________________
આપ્તવાણી-૨
તો એ બધું સાંભળીને બાજુ મૂકી દે. પણ એને ‘અમે’ એક જ વાક્ય કહીએ કે ‘ભઇ, તું ગૂંચો ના પાડીશ.' તો પછી એ પૂછે કે ‘ગૂંચો એટલે શું ?” તો એને અમે ફરી સમજ પાડીએ, ‘આ તારા સામેના ખેતરમાં ગલકાં દીઠાં ને મન થાય તો તું તે કાઢી લે. તો એ કોઇનું વગર પૂછયે લઇ લેવું એ ગૂંચ કહેવાય. સમજાયું તને ?’ તો એ તરત જ કહેશે, ‘હા, સમજી ગયો ગૂંચને. હવે એવી ગૂંચ નહીં પાડું, આવી તો મેં બહુ ગૂંચો
પાડી છે.’
૧૫૫
પછી એ એની બૈરીને લઇ આવે તો એને આ ગૂંચની સમજણ પાડું. તેની બૈરી કહે કે, “દાદા, ‘એ’ મારી જોડે ગૂંચો બહુ પાડે છે.” તે પછી તેને ય હું ગૂંચની સમજણ પાડી દઉં. આ પછી જયારે જયારે ગૂંચ પડવાની થાય ત્યારે ત્યારે દાદા અવશ્ય યાદ આવી જ જાય અને ગૂંચો પડે નહીં. ‘અમે’ તો શું કહીએ કે આ ગૂંચો પાડીશ નહીં અને ક્યારેક ગૂંચ પડી જાય તો પ્રતિક્રમણ કરજે, આ તો ગૂંચ શબ્દથી તરત જ સમજણ પડે. આ લોકો ‘સત્ય, દયા, ચોરી નહીં કરો' એ સાંભળીને તો થાકી ગયા
છે.
આ લૌકિક ધર્મ તો ઘડીકમાં જ અમે સમજાવી દઇએ ! પણ અલૌકિક ધર્મ માટે જરા ટાઇમ લાગે.
પ્રશ્નકર્તા : થોડી ગૂંચો પડી ગઇ છે તે ઉકેલાતી નથી તો શું કરૂં?
દાદાશ્રી : વખત ગૂંચવે છે અને વખત ઉકેલે છે, પણ ભૂલ કોની? આપણે આપણી ગૂંચો પાડેલી તે ટાઇમ આવે ત્યારે એની મેળે ગૂંચ ઉકેલાતી જાય. એક પણ ગૂંચ વગરનાની જોડે તમે બેઠા છો, માટે તમારી પણ બધી જ ગૂંચો ઉકલી જાય તેમ છે અને ગૂંચોવાળા માણસ જોડે બેઠા હો તો તમારી ગૂંચ વધારે ગૂંચાઇ જશે. એવો નેચરલ કાયદો છે. ગૂંચો આવે છે એ જે ટાઇમે ગૂંચો નાખી છે એજ ટાઇમે ગૂંચો ઉકેલાશે. આ ગૂંચ ઉકેલવાની સત્તા આપણા હાથમાં નથી. માટે ભગવાને શું કહ્યું કે એવા વખતે તું ધર્મધ્યાન, દેવદર્શન, કંઇક કર. આ વાળ વધી જાય છે ત્યારે કપાવવા માટે કંઇ દોડાદોડ કરવી પડે છે ? ના. કારણ કે સંયોગ ભેગા થઇ જાય છે અને વાળ કપાઇ જાય છે. તેમ આ ગૂંચો ટાઇમ પાકશે એટલે
૧૫૬
આપ્તવાણી-૨
ઉકેલાતી જશે.
ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટસેલ્ફ. ‘પઝલ’ છે, ગૂંચ સમાન થઇ પડયું છે. જો આ ઉકેલો તો કામ થાય !
‘લખ રે ચોરાશીની ભુલભુલામણીના ફેરા મારા કોણ ટાળે ?”
આ લખ ચોરાશીમાંથી નીકળાય શી રીતે ? કોણ કાઢે એમાંથી ?
કૃપાળુ દેવ કહે છે કે જે જીવ ચોર્યાશી લાખના ફેરામાંથી નીકળે તેને તો મોટામાં મોટો મહાન માનું. આ તો તમને છટકવાનો રસ્તો મળ્યો, ‘જ્ઞાની પુરુષ’ મળ્યા. તે એનાથી છટકી જવાશે. ‘જ્ઞાની પુરુષ' તમારી ભૂલ માટે શું કરી શકે ? એ તો માત્ર તમારી ભૂલ બતાવે, પ્રકાશ પાડે. રસ્તો બતાવે કે ભૂલનું ઉપરાણું ના લેશો. પણ પછી જો ભૂલોનું ઉપરાણું લે કે, ‘આપણે તો આ દુનિયામાં રહેવું છે. તે આમ શી રીતે કરાય ?” અલ્યા, આ તો ભૂલને પોષી. ઉપરાણું ના લઇશ. એક તો ભૂલ કરે અને ઉપરથી કલ્પાંત કરે, તો કલ્પના અંત સુધી રહેવું પડશે !
પોતાની સંપૂર્ણ સ્વતંત્રતા-આઝાદી જોઇતી હોય તો પોતાની બધી જ ભૂલો ભાંગી જાય તો મળે. ભુલ તો કયારે જડે કે પોતે કોણ છે એનું ભાન થાય, પરમાત્માનો સાક્ષાત્કાર થાય ત્યારે.
܀܀܀܀܀