Book Title: Adarsh Kelavaninu Upnishad
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 48
________________ સ્થિતિ રોજમદાર જેવી થઈ. આપણી જૂની વ્યવસ્થામાં શિક્ષકો લગભગ કાયમી રહેતા. એવો સમય હતો કે ધોરણ ૮ થી ૧૧ સુધીમાં વિદ્યાર્થી અને શિક્ષકો સાથે એવો ઘરોબો કેળવાતો કે શિક્ષકો સાથે વિદ્યાર્થીઓના પારિવારિક અને આજીવન સંબંધો કેળવાતા. આ વૈભવ અમો અત્યારે માણીએ છીએ. નવી વ્યવસ્થામાં આ ભાવનાનો છેદ ઊડી ગયો. એવું પણ બન્યું છે કે રસાયણશાસ્ત્ર શીખવનાર ત્રણ – ચાર અલગ શિક્ષક હોય. દરેક શિક્ષક અમુક નિશ્ચિત ભાગ ભણાવે. આવું દરેક વિષયમાં થયું. અંગ્રેજી ગ્રામર અને પાઠ - કવિતા શીખવનાર શિક્ષકો અલગ-અલગ. આમ થવાનું કારણ એ કે દરેક શિક્ષક બે-ત્રણ સંસ્થાઓમાં જતા હોય, એટલે જે ભાવસંબંધ કેળવાતો હતો તે બંધ થયો. શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે માત્ર ભૌતિકવ્યવહાર જ રહ્યો. એવું લાગે છે કે આ પાયાની સમસ્યા છે. અંગ્રેજી માધ્યમની સમસ્યા : આવી જ બીજી એક સમસ્યા છે કે નાનાં-નાનાં ગામડાંઓમાં પણ અંગ્રેજી માધ્યમની સ્કૂલો શરૂ થઈ છે. જગતના બધા શિક્ષાવિદ્ એક વિષય પર સંમત છે કે પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં જ હોવું જોઈએ. વિશ્વના મોટા ભાગનાં રાષ્ટ્રોમાં આ વાત સ્વીકારવામાં આવી છે. અહીં તો એવી પરિસ્થિતિ છે કે બાળકના પરિવારમાં ગુજરાતી જ નહિ કાઠિયાવાડી લઢણવાળી સાદી ભાષા બોલાતી હોય. સ્કૂલમાં બાળકોને માત્ર અંગ્રેજીમાં જ વાત કરવાની સૂચના અપાતી હોય, પરિણામે બાળકને બે પ્રવાહો વચ્ચે ખેંચાવાનું બને છે. આપણો સૌનો અનુભવ છે કે માતૃભાષામાં ભણેલ વિદ્યાર્થી અંગ્રેજી ભાષા પર સારું એવું પ્રભુત્વ ધરાવે છે. અત્યારે જે ડૉક્ટરો છે, જેઓ સારા એન્જિનિયર છે, તે બધા માતૃભાષા દ્વારા શિક્ષણ પામેલા છે. એટલું જ નહિ પણ ટોચના વૈજ્ઞાનિકો પણ માતૃભાષામાં ભણેલા છે. આ એક એવું કારણ છે કે જેના કારણે જૂની શૈક્ષણિક સંસ્થાઓ નબળી પડી છે. આર્થિક સમસ્યા: એક નાજુક સમસ્યા છે શૈક્ષણિક સંસ્થાઓના વિકાસ માટે દાન મેળવવાની. સૌરાષ્ટ્રમાં એવો ગ્રામીણ વિસ્તાર છે કે જ્યાંના ખેડૂત અને મજૂરવર્ગના ૯૨ - A આદર્શ કેળવણીનું ઉપનિષદ | પરિવારો હીરા ઉદ્યોગ અને અન્ય ક્ષેત્રોમાં દેશ-પરદેશમાં જઈ સારું એવું કમાયા છે. તેઓ પોતાના વતનની સંસ્થાઓ માટે ઘણું ઘણું કરે છે. આવી સંસ્થાઓ સાધનસંપન્ન બની છે. કેટલીક સંસ્થાઓને રાજકીય પીઠબળ, જ્ઞાતિનું પીઠબળ, ધાર્મિક સંગઠનો કે સંપ્રદાયોનું પીઠબળ, ઔદ્યોગિક એકમોનું પીઠબળ - આ બધું જેની પાસે છે, તે સંસ્થાઓ વિકસી રહી છે. પરંતુ કેટલીક સંસ્થાઓ એવી છે કે જેની પાસે આવું કશું જ નથી. વર્ષો અગાઉ આવેલા દાનના કારણે સંસ્થાઓમાં દાતાઓનાં નામ આવી ગયાં હોય. પછી દાતાઓના સંજોગો પણ બદલાયા હોય. આવી સંસ્થાઓને દાન મેળવવામાં ઠીક-ઠીક મુશ્કેલી પડે છે. તેનાં બે કારણો છે - (૧) સમાજમાં એવી છાપ ઊભી થઈ છે કે શૈક્ષણિક સંસ્થાઓમાં પૂરા પૈસા આવે છે. સંચાલકો ખૂબ કમાય છે, માટે ત્યાં દાનની જરૂર નથી. (૨) સંસ્થાઓ પાસે એવા કાર્યકરોની ખેંચ પડી છે, જેઓ પોતાની સેવાની મૂડી પર ઊભા રહી દાતાઓને આકર્ષી શકે. સમાજના નબળાવર્ગ પ્રત્યે એક સહાનુભૂતિ ધરાવતો વર્ગ છે. આ નોંધ લખનારનો અનુભવ છે કે બહેરા-મૂંગા શાળા માટે સામેથી દાન આવે છે, તેવું સ્કૂલમાં બનતું નથી. મંદિરોમાં પણ દાન સરળતાથી મળે છે, શૈક્ષણિક સંસ્થાઓમાં આ કપરું કામ થયું છે. આ બધી સમસ્યાઓનું નિવારણ માત્ર ધ્યેયનિષ્ઠ, સમર્પિત, નિઃસ્વાર્થી, દૃષ્ટિસંપન્ન અને પદ-પ્રતિષ્ઠાના મોહથી મુક્ત કાર્યકરો. આ સંઘ વધુ ને વધુ વિસ્તરે તો આપણી આવતી કાલ ઉજ્જવળ બને. સૌને પ્રભુ આવા ઉત્કૃષ્ટ કાર્ય કરવા માટે બળ પ્રદાન કરો. (અમરેલીસ્થિત શ્રી કિશોરભાઈ દાયકાઓથી શિક્ષણ સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. તેમાં સ્વામી વિવેકાનંદ વિદ્યાભારતી ટ્રસ્ટ રૂપાવતનની વિવિધ શિક્ષણ સંસ્થાઓનું સંચાલન કરે છે.) આદર્શ કેળવણીનું ઉપનિષદ ,

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93