________________
આપ્તવાણી-૨
આપ્તવાણી-૨
ભગવાને કહ્યું છે કે, જયાં સુધી આર્તધ્યાન ને રૌદ્રધ્યાન હોય ત્યાં સુધી મૂર્તિનાં દર્શન કરજો. કારણ કે ત્યાં સુધી અમૂર્તનાં દર્શન થાય નહીં, અમૂર્ત એવા ભગવાનનું દર્શન, શુદ્ધાત્માનું દર્શન થાય નહીં.
પ્રશ્નકર્તા : આ મૂર્તિ એ તો પથ્થર છે, એનાં દર્શનથી શું મળે ?
દાદાશ્રી : એ પણ બીજા લોકોને કામના છે ને ? એકાંતિક દ્રષ્ટિ નહીં કરવાનું ભગવાને કહેલું. સામુદાયિક દ્રષ્ટિ રાખો. અનેકાંત એટલે નાનું બાળક નાનું ફરે તો તેને કોઇ વઢે નહીં, તેને કોઇ ઠપકો ના આપે અને પચાસ વર્ષનો નાગો ફરતો હોય તો ઠપકો આપે. ત્યારે પચાસ વર્ષનો કહે કે, “મને કેમ ઠપકો આપો છો ને આ નાના છોકરાને કેમ ઠપકો આપતા નથી ?” ત્યારે આપણે તેને કહીએ કે, “અરે ભાઇ, તારી ઉંમર વધારે થયેલી છે. આ નાના છોકરાની ઉંમરના પ્રમાણમાં એનો ધર્મ બરોબર છે અને તારી ઉંમરના પ્રમાણમાં તારો ધર્મ ખોટો છે.” એવી રીતે બધાંને સામુદાયિક રીતે જોવું જરુરી છે. કેટલાક મુસલમાન તો મૂર્તિને નથી માનતા. એ ખાલી ગોખલાને માને છે. હવે એ એમના હિસાબે બરોબર છે. એમના વ્યુ પોઇન્ટથી એ બધા કરેક્ટ છે.
કબીરસાહેબ મુસ્લિમ લત્તામાં મસ્જિદની પાસે જ રહેતા હતા. તે પેલા લોકો બાંગ પોકારે, તે લોકો કાનમાં આંગળી ઘાલીને પોકારે છે કે નહીં ? એને શું કહેવાય ? બાંગ. હવે એ બાંગને માટે કબીરસાહેબ, એ તો બહુ જાગ્રત માણસ, તે કહે, “અલ્લા કુછ બહેરા થોડા હૈ, તો ઇતના જોર જોર સે બોલ બોલ કરતા હૈ ? વહ સબ સૂનતા હૈ, વહ તો યહ કીડી કે પાંવ મેં ઝાંઝર લગા દો તો વહ ભી સૂન લેતા હૈ તો ફીર તુમ કર્યું ઇતના બૂમ લગાતા હૈ ? હમારે કાન મેં બહુત ખરાબ લગતા હૈ.” તે “અમારા ભગવાનની, અમારા ધર્મની ટીકા કરે છે ?” એમ કહીને મુસ્લિમ લોકોએ કબીરસાહેબને ખૂબ માર્યા.
હવે કબીરસાહેબે મને પૂછ્યું હોત કે, “આ તો ખોટું કરે છે ને મને માર્યો.’ તો હું કહું કે, ‘એ કરે છે તે બરોબર છે. ભૂલ તમારી છે. સામાના વ્યુ પોઇન્ટને જાણીને બોલો. સામાનું વ્યુ પોઇન્ટ જાણ્યા સિવાય બોલવું અને બધાંને પોતાની સરખી દ્રષ્ટિએ માપવું એ ભયંકર ગુનો છે. પોતાની
સરખી દ્રષ્ટિએ એટલે મને જેવી દ્રષ્ટિ છે એવી જ આમને હશે એવું માનવું એ બધો ગુનો કહેવાય.” પછી કબીરસાહેબને હું સમજાવું કે, “આ લોકો જેટલું જોરથી બોલશે એટલો મહીં પડદો તૂટશે અને ત્યારે મહીં અલ્લાહ સાંભળશે. એમનું આવડું મોટું જાડું પડ, આવરણ હોય છે, અને તમારું પડે છે તે લૂગડાં જેવું પાતળું છે. એટલે તમે મનમાં વાત કરશો તો ય તેમને પહોંચી જશે અને પેલા લોકોને તો પડ જાડું છે એટલે હોંકારીને જેટલું જોશથી બોલાય એટલે એમણે તો બોલવું. આ બધું એમને માટે બરોબર છે, કરેક્ટ છે. હવે આવી બાંગ ક્રાઇસ્ટના ભક્તો પોકારે તો તેમનું બગડી જાય. એમને તો બિલકુલ શાંતિ જોઇએ. બોલવાનું જ નહીં, શબ્દ જ નહીં. દરેકની ભાષામાં જુદું જુદું છે. એટલે એ એમની ભાષામાં વાત કરતા હોય ને તેને આપણે કહીએ તો કબીરસાહેબ જેવી દશા થાય. જે અનેકાંતને નથી સમજતા તે કબીર સાહેબની જેમ માર ખાય. પોતે પોતાની ભૂલનો માર ખાય છે.
કબીરો બહુ જાગ્રત માણસ થઇ ગયો. ભક્તો ઘણા ખરા થઇ ગયા એમાં પણ કબીરો બહુ બહુ જાગ્રત હતો. એવાં પાંચ, સાત ભક્તો થઇ ગયા છે, કે જે બહુ જાગ્રત હતા, અત્યંત જાગ્રત. એમને માત્ર મોક્ષમાર્ગ મળવાને વાંકે અટકયું હતું. તેમને માર્ગ મળ્યો નહીં. તેમને જો માર્ગ મળ્યો હોત તો કંઈનું કંઈ કામ કાઢી નાખે એવા હતા એ !
તે કબીરાના વખતમાં બ્રાહ્મણો ગામમાં યજ્ઞ કરતા હતા. તેમણે યજ્ઞમાં હોમવા મોટો બકરો લાવીને ઊભો રાખ્યો હતો. કબીરાએ આ જોઇને બ્રાહ્મણોને કહ્યું, ‘તમે આ બકરો કેમ અહીં ઊભો રાખ્યો છે ?” ત્યારે બ્રાહ્મણોએ કબીરાને કહ્યું, ‘તું કેમ અહી આવ્યો છે ? જતો રહે અહીંથી. તારે એનું શું કામ છે ?” ત્યારે કબીરો સમજી ગયો ને બોલ્યો, ‘આ બકરો જીવતો છે, સારો છે. એને શું કરવા તમે યજ્ઞમાં હોમો છો? એને કેટલું બધું દુઃખ થશે ?” ત્યારે બ્રાહ્મણોએ કહ્યું, ‘એને તો યજ્ઞમાં હોમીશું, એટલે એને તો સ્વર્ગ મળશે.’ ત્યારે કબીરો ફટ દઈને બોલ્યો,
આ બકરાને શું કામ સ્વર્ગ કરાવો છો ? એના કરતાં તમારા બાપા ઘરડા થયા છે તેમને યજ્ઞમાં હોમોને કે જેથી તેમને સ્વર્ગ મળે !” હવે આ કેવું આધાશીશી ચઢે એવું વાક્ય કહેવાય ! તે બ્રાહ્મણોએ ખૂબ માર્યો એને,