________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૩ : આત્મભાવના ચૈતન્યના અનુભવ તરફ વળવાનો તેનો અભિપ્રાય નથી પણ બીજાને સમજાવવા તરફનો તેનો અભિપ્રાય છે એટલે શાસ્ત્ર ભણતાં કે સાંભળતાં પણ તે પોતાની બહિર્મુખવૃત્તિને જ પોષે છે, અહા, અહીં તો ધર્માત્માની કેવી ઊંચી ભાવના છે! જગતથી ઉદાસ થઈને ચૈતન્યમાં જ સમાઈ જવા માંગે છે.-મારે ને જગતને શું? વળી ચૈતન્યતત્ત્વ પણ એવું ઊંડું ઊંડું ગંભીર છે કે એમ વાણીવડે બીજાને સમજાવી દેવાય-એવું નથી. અને કદાચિત વાણીના નિમિત્તે બીજા જીવો સમજે તો તે વાણી કાંઈ હું નથી, તેમ જ સામો જીવ પણ તે વાણીનું અવલંબન રાખીને સમજ્યો નથી પણ વાણીનું અવલંબન છોડીને સ્વાનુભૂતિ વડે ચૈતન્યની સન્મુખ થયો ત્યારે જ સમજ્યો છે. આ રીતે વાણી અને વિકલ્પ તો વ્યર્થ છે, એમ જાણીને ધર્મજીવ નિજસ્વરૂપમાં જ રહેવા માગે છે. બીજાને સમજાવવાનો વિકલ્પ, કે સામા જીવને સાંભળવાનો વિકલ્પ, તે વિકલ્પો ચૈતન્યસ્વરૂપથી બાહ્ય છે, તે વિકલ્પો વડે ચૈતન્યસ્વરૂપ ગ્રાહ્ય થતું નથી; ચૈતન્યસ્વરૂપ તો સ્વસંવેદનગ્રાહ્ય છે. ભગવાનનો દિવ્યધ્વનિ પણ ત્યારે જ ધર્મનું નિમિત્ત થાય છે કે જ્યારે જીવ અંતર્મુખ થઈને સ્વસંવેદન કરે. આવું સ્વસવેધ તત્ત્વ તે હું બીજાને કઈ રીતે પ્રતિબોધું? બાહ્યચેષ્ટામાં હું શા માટે રોકાઉં? વાણી અને વિકલ્પો તો ચૈતન્યસ્વરૂપમાં પ્રવેશવા માટે વ્યર્થ છે એમ જાણીને ધર્માજીવ નિજસ્વરૂપની ભાવનામાં જ તત્પર રહે છે. આવી અધ્યાત્મભાવના તે પરમ શાંતિની દાતાર છે. (૫૯)
*
*
*
*
*
*
Please inform us of any errors on rajesh@AtmaDharma.com