાના અનુષ્ઠાન કરું છું એવો ભાવ અંતરમાં સતત રહ્યા કરે એ હેતુથી ગુરૂની સ્થાપના કરવા માટે નવકાર મંત્ર અને આ પંચિદિય સૂત્ર સ્થાપના રૂપે બોલીને ગુરૂની સ્થાપના કરું પછી જ આરાધનાના અનુષ્ઠાનોની શરૂઆત કરું છુ માટે આ સ્થાપના સૂત્ર કહેવાય છે.
Page 12 of 75