________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવના : ૭૭ હું તો ચૈતન્યસ્વરૂપ આત્મા, જાણવાની ક્રિયાનો જ કર્તા છું, શરીર તો જડ છે, તે હાલ-ચાલે છતાં તેનામાં જાણવાની ક્રિયા નથી; જાણવાની ક્રિયા તો મારી જ છે–એમ જાણવાની ક્રિયાસ્વરૂપ પોતાના આત્માને દેહથી ભિન્ન ઓળખે તો દેહાધ્યાસ છૂટી જાય, ને અલ્પકાળે તેને દેહરહિત સિદ્ધપદ પ્રગટે.
આવો મનુષ્ય-અવતાર પામવો અનંતકાળે દુર્લભ છે. આવો મનુષ્ય-અવતાર અને તેમાંય ઉત્તમ સત્સંગ પામીને અરે જીવ! તું વિચાર તો કર કે “હું કોણ છું? કયાંથી થયો ? ને મારું વાસ્તવિક સ્વરૂપ શું છે? કોની સાથે મારે સંબંધ છે?”
“હું કોણ છું? કયાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું ? કોના સંબંધે વળગણા છે? રાખું કે એ પરિહરું? એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યાં; તો સર્વ આત્મિકજ્ઞાનનાં સિદ્ધાંત-તત્ત્વો અનુભવ્યા.”
-આ દેહ તો હમણાં થયો; ખોરાક-પાણીથી તે ઢીંગલું રચાણું હું તે નથી, હું તો આત્મા છું. મારો આત્મા કાંઈ નવો થયો નથી; શરીરનો સંયોગ નવો થયો છે. આ આત્મા પહેલાં (પૂર્વભવે ) બીજા શરીરના સંયોગમાં હતો, ત્યાંથી તે શરીરને છોડીને અહીં આવ્યો,- એ રીતે આત્મા તો ત્રિકાળ ટકનાર તત્ત્વ છે, ને દેહ તો ક્ષણિક સંયોગી છે. મારું સ્વરૂપ તો જ્ઞાનઆનંદસ્વરૂપ છે, શરીર-ઇન્દ્રિયો તે મારું સ્વરૂપ નથી, તે તો જડનું રૂપ છે; તે શરીરાદિ સાથે મારે વાસ્તવિક કાંઈ સંબંધ નથી, તેની સાથેનો સંબંધ તોડીને જ્ઞાનાનંદસ્વરૂપ સાથે જ મારે સંબંધ જોડવા જેવો છે. મારા ચિદાનંદતત્ત્વ સિવાય જગતના કોઈ પદાર્થો સાથે મારે એકતાનો સંબંધ કદી પણ નથી.-આમ સર્વ પ્રકારે વિચાર કરીને, અંતર્મુખ ચિત્તથી જ્ઞાનાનંદસ્વરૂપ પોતાના આત્માનો નિર્ણય કરવો ને દેહાદિકને પોતાથી બાહ્ય-ભિન્ન જાણવા, તે સિદ્ધાંતનો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com