________________
કહે
‘આપની આજ્ઞા હશે તો જ હું રત્નવતીને પરણવા જઈશ. અન્યથા નહીં. હવે આપ બોલો. મારે શું કરવાનું છે ?’
‘રાજન્ ! તું જરાય શોક ન કર. આક્રોશભર્યાં વચનો બોલીને મેં તારી પરીક્ષા કરવા સિવાય બીજું કશું જ કર્યું નથી. તું ખુશીથી રત્નવતીને પરણવા જા. પણ હા. વીણા સહિત હું પણ તારી સાથે જ આવીશ. કારણ કે તું જ્યાં જાય ત્યાં મને તારે સાથે રાખવાની જ છે એવું તો તેં મને વચન આપ્યું છે.'
યોગિનીની વાત સાંભળીને રાજાના આનંદનો પાર ન રહ્યો. યોગિનીને સાથે પણ રાખી શકાશે અને રત્નવતીને પરણી પણ શકાશે એ ખ્યાલે રાજા પ્રસન્નતાના ગગનમાં ઊડવા લાગ્યો.
એક પુષ્પની આસપાસ કદાચ પચાસ કાંટાઓ હશે પણ સંસારમાં તો સેંકડો દુ:ખોના કાંટાઓ વચ્ચે આશાનું એક જ પુષ્પ છે. અને એ પુષ્પના સહારે જ માનવી સેંકડો દુ:ખોના કાંટાઓને હોશે હોશે અપનાવી લેવા તૈયાર રહે છે. પૂછો, આજના માણસને. વર્તમાનમાં તું સુખી ખરો ? કદાચ એનો જવાબ હશે ‘ના’. હા. સુખ મારી પાસે હતું ખરું પણ ‘ગઈ કાલે.’ સુખ મારી પાસે હશે ખરું પણ ‘આવતી કાલે’. આનો અર્થ ? આ જ કે સુખ કાં તો અતીતની સ્મૃતિનો વિષય બની રહ્યું છે અને કાં તો ભવિષ્યની કલ્પનાનો વિષય બની રહ્યું છે. પણ વર્તમાનમાં તો દુઃખ, હતાશા, ઉદ્વેગ કે ફરિયાદ સિવાય બીજું કશું જ નથી. માનતુંગ પાસે અત્યારે શું છે ? આવતી કાલના સુખની આશા. યોગિની પાસે અત્યારે શું છે ? આવતી કાલના સુખની આશા. પેલી રત્નવતી પાસે ગિપત્તનમાં શું છે ? આવતી કાલના સુખની આશા. સામે જ બેઠેલા દલસ્તંભન રાજવીના મંત્રીના મનમાં અત્યારે શું છે ? રાજા મુંગિપત્તન આવવા સંમત થઈ જ જશે એવી આશા !
એક આશાની માણસના મનમાંથી બાદબાકી કરી નાખો. ઘઉં નીકળી ગયા પછી કોથળો જેમ નીચે પડી જ જાય છે તેમ આશાની રવાનગી થઈ ગયા પછી માણસનું જીવન કેવળ ઢસરડો જ બની રહે છે.
રાજાએ પેલા મંત્રીને મુંગિપત્તન આવવા માટે સંમતિ આપી દીધી અને શુભ મૂહુર્તે લાવ-લશ્કર સાથે રાજાએ મુંગિપત્તન તરફ જવા પ્રયાણ આદર્યું, યોગિનીએ પણ રાજાની ૧
સાથે જવા તૈયારી કરી લીધી પણ કોઈને ય ખબર ન પડે એ રીતે એણે વીણાની અંદરના ભાગમાં થોડાંક આભૂષણો ગોઠવી દીધા.
મુસાફરી દરમ્યાન રથમાં રાજાની પાસે જ યોગિની બેસતી હતી અને જ્યાં પડાવ પડતો હતો ત્યાં યોગિની પોતાના સ્વતંત્ર આવાસમાં રહી જતી હતી.
અવિરત પ્રયાણ કરતાં કરતાં એક દિવસ રાજાએ ગાઢ અને છતાં રમણીય જંગલમાં પ્રવેશ કર્યો. સૈનિકો વગેરે સારા પ્રમાણમાં શ્રમિત પણ થયા હતા અને જંગલમાં સરોવર વગેરે પણ ઉપલબ્ધ હતાં એટલે રાજાએ અહીં થોડોક વધુ સમય ગાળવાનો નિર્ણય લઈને સેનાધિપતિને જણાવી દીધો.
યોગિની બનેલ માનવતીએ વિચાર્યું, ‘રાજાને ઠગવા માટે આ સ્થળ પણ શ્રેષ્ઠ છે અને આ સમય પણ શ્રેષ્ઠ છે. કારણ કે હવે થનારો વિલંબ કદાચ મારા માટે જોખમરૂપ પણ પુરવાર થઈ જાય.'
‘રાજન ! એક વાત છે’ ‘કહો’
‘આ સ્થળ પણ સરસ છે અને અહીંનાં સરોવરો પણ ખૂબ સરસ છે. ઘણા સમયથી મેં સ્નાન કર્યું નથી એટલે મને મન થયું છે કે કોક સરોવર પાસે જઈને હું સ્નાન કરી આવું.'
‘વન દુર્ગમ છે. વ્યાધ્રો અને સિંહો અહીં ગર્જના કરે છે. વળી આપ સ્ત્રી છો. આપ જો હા પાડો તો ધનુર્ધારી એવો હું પણ આપની સાથે જ આવું' રાજાએ કહ્યું,
‘સિંહણના રક્ષણ માટે કોઈએ સાથે આવવાની જરૂર હોય છે ખરી ?' આમ કહી યોગિની એકલી જ ત્યાંથી નીકળી પડી.
થોડેક દૂર આવી અને એણે એક સરોવર જોયું. કાંઠે રહેલ વૃક્ષની બખોલમાં એણે વીણા મૂકી અને સરોવરમાં સ્નાન કરવા એ ઊતરી. સ્નાન કરીને કિનારા પાસે આવી. બખોલમાં રહેલ વીણા બહાર કાઢી અને વીણામાં રહેલ આભૂષણો વગેરે બહાર કાઢ્યા.
શરીર પર મનોહર પીતાંબર ધારણ કર્યું. બંને નેત્રોમાં અંજન કર્યું. લલાટમાં કેસરનું તિલક કર્યું. પગમાં ઝાંઝર પહેર્યા. દરેક અંગ પર આભૂષણો ગોઠવી દીધા. વાળ ખુલ્લા મૂકી દીધા અને ત્યાં રહેલ વટવૃક્ષની શાખા પર ચડી જઈને સુંદર આલાપો વડે ગીતો ગાવાનું એણે શરૂ કર્યું.
૭૨