Book Title: Aho Ashcharyam
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 17
________________ ગતજન્મોમાં મેં કાં તો અનેક જીવોના અવર્ણવાદ કર્યા હશે કાં તો અનેક જીવોને અસમાધિ આપી હશે. અનેક જીવોની કાં તો વિરાધના કરી હશે કાં તો અનેક જીવોનો એમના સ્વજનોથી વિયોગ કરાવ્યો હશે. કાં તો અનેક જીવો વચ્ચેના સંબંધોમાં મેં ભેદ ઊભો કરાવ્યો હશે અને કાં તો અનેક જીવો પર મેં ખોટાં આળ ચડાવ્યા હશે. એ વિના આવી વિષમ પરિસ્થિતિમાં મારે મુકાવું જ શું કામ પડે ? લગ્નના પ્રથમ જ દિવસે પતિ મને તરછોડી દે ? મને એકાંતવાસમાં ધકેલી દે ? નિર્દોષતાથી બોલાયેલ વચનોને મનમાં સંઘરી રાખીને પતિ ખુદ આવી કડક સજા મારા લમણે ઝીંકી દે ? નક્કી. આ મારા જ પોતાનાં અશુભકર્મોનો ઉદય. કોઈને ય દોષ દીધા વિના શાંતિથી મારે એને ભોગવી જ લેવો રહ્યો. મનને સ્વસ્થ રાખીને નવાં અશુભકર્મોના બંધથી મારા આત્માને બચાવી જ લેવો રહ્યો. માનવતી પાસે તકલીફોની આ વણઝાર વચ્ચે મનની સ્વસ્થતા ટકાવી રાખવાની આ તાકાત આવી ક્યાંથી ? એણે કરેલા તત્ત્વજ્ઞાનના અભ્યાસ પાસેથી. જો ન હોત એની પાસે કર્મબંધ અને કર્મઉદયની આ સમ્યક્ સમજ તો કોઈ શક્યતા નહોતી કે આ વિષમ પરિસ્થિતિ વચ્ચે ય એની સ્વસ્થતા ટકી રહી હોત ! દુઃખદ વાસ્તવિકતા આજના કાળની એ છે કે ‘સુખી કેમ બની શકાય ?’ એની કેળવણી આપતી શૈક્ષણિક સંસ્થાઓનો આ ધરતી પર આજે રાફડો ફાટ્યો છે પણ અગવડો, કષ્ટો કે તકલીફો વચ્ચે ય મનની સ્વસ્થતા કેવી રીતે ટકાવી શકાય ? એ સમજ આપતી એક પણ શાળા કે કૉલેજ ક્યાંય જોવા નથી મળતી. પરિણામ આનું એ આવ્યું છે કે પહેલેથી જ દુઃખો વચ્ચે જીવી રહેલ માણસ પાસે હજી જીવન જીવવાનો ઉત્સાહ જીવંત છે પરંતુ સુખમાંથી જે દુઃખમાં ગયો છે એની પાસે જીવન જીવવાનો ઉત્સાહ પણ નથી તો દુઃખોને જીરવી લેવા જેટલું દૃઢ મનોબળ પણ નથી. માનવતીએ એક બાજુ મનની સ્વસ્થતા ટકાવી રાખી છે તો બીજી બાજુ એણે ધર્મારાધના ય વધારી દીધી છે. કારણ કે ‘બગડે છે કર્મથી તો સુધરે છે ધર્મથી' આ દૃઢ શ્રદ્ધાની એ સ્વામિની છે. ઉભયટંક પ્રતિક્રમણ, સામાયિક, તપશ્ચર્યા અને નમસ્કાર મહામંત્રનો જાપ. આ ચારે ય ધર્મ એણે મજબૂતાઈથી આરાધવાનું શરૂ તો કરી દીધું પણ બીજી બાજુ એનું મન ‘અહીંથી કેમ છૂટી શકાય ?’ એ વિચારણામાં ય વ્યસ્ત રહેવા લાગ્યું. એક દિવસ, મધ્યરાત્રિએ એણે મહેલની બારી ખોલી અને બહાર ઊભેલા વૃદ્ધ પહેરગીરને હાક મારીને બોલાવ્યો. ૩૩ ‘આજ્ઞા કરો’ ‘વચન પાળીશ ?’ ‘હે માતા ! સમજાતું તો મને એ નથી કે રાજાએ આપને આવી કડક સજા શા માટે કરી છે ? અલબત્ત, હું તો સેવક છું એટલે સ્વામીને કોઈ સલાહ તો ન જ આપી શકું પરંતુ આપના તરફથી જો કોઈ સંદેશો એમને પહોંચાડવાનો હોય તો આપ મને કહો. એ સંદેશો હું જરૂર એમને પહોંચાડી આવું.’ એક દંડિયા મહેલમાં પૂરાયેલી માનવતીએ પહેરેગીરને સંદેશો આપ્યો અને પોતાનો સુવર્ણ હાર ભેટમાં આપ્યો. ૩૪

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50