Book Title: Aho Ashcharyam Author(s): Ratnasundarsuri Publisher: Ratnasundarsuriji View full book textPage 6
________________ માનવતી સખીઓ સમક્ષ જે કાંઈ બોલી ગઈ છે એના કેન્દ્રમાં જો એનાં રૂપનો ગર્વ છે તો માનતુંગ માનવતીના ગર્વના ચૂરેચૂરા કરવા જે રસ્તો અખત્યાર કરવાનો વિચાર કરી રહ્યો છે એના કેન્દ્રમાં સત્તાનો ગર્વ છે. અને ગર્વનું પોત તો ફુગ્ગાનું છે. ફુગ્ગામાં જેમ જેમ તમે હવા ભરતા જાઓ તેમ તેમ ફુગ્ગો મોટો થતો જતો હોય એવું ભલે દેખાતું હોય પણ હકીકતમાં તો ફુગ્ગો ફૂટી જવાની નજીક જ જઈ રહ્યો હોય છે. બસ, એ જ રીતે ગર્વના નશામાં તમને સફળતાઓ પર સફળતાઓ મળી રહ્યાનું ભલે દેખાતું હોય પણ હકીકતમાં તો એ સફળતાઓ તમારા પતનને અને સ્ખલનને સતત નજીક જ લાવનારી બની રહેતી હોય છે. અસ્તુ. માનવતીનો પીછો પકડીને અંધારામાં તેનું નિવાસ સ્થાન ધ્રુવા જતો રાજા માનતુંગ, ૧૧ માનવતી વગેરે પાંચેય સખીઓ પોતપોતાના આવાસે જવા નીકળી તો ગઈ પણ રાજવી માનતુંગ કંઈક જુદા જ વિચારમાં છે. ‘માનવતી સાથે મારે લગ્ન કરવા છે તો પહેલાં એ તો જાણી લઉં ને કે એ રહે છે ક્યાં ?' બસ, માનતુંગે ત્વરિત નિર્ણય લઈ લીધો અને માનવતીને ખબર ન પડે એ રીતે એનું પગલું પગલું દબાવતો એ એની પાછળ ચાલ્યો. સમય રાત્રિનો છે. ગલીઓમાં અવરજવર ખાસ્સી ઓછી થઈ ગઈ છે. માનવતી ભલે નિર્ભયતાપૂર્વક આગળ ચાલી રહી છે પણ એની પાછળ રહેલ માનતુંગના મનમાં આછો-પાતળો ભય છે. મને કોઈ જોઈ તો નહીં જાય ને ?’‘જોઈ જશે તો ઓળખી તો નહીં જાય ને ?’ પણ, માનતુંગનો એ ભય લાંબા સમય સુધી ન ચાલ્યો. જે મકાનના આંગણામાં દેવદારનું વૃક્ષ અને ચંપકનું વૃક્ષ હતું એ મકાન આગળ આવીને માનવતીના પગ થંભી ગયા. દરવાજાને એણે ટકોરા લગાવ્યા. પળવારમાં દરવાજો ખૂલી ગયો અને માનવતી ધરમાં દાખલ થઈ ગઈ. માનતુંગને ખ્યાલ આવી ગયો કે આ જ ઘરમાં માનવતી રહેતી હશે. આવતી કાલે મંત્રી સુબુદ્ધિને મારે અહીં મોકલવાનો છે. લાવ, એક નિશાની હું પણ છોડતો જાઉં. આમ વિચારી માનતુંગે એ મકાન આગળ પાનની પિચકારી લગાવી. દેવદારચંપકનું વૃક્ષ અને પાનની પિચકારીનો લાલ રંગ, એ જ માનવતીના ધરની નિશાની ! માનતુંગ એ નિશાનીને યાદ રાખીને રાજમહેલમાં આવી તો ગયો, શયન ગૃહમાં જઈને રાજશય્યા પર એણે લંબાવ્યું પણ ખરું પણ એના સ્મૃતિપથમાંથી માનવતીનો આકર્ષક ચહેરો હટવાનું નામ નથી લેતો. માનવતીના પુરુષને નમાવી દેવાના તુચ્છકાર ભર્યા શબ્દો એના કર્ણપટલ પરથી હટવાનું નામ નથી લેતા. ‘ક્યારે હું એને મારી પત્ની બનાવી દઉં ? અને ક્યારે એના ગર્વને ચૂરચૂર કરી નાખું ?' આ વિચારે સૂકી આંખે એ રાજશય્યા પર પડખાં ઘસી રહ્યો છે. કોણ સમજાવે માનતુંગને કે ‘ઇચ્છા બધી માનવતણી, પૂરી કદી થતી નથી; આકાશમાંની રાત્રિઓ, બધી પૂર્ણિમા હોતી નથી.’ ૧૨Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50