________________
આ નક્કી થતા સંબંધમાં માનવતીની સંમતિ જ છે'
ધનદત્તના આ જવાબ પછી મંત્રીને કાંઈ જ બોલવા જેવું કે પૂછવા જેવું રહ્યું નહીં.
કાળે જબરદસ્ત પલટો ખાધો છે. સ્વતંત્રતાના નામે સ્વચ્છંદતાએ પોતાનો વિકરાળ પંજો ક્યાં નથી ફેલાવ્યો એ પ્રશ્ન છે. મર્યાદા ‘બંધન’ના નામ હેઠળ મશ્કરીપાત્ર બની રહી છે તો શરમ ‘જુનવાણીપણા’ ના નામ હેઠળ તિરસ્કારપાત્ર બની રહી છે. કુળની ખાનદાની, સંસ્કારોનો વારસો, પવિત્રતાની મૂડી, વડીલોની આમન્યા આ બધા શબ્દો શબ્દકોશમાં જરૂર ઊભા છે પરંતુ જીવનકોશમાંથી દૂર થતા જાય છે. ‘લગ્નજીવન એટલે જીવનભરનો સ્થિર સંબંધ’ એ વ્યાખ્યા પોતાનો અર્થ આજે ગુમાવી રહી છે. ‘ફાવે ત્યાં સુધી સાથે રહેવું અને ન ફાવે ત્યારે છૂટા થઈ જવું' આ સમીકરણને આજે સરકાર તરફથી અને સમાજ તરફથી પણ માન્યતા મળી રહી છે. સંબંધ કોની સાથે બાંધવો ? એ બાબતમાં ઉપકારીઓની સંમતિ લેવી ય આજે જરૂરી નથી રહી તો અનુભવીઓનું માર્ગદર્શન લેવું ય આજે અનિવાર્ય નથી રહ્યું. અપેક્ષાએ કહેવું હોય તો એમ કહી શકાય કે મા-બાપોએ એ બાબતમાં માથું મારવાનું બંધ કરી દીધું છે તો દીકરા-દીકરીઓએ એ બાબતમાં મા-બાપોને ચિંતામુક્ત [?] કરી દીધા છે !
આકુળ હૈયે અને ચિંતાતુર વદને માનતુંગ સુબુદ્ધિના આગમનની રાહ જોઈ રહ્યો હતો અને ત્યાં જ સુબુદ્ધિએ રાજમહેલમાં પ્રવેશ કર્યો. એના ચહેરા પરની ચમક જોતાં માનતુંગે અનુમાન કરી લીધું કે પાસા પોબાર પડી ગયા લાગે છે. છતાં સુબુદ્ધિના મુખે જ
એ સમાચાર સાંભળવા એ તલપાપડ બની ગયો.
‘રાજન્ ! કરો કંકુના !' ‘એટલે ?'
‘એટલે બીજું કાંઈ નહીં. વહેલી તકે માનવતીને આપ રાજરાણી બનાવીને પધરાવી દો રાજમહેલમાં.'
‘પાકું થઈ ગયું ?’
‘પાકું શું ? માનવતીના પિતાજીએ તો ત્યાં સુધી કહી દીધું છે કે જ્યોતિષી ઉત્તમ મૂહુર્ત જે પણ આપે એ મૂહુર્ત હું માનવતીને વળાવવા તૈયાર છું’
સુબુદ્ધિના મુખે આ સમાચાર સાંભળીને માનતુંગના આનંદનો પાર ન રહ્યો. સુબુદ્ધિને એણે આ કાર્ય કુશળતાપૂર્વક પાર પાડી આવવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ આપ્યા. ‘તારો આ ઉપકાર હું જિંદગીભર નહીં ભૂલું. બાકી, જે ઝડપથી તે આ કાર્ય પાર પાડ્યું છે, સાચ્ચે જ એ તારી બુદ્ધિની કમાલ છે. નામ જ તારું સુબુદ્ધિ છે એમ નથી, તારી બુદ્ધિ પણ
૨૧
તારા નામને અનુરૂપ જ છે’
‘રાજન ! કામ આપનું હતું અને હું આપનો છું. જે કાંઈ થયું છે એ આપની જ મહેરબાનીનું ફળ છે. કહેવું તો મારે આપને એ છે કે, હવે આ કાર્યને સંપન્ન કરવામાં જરાય વિલંબ ન કરો. રાજ જ્યોતિષીને બોલાવીને એની પાસે આપ ઉત્તમ મૂહુર્ત માગી લો. અને એ મૂહુર્તો આપ માનવતી સાથે પાણિગ્રહણ કરી જ લો. આપના ખ્યાલમાં હશે જ કે મંગળ કાર્યો હંમેશાં વિઘ્નોવાળાં જ હોય છે.’
સુબુદ્ધિની સલાહ સ્વીકારીને માનતુંગે રાજ જ્યોતિષી પાસે મૂહુર્ત માગ્યું. જે મૂહુર્ત આવ્યું એ એણે મંત્રી દ્વારા ધનદત્તને કહેવડાવ્યું અને ધનદત્તે પોતાના વૈભવને અનરૂપ આખો ય લગ્નપ્રસંગ ભારે ધામધૂમથી પાર પાડી દીધો.
ધનદત્તને આનંદ એ વાતનો છે કે મને જમાઈ તરીકે રાજા મળ્યો છે. માનવતીને આનંદ એ વાતનો છે કે મારો પતિ આ નગરનો રાજા છે. નગરજનો એ વાતે આનંદિત છે કે માનતુંગને એના વૈભવને અને રૂપને ગૌરવ આપે એવી પત્ની મળી છે પણ માનતુંગના મનના આનંદનું સ્વરૂપ થોડુંક વિકૃત છે.
‘માનવતીના ગર્વના ચૂરેચૂરા કરી નાખવાની તક હવે મારા હાથમાં આવી ગઈ છે. એને ય ખબર પડી જશે કે એક સ્ત્રી પરાક્રમી પુરુષ આગળ કેવી કમજોર – તાકાતહીન અને લાચાર પુરવાર થાય છે !’
છ કાન વચ્ચે રહેલ ગુપ્ત વિચાર ક્યારેક ભેદાય છે, ચાર કાન વચ્ચે રહેલ ગુપ્ત વિચારને ભેદાતા હજી કદાચ વાર લાગે છે પણ બે કાન વચ્ચે રહેલ ગુપ્ત વિચારનો પાર તો બહ્મા પણ પામી શકતા નથી.
માનતુંગના મનમાં માનવતીના ગર્વને ખંડિત કરી નાખવાનો જે વિચાર રમી રહ્યો છે એની જાણ ભલે બીજા કોઈને ય નથી પણ આ સંસારમાં હુકમનું પાનું તો કર્મસત્તાના હાથમાં જ છે. માણસના પુરુષાર્થને સફળતા ત્યારે જ મળે છે કે જ્યારે એ પુરુષાર્થના ચેક પર કર્મસત્તા પોતાની સહી કરી દે છે. બાકી કર્મસત્તાની સહી પુરુષાર્થના જે ચેક પર હોતી નથી એ પુરુષાર્થ ભલે ને ચક્રવર્તી આદરતો હોય છે, એના લમણે નિષ્ફળતા સિવાય બીજું કાંઈ જ ઝીંકાતું નથી.
શું માનતુંગ માનવતીના ગર્વને ખંડિત કરી શકશે ? શું માનવતી માનતુંગના મનની વાત જાણી શકશે ? શું માનવતી પુરુષ માટે જે કાંઈ બોલી છે એને કરી બતાડશે ? શું માનતુંગ માનવતી પાસે પોતાની હાર કબૂલી લેશે ? જોઈએ, શતરંજનાં પ્યાદાંઓ કેવી ચાલ આગળ ચાલે છે ?
૨૨